
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે રાજકીય નેતાઓના પ્રચાર-પ્રસાર માટે આંટાફેરા વધી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ આજે રવિવારે બપોરે ગુજરાતની મુલાકાતે બે દિવસ માટે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના સંગઠનમાં 7500 પદાધિકારીઓને શપથ લેવડાવશે. જેમાં હાલમાં 6000 થી વધુ પદાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે અને આ પહેલા 1500 લોકોનું સંગઠન જારી કરવામાં આવ્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. આપ’ના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ આજે રવિવારે બપોરે 2:00 કલાકે અમદાવાદ પહોંચશે. ત્યારબાદ નવનિયુક્ત પદાધિકારીઓના શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહી તમામ હોદ્દેદારોને શપથ લેવડાવશે. આ કાર્યક્રમ મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટમાં યોજાશે. ચૂંટણીમાં પક્ષને મજબૂત સ્થિતિમાં મૂકવા, લોકોની સેવા કરવા અને નિષ્ઠાથી જવાબદારીઓ સંભાળવા માટે શપથ લેવડાવવામાં આવશે.
આપ’ના ગુજરાતના અગ્રણી ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા મહિનાથી સમગ્ર ગુજરાતમાં ફ્રી વીજળી આપવા માટે આંદોલન ચાલી રહ્યું છે. ગુજરાતની જનતા રોજેરોજ સરકારના જુદા જુદા ટેક્સ અને મોંઘવારીના મારનો સામનો કરી રહી છે. ભ્રષ્ટ ભાજપ સરકાર અલગ-અલગ આવશ્યક ચીજવસ્તુઓ પર છૂપી રીતે ટેક્સ વધારી દે છે, જેના કારણે જનતા ભારે પરેશાન થઈ ગઈ છે. સખત મોંઘવારીના સમયમાં લોકોને રાહત મળવી જોઈએ, તેના કારણે આમ આદમી પાર્ટી એ ગુજરાતના ગામડાઓ અને શહેરોમાં ફ્રી વીજળી આંદોલન શરૂ કર્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારો મુદ્દો છે કે જો દિલ્હી અને પંજાબની જનતાને મફત વીજળી મળી શકે છે, તો ભ્રષ્ટ ભાજપ સરકાર ગુજરાતની જનતાને મફત વીજળી કેમ નથી આપતી ? આ આંદોલનમાં અમે લાખો ફોર્મ ભર્યા છે, જેમાં મફત વીજળી અંગે જનતાના પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે. જે ફોર્મ ભરાયા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતની જનતા પણ મફત વીજળીની માંગ કરી રહી છે.આ આંદોલનને આગળ લઈ જતા 4 જુલાઈના રોજ વીજળીના મુદ્દે ટાઉન હોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલ શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે. આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બપોરે 11:00થી 1:00 વાગ્યા સુધી હાજર રહેશે. આ કાર્યક્રમ બાદ અરવિંદ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.