શ્રીનગરના કબ્રસ્તાનમાંથી મોટી માત્રામાં હથિયારોનો જથ્થો ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ બની સાબદી
શ્રીનગર: સુરક્ષા દળોએ શ્રીનગરના તાર નટીપોરા વિસ્તારમાં આવેલા એક કબ્રસ્તાનમાં હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન હથિયારો, દારૂગોળો અને અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત કરી છે. આ કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ છે અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. પોલીસ સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, સુરક્ષા દળોની સંયુક્ત ટીમે પોલીસ સ્ટેશન બેમિનામાં નોંધાયેલી FIR ની તપાસના સંદર્ભમાં આ કાર્યવાહી કરી હતી.
સૂત્રોએ જણાવ્યું કે, સઘન સર્ચ ઓપરેશન દરમિયાન ટીમને કબ્રસ્તાનમાંથી એક ચાઈનીઝ હેન્ડ ગ્રેનેડ, લગભગ 100 ગ્રામથી વધુ વિસ્ફોટક પાવડર (બારૂદ), AK-47 જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી તમામ સામગ્રી સંબંધિત અધિકારીઓની હાજરીમાં કબજે કરવામાં આવી છે અને આગળની તપાસ માટે તેને કસ્ટડીમાં લેવામાં આવી છે. આ મામલે વધુ તપાસ હાથધરવામાં આવી છે. દરમિયાન આજે વહેલી સવારે કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીર (CIK) એ કાશ્મીર ખીણના 7 જિલ્લાઓમાં 12 જુદા-જુદા સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડાની કાર્યવાહી આતંકવાદી ગુનાઓ અને આતંકવાદીઓની ભરતી કરવાના હેતુથી આતંકવાદનું ઓનલાઈન મહિમામંડન કરવા મુદ્દે પાડવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં આતંકવાદી પ્રવૃતિઓને ડામવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જમ્મુ-કાશ્મીર સહિત દેશના વિવિધ રાજ્યોમાં સુરક્ષા દળો દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ વધારે સાબદી બની છે અને આતંકવાદી પ્રવૃતિઓ સાથે જોડાયેલા લોકોની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરવા માટે મેગા સર્ચ કરવામાં આવી રહ્યું છે.


