1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જંત્રીના દરમાં કમરતોડ વધારાને લીધે અમદાવાદમાં કરોડો રૂપિયાના જમીનોના સોદા અટક્યા
જંત્રીના દરમાં કમરતોડ વધારાને લીધે અમદાવાદમાં કરોડો રૂપિયાના જમીનોના સોદા અટક્યા

જંત્રીના દરમાં કમરતોડ વધારાને લીધે અમદાવાદમાં કરોડો રૂપિયાના જમીનોના સોદા અટક્યા

0
Social Share

ગાંધીનગરઃ  ગુજરાત સરકારે રાતોરાત જંત્રીના ભાવમાં કરેલા ડબલ વધારાથી રિઅલ એસ્ટેટ પર વ્યાપક અસર પડવાની શક્યતા છે, કારણ કે,  હાલ જમીન-મકાનોના સોદા લગભગ ઠપ થઈ ગયા છે. સરકારે જંત્રીના દર ડબલ કરી નાખ્યા છે તેના કારણે ખેડૂતો અને ડેવલપર્સ સોદા કરતા ખચકાય છે. સરકાર કંઈક રાહત આપશે તેવી આશાએ સોદા હાલપૂરતા અટકી ગયા છે. એક અંદાજ પ્રમાણે એકલા અમદાવાદમાં જમીનોના લગભગ 2000 કરોડના સોદા અટવાઈ ગયા છે. આ સોદા માટે ડિસેમ્બરથી વાતચીત ચાલતી હતી, પરંતુ હવે તેને બ્રેક લાગી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારે જંત્રીના દર ડબલ કર્યા તેના કારણે ખરીદવામાં આવેલી FSIનો ખર્ચ વધી ગયો છે. આ ઉપરાંત તેનાથી કેપિટલ ગેઈન ટેક્સ પણ વધી જાય છે. તેના કારણે સોદાને હમણાં થંભાવી દેવામાં આવ્યા છે. જમીનના ખરીદદારો અને વેચનારાઓ હમણાં બેઠકો યોજી રહ્યા છે અને આ મુદ્દો ઉકેલવા પ્રયાસ ચાલુ છે. તેમને આશા છે કે રાજ્ય સરકાર કોઈ રાહત આપશે. કન્સલ્ટન્ટ્સના કહેવા પ્રમાણે આવી પરિસ્થિતિમાં પેમેન્ટનો ગાળો વધી જશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અમદાવાદમાં છેલ્લા ત્રણ મહિનામાં જમીનોના સોદા મોટી સંખ્યામાં થયા છે. ડેવલપર્સ FSI ખરીદવા માટે જંત્રીની કિંમતના 40 ટકા ચુકવે છે. પરંતુ જંત્રીનો દર બમણો થવાના કારણે FSIનો ખર્ચ વધી ગયો છે. તેના કારણે છેલ્લે ફિનિશ્ડ પ્રોડક્ટનો ખર્ચ 20 ટકા વધી જવાની શક્યતા છે. આ ઉપરાંત રિડેવલપમેન્ટના સોદા પણ અટકાવી દેવામાં આવ્યા છે. ખેડૂતથી ખેડૂત વચ્ચે, ખેડૂતથી ડેવલપર વચ્ચે અને જમીનના માલિકથી ડેવલપર વચ્ચે થતી ડીલમાં સંખ્યાબંધ પ્રશ્નો પેદા થયા છે. ખેડૂતો તેમને પૂરેપૂરી રકમ મળે નહીં ત્યાં સુધી બાનાખત પર સહી કરતા નથી. તેથી મોટા ખેડૂતોએ નાના ખેડૂતો પાસેથી જમીનો ખરીદી હોય તેવા ઘણા સોદા અટવાઈ જાય એવી દહેશત ઊભી થઈ છે.

શહેરના એક જાણીતા બિલ્ડર્સના કહેવા મુજબ  જમીનના સોદા કરનારાઓ હાલમાં કેપિટલ ગેઈન્સ ટેક્સ અને ઈન્કમટેક્સને લગતા મુદ્દાનો સામનો કરે છે. બીજી તરફ ડેવલપર્સ FSI માટે ઉંચી રકમ ચુકવતા ખચકાય છે. આ સમસ્યા નાના ખેડૂતોને પણ નડી રહી છે. એટલે અમે રાજ્ય સરકાર પાસે આ અંગે રાહતની માંગણી કરી છે. જંત્રીના દરમાં તાત્કાલિક વધારો થવાથી રિયલ એસ્ટેટ સેક્ટરને માઠી અસર પડી છે. જમીનની જે ડીલ પર કામ ચાલતું હતું તે અટકી ગઈ છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં ડિસેમ્બરથી લગભગ 20,000 કરોડના જમીનના સોદા થયા છે અને તેમાં 6 મહિનાથી લઈને 12 મહિના સુધી પેમેન્ટના શિડ્યુલ હોય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code