
અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં પણ કેટલાક લોકો કોરોનાથી સંક્રમિત બનેલા લોકોની મજબુરીનો લાભ લઈ રહ્યા છે. કેટલાક ફાર્માસિસ્ટ્ એટલે કે દવાના દુકાનદારો વધુ ભાવ લઈ રહ્યા હોવાની પણ ફરિયાદો ઊઠી છે. ત્યારે ફાર્મસી કાઉન્સિલે લાલ આંખ કરીને ફાર્માસિસ્ટનું આજીવન લાસન્સ રદ કરવાની ચીમકી આપી છે.
કોરોનાના ગંભીર દર્દીઓની સારવારમાં વપરાતા રેમડેસિવિર ઈન્જેક્શનના કૌભાંડ પ્રકાશમાં આવી રહ્યા છે. સુરતથી લઈને મોરબી સુધીમાં લોકોના જીવ સાથે ચેડાં કરીને નકલી રેમડેસિવિર ઊંચી કિંમતે વેચવાના બનાવો બન્યા છે. ત્યારે ફાર્મસી કાઉન્સિલે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ તેમજ સામાન્ય જનતા માટે નોટિસ જાહેર કરી છે. જેમાં મજબૂર લોકો સામે ઈન્જેક્શનના નામે વધુ રૂપિયા પડાવનારા લેભાગુ તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં જ સુરત, અમદાવાદ, આણંદ, વડોદરા તથા મોરબીમાં નકલી રેમડેસિવિર ઊંચી કિંમતે વેચવાના મામલા સામે આવ્યા છે. એવામાં ફાર્મસી કાઉન્સિલે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ તેમજ સામાન્ય જનતા માટે નોટિસ જાહેર કરીને જણાવ્યું હતું કે, મજબૂર લોકો પાસે ઈન્જેક્શનના વધુ રૂપિયા પડાવનારાઓ સામે કડક કાર્યવાહી થશે. ઈન્જેક્શનની કાળાબજારી, ડુપ્લીકેટ દવા, ઈન્જેકશનનું વેચાણ, એમ.આર.પી કરતા વધારે કિંમતની વસુલાત, દવા અને ઈન્જેક્શનની સંગ્રહખોરી કરતા પકડાશે તો તે વ્યક્તિ સામે કડક પગલાં લેવાશે. સરકારી તેમજ કોમ્યુનિટી ફાર્મસીસ્ટ કાળા બજાર કરતા પકડાશે તો આજીવન માટે તેમનું લાઇસન્સ રદ થશે. ઉપરાંત ફાર્મસી એક્ટ 1948 અને Pharmacy Practice Regulation Act 2015 મૂજબ છ મહિના જેલની સજા પણ થશે. કોઈપણ વ્યક્તિ પાસે કોઈપણ મેડિકલ સંચાલક અથવા ફાર્મસીસ્ટ દ્વારા વધુ પૈસા લેવામાં આવ્યા હોય તો ફરિયાદ કરવા માટે અપીલ કરવામાં આવી છે. કોઈપણ પણ વ્યક્તિ ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં ફરિયાદ આ માટે ફરિયાદ કરી શકે છે.રેમડેસિવિર કે અન્ય કોઈ ઇન્જેક્શન અથવા તો દવા ખરીદતા સમયે બિલનો આગ્રહ રાખવો જોઈએ. જેથી કરીને બનાવટી ઇન્જેક્શન કે નકલી દવાઓથી બચી શકાય.