બાળકોમાં મોબાઈલનું વળગણ છોડાવવા કર્ણાટક સરકારનો માસ્ટર પ્લાન, ડિજિટલ ડિટોક્સ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર
બેંગલુરુ, 24 માર્ચ 2026: આજના સમયમાં દેશ અને દુનિયામાં દરેક ઉંમરના લોકો મોબાઈલના વ્યસની બની ગયા છે. જમતી વખતે હોય કે અન્ય કોઈ કામ દરમિયાન, લોકોના હાથમાં સતત મોબાઈલ જોવા મળે છે. આ લતની સૌથી ગંભીર અસર બાળકો પર પડી રહી છે. આ બાબતે ચિંતા વ્યક્ત કરતા કર્ણાટક સરકારે એક નવી ‘ડિજિટલ ડિટોક્સ પોલિસી’ તૈયાર કરી છે, જેનો ઉદ્દેશ્ય બાળકોને ટેકનોલોજીના ગુલામ બનતા અટકાવવાનો છે.
કર્ણાટક સરકારની આ પોલિસીનો મુખ્ય હેતુ બાળકોને ટેકનોલોજીનો ઉપયોગ મર્યાદિત અને સંતુલિત રીતે કરતા શીખવવાનો છે. આ પોલિસી હેઠળ બાળકોની મોબાઈલ પરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે. ખાસ કરીને મનોરંજન માટે મોબાઈલ, ટીવી કે અન્ય ડિજિટલ સ્ક્રીનનો ઉપયોગ દિવસમાં માત્ર 1 કલાક સુધી જ સીમિત રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે, વધુ પડતા સ્ક્રીન ટાઈમને કારણે બાળકોમાં તણાવ, ઊંઘની સમસ્યા, એકાગ્રતાનો અભાવ અને માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસરો જોવા મળી રહી છે.
આ પોલિસીને અસરકારક બનાવવા માટે શાળાઓમાં પણ મહત્વના ફેરફારો કરવામાં આવશે. દરેક શાળામાં એક કમિટી બનશે જે મોબાઈલની લત ધરાવતા બાળકોને ઓળખી તેમનું કાઉન્સેલિંગ કરશે. શિક્ષકોને ખાસ તાલીમ આપવામાં આવશે જેથી તેઓ બાળકોની ડિજિટલ આદતોને સમજી શકે અને તેમને સાચું માર્ગદર્શન આપી શકે. સ્કૂલના સમય દરમિયાન અમુક કલાક ‘નો ગેજેટ’ ઝોન રહેશે, જેમાં બાળકો ફક્ત આઉટડોર રમતગમત અને અન્ય ઓફલાઇન પ્રવૃત્તિઓ કરશે. બાળકોને સાયબર બુલિંગ, ઓનલાઇન છેતરપિંડી અને શોષણથી બચવાના પાઠ ભણાવવામાં આવશે.
કર્ણાટક સરકારે એક મોટો નિર્ણય લેતા જાહેરાત કરી હતી કે, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં. આ ઉપરાંત, વાલીઓને પણ જાગૃત કરવામાં આવશે કે તેઓ ઘરે બાળકોના સ્ક્રીન ટાઈમ પર કેવી રીતે નિયંત્રણ રાખે અને તેમને મેદાનમાં રમવા માટે કેવી રીતે પ્રોત્સાહિત કરે. ટેકનોલોજીના આ યુગમાં બાળકોના માનસિક અને શારીરિક વિકાસને સુરક્ષિત રાખવા માટે કર્ણાટક સરકારનું આ પગલું અન્ય રાજ્યો માટે પણ ઉદાહરણરૂપ બની શકે છે.
(PHOTO-FILE)
આ પણ વાંચોઃ ઓઈલ અને એલપીજીની ભારે અછત વચ્ચે ઈરાને ભારતને મોકલી ઓફર


