મોબાઈલ ગેમ્સમાં આગળ વધવા માટે કિશોરે માતાના બેંક એકાઉન્ટમાંથી 36 લાખનો ખર્ચ કર્યો
બેંગ્લોરઃ બાળકોની મોબાઈલ ગેમના કારણે વાલીઓની મુશ્કેલીમાં વધારો થાય છે. આવો જ એક કિસ્સો હૈદરાબાદમાં સામે આવ્યો છે. અહીં એક 16 વર્ષના છોકરાએ મોબાઈલ ગેમ રમવા માટે તેની માતાના 36 લાખ રૂપિયા લૂંટાવ્યા હતા. આ કિશોર હૈદરાબાદના અંબરપેટ વિસ્તારનો રહેવાસી છે. તે ઓનલાઈન ગેમ રમતો હતો. રમત ચાલુ રાખવા માટે, તેણે કેટલાક પૈસા ચૂકવ્યા હતા આમ તેણે તેની માતાની બધી કમાણી ઉડાવી દીધી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર, કિશોરે સૌથી પહેલા તેના દાદાના મોબાઈલમાં એક ગેમિંગ એપ ડાઉનલોડ કરી હતી. જો કે આ એક ફ્રી ગેમ છે, પરંતુ જ્યારે છોકરો આ ગેમમાં આગળ વધ્યો તો તેણે થોડા પૈસા ખર્ચવા માંડ્યા. તેણે ગેમ રમવા માટે પહેલા 1500 અને પછી તેની માતાના ખાતામાંથી 10 હજાર રૂપિયા ખર્ચ્યા હતા. જેમ જેમ તેણે પૈસા ખર્ચ્યા તેમ, રમતમાં વધુ કુશળતા અને શસ્ત્રો ઉમેરવામાં આવ્યા હતા. જેના કારણે તેને ગેમની લત લાગી ગઈ હતી. તેના વ્યસનને કારણે તેણે તેના પરિવારના સભ્યોને જાણ કર્યા વિના તેના પર વધુ પૈસા ખર્ચવાનું શરૂ કર્યું હતું,
એક દિવસ જ્યારે તેની માતાને પૈસાની જરૂર હતી ત્યારે તે બેંક ગઈ હતી. બેંક ખાતામાં નાણા જ નહીં હોવાનું જાણીને મહિલા સ્તબ્ધ થઈ ગઈ હતી. બેંક અધિકારીઓએ જણાવ્યું કે, તેના ખાતામાંથી લગભગ 27 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આ સાથે અન્ય કોઈ બેંક ખાતામાંથી પણ પેમેન્ટ કરવામાં આવ્યું છે. ત્યારબાદ મહિલાને ખબર પડી કે તેના પુત્રએ પણ અન્ય બેંકમાંથી 9 લાખ રૂપિયા ખર્ચ્યા છે. આ રીતે ખર્ચવામાં આવેલી કુલ રકમ 36 લાખ થઈ ગઈ હતી.
આ બાબતની જાણ થતાં જ મહિલાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. છોકરાના પિતા પોલીસમાં હતા, જેનું મૃત્યુ થયું છે. હાલમાં તે 11મા ધોરણમાં અભ્યાસ કરે છે. મહિલાએ પોલીસને જણાવ્યું કે આ તેના પતિની મહેનતની કમાણી હતી. આ ઉપરાંત પતિના અવસાન બાદ મળતી આર્થિક સહાયની રકમ પણ આમાં સામેલ છે. માત્ર એક મોબાઈલ ગેમને કારણે તેણે બધું ગુમાવ્યું છે.