
જયા પાર્વતીના વ્રતને લીધે અમદાવાદનું કાંકરિયા લેક આજે મહિલાઓ માટે આખી રાત ખુલ્લુ રહેશે
અમદાવાદઃ જયાપાર્વતીના વ્રતનો આજે શુક્રવારે છેલ્લો દિવસ અને જાગરણ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુવતીઓ અને બાળકીઓ પરિવાર સાથે જાગરણ કરી શકે તેના માટે કાંકરિયા પરિસરને આખી રાત ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. દરમિયાન આજે જાગરણને લીધે પોલીસ પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના કાંકરિયા લેક્ફ્રન્ટમાં આજે શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી માત્ર મહિલાઓ, બાળકીઓ અને 12 વર્ષથી નાના બાળકોને પ્રવેશ આપવામાં આવશે. પુરુષો અને યુવકો માટે કાંકરિયા પરિસર વહેલી સવારે ત્રણ વાગ્યા સુધી પ્રવેશ માટે બંધ રહેશે. કાંકરિયા પરિસરમાં અલગ-અલગ ચાર જગ્યાએ વિશાળ સ્ક્રીન પર ગુજરાતી અને હિન્દી ફિલ્મો પણ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.જયાપાર્વતી વ્રતનું જાગરણ બાળકીઓ અને યુવતીઓ કરી શકે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા પરિસરમાં આયોજન કર્યું છે.
સૂત્રો ઉમેર્યુ હતું કે, શહેર કાંકરિયાના ગેટ નંબર 1 પુષ્પકુંજ અને ગેટ નંબર-3 વિદ્યાલય પાસે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓ અને બાળકીઓ ત્યાં ગરબા રમી શકશે. કાંકરિયા પરિસરમાં આવેલી નગીનાવાડી સહિત તમામ રાઇડ્સ અને એમ્યુઝમેન્ટ પાર્ક પણ આખી રાત ચાલુ રહેશે મહિલા પોલીસ દ્વારા પણ કાંકરિયા પરિસરમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે. કાંકરિયા સ્વીમીંગ પુલ પાસે, ઓપન એર થિયેટર, દેડકી ગાર્ડન તેમજ મલ્ટીલેવલ પાર્કિંગ પાસે લોકોને વાહન પાર્ક કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન આજે જાગરણને લીધે પોલીસ પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે. જો કે શહેરમાં હાલ વરસાદની આગાહી હોવાથી અને શુક્રવારે જો વરસાદ પડશે તો કાંકરિયા લેક પર ગરબાનો કાર્યક્રમ રદ કરવામાં આવી શકે છે.