1. Home
  2. ગુજરાતી
  3. REVOઈમેગેઝિન
  4. લિપસ્ટિક ફેશન અને સ્ટેટસ સિંબોલથી વધારે આત્મવિશ્વાસ વધારતુ મહિલામુક્તિનું પ્રતીક બની ઊભરી આવી છે
લિપસ્ટિક ફેશન અને સ્ટેટસ સિંબોલથી વધારે આત્મવિશ્વાસ વધારતુ મહિલામુક્તિનું પ્રતીક બની ઊભરી આવી છે

લિપસ્ટિક ફેશન અને સ્ટેટસ સિંબોલથી વધારે આત્મવિશ્વાસ વધારતુ મહિલામુક્તિનું પ્રતીક બની ઊભરી આવી છે

0
Social Share
પુલક ત્રિવેદી
પુલક ત્રિવેદી

અધરં મધુરં, વદનં મધુરં, નયનં મધુરં, હસિતં મધુરમ્ ।

હૃદયં મધુરં, ગમનં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્…

યાદ છે, શ્રી વલ્લભાચાર્ય રચિત આ મધુરાષ્ટક ? પરમાત્માની સ્તુતીમાં એમની સુંદરતાની વાતમાં સૌથી પહેલાં એમના મધુર હોઠની વાત વલ્લભાચાર્યજીએ કરી છે. પરમાત્માએ પૃથ્વી ઉપર બનાવેલી તમામ વસ્તુ હસીન અને રંગીન છે એટલે જ કુદરતનુ તમામ સર્જન તારીફને કાબિલ છે. ઐશ્વરીય તમામ સર્જનનો સલામ સાથે સત્કાર થવો જ જોઈએ. માણસ પણ ઈશ્વરનું જ સર્જન છે. તો સ્વાભાવિક છે, માણસની તારીફ કરવાનું પણ આપણું કર્તવ્ય અને ફરજ બની જાય કે નહીં ? જ્યારે તારીફ કે વખાણની વાત આવે તો સૌથી પહેલા ચહેરો આવે અને એમાં પણ સુંદરતાની તારીફનો મુગટ અઘરો ઉપર મુકવામાં આવે છે. હોઠની ખૂબસુરતી અને નજાકતને શાયરોએ એમના ગુલાબી અને મખમલી અલ્ફાજોના અંદાજમાં પેશ કરીને લાખો લોકોના દિલની વાત વહેતી કરી છે. માનો યા ન માનો હોઠની સુંદરતાને સૌ કોઈ મનોમન તો માણે જ છે. શાયરીઓમાં હોઠના શ્રૃંગારને મન ભરીને પ્રસ્તુત કરવામાં આવ્યું છે. ક્યાંક ગુલાબની પાંખડીઓની ઉપમા આપી એની કોમળતાને ઉજાગર કરાઈ છે તો ક્યાંક ફુલોની વર્ષા સમા અધરોને ઓળખાવાયા છે. ક્યાંક ઈન્દ્રધનુષી રંગો સાથે તો ક્યાંક આસમાની આફતાબ સાથે સરખાવી હોઠની તારીફના તોરણો બંધાયા છે.

ઇશ્વરે આપેલા હોઠની સુંદરતાની લાલીમાના વધુ નિખાર આપવાનું માણસ ચુકતો નથી. મેકઅપની દુનિયામાં લિપસ્ટિકનું અનોખું સ્થાન છે. કોઈની દુકાન ચાલે કે નહીં પણ મેકઅપના સામાનની દુકાન અવશ્ય ચાલે. મેકઅપનો જાદુ એવો હોય છે કે, એક સામાન્ય દેખાતી છોકરી કે છોકરાને અસાધારણ સુંદરતા આપી એના લુકને ચાર ચાંદ લગાવે છે. મેકઅપનો એક અલગ જ પ્રભાવ છે. આ પ્રભાવ ઊભો કરવા પાછળ લીપસ્ટિકનો કલ્પી ન શકાય એવો મોટો હાથ છે. અદીમ હાશ્મીનો એક જાણીતો શેર છે કે, ‘ક્યું પરખતે હો સવાલો સે જવાબો કો અદીમ, હોઠ અચ્છે હો તો સમજો કી સવાલ અચ્છા હૈ.’ બીજા એક શાયરે હોઠની સુંદરતા વર્ણવતા લખ્યું કે, ‘વો લફ્ઝ કિતને નશીલે હોંગે જો ઈન સે હોકર ગુજરતે હૈ…’

મહિલાઓ ચહેરાની સુંદરતા માટે લીપ સ્માર્ટનેસની સૌથી વધુ દરકાર લેતી હોય છે. મહિલાઓની આ મેન્ટાલિટીને લિપસ્ટિક ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ્સે બખુબી પિછાણી છે. વર્ષ ૨૦૨૧ના આંકડાઓ મુજબ ૯.૫૭ બિલિયન યુએસ ડોલરનું લિપસ્ટિક માર્કેટ હતું. એવું અનુમાન છે કે, પાંચ છ વર્ષો પછી ૨૦૨૯માં આ માર્કેટ ૧૪.૬૮ બિલિયન યુએસ ડોલર ઉપર પહોંચી જશે. આજે વિશ્વમાં લેક મે, ફેસ કેનેડા વેઈટલેસ મેટ લિપસ્ટિક, જસ્ટ હર્બલ આયુર્વેદિક લિપસ્ટિક, સુગર કોસ્મેટિક્સ, મેપથ મોઈશ્ચર મેટ લોંગસ્ટે નાયકા સો ક્રીમ, કલરબાર વેલવેટ અને મેબેલાઈન ન્યુયોર્ક લિક્વિડમેટ પાંચ ટોપ બ્રાન્ડ લિપસ્ટિક છે. સામાન્ય રીતે વેક્સ, ઓઈલ અને પિગમેન્ટ એટલે કે મીણ, તેલ અને કલરના કોમ્બિનેશનથી લિપસ્ટિક બનતી હોય છે. લિપસ્ટિક વિગન પ્રોડક્ટ નથી હોતી. જો કે ફાઈ બ્યુટી, ઈએલએફ અને ડિસગસ કોસ્મેટિક્સ વિગન લિપસ્ટિક પણ બનાવે છે.

કોસ્મેટિક્સ ઈન્ડસ્ટ્રીઝના ખેરખાં લિયોનાર્ડ લોડેરના મંતવ્ય અનુસાર લિપસ્ટિક માર્કેટ ક્યારેય મંદ નહીં પડે. લિયોનાર્ડનુ માનવુ છે કે, મહિલાઓ ગમે તેવી નાણાકીય તંગીમાં મોંઘા કપડાં અને પગરખાં લેવાનું છોડી દેશે પણ કપડાં જુતા કરતાં પ્રમાણમાં પરવડે એવી લિપસ્ટિક જેવી કોસ્મેટિક વસ્તુ ખરીદવાનું ક્યારેય નહીં છોડે. ફેશન આઈફોન કોકો ચેનલે મહિલાઓને આત્મવિશ્વાસ પ્રદાન કરતી મહત્વની પોડક્ટ તરીકે લિપસ્ટિકને ઓળખાવી છે. કોકો ચેનલે તો ત્યાં સુધી મહિલાઓને જણાવ્યું છે કે ‘જો તમે ઉદાસ હોવ તો લિપસ્ટિક લગાવીને અત્મવિશ્વાસ વધારી ઉન્નત મસ્તકે બહાર નીકળો.’

જો કે થોડા સમય પહેલા કોરોના મહામારીના સમયમાં લિપસ્ટિક ઇન્ડસ્ટ્રીને બીજી બધી ઈન્ડસ્ટ્રીની માફક માર જરૂર પડ્યો પરંતુ ટૂંક સમયમાં જ લિપસ્ટિક માર્કેટ ફરી આળસ મરડીને ફરી પાછુ બેઠું થઈ ગયું. લિપસ્ટિક ફેશન અને સ્ટેટસ સિંબોલથી વધારે આત્મવિશ્વાસ વધારતુ મહિલામુક્તિનું પ્રતીક બની ઊભરી આવી છે. મેકઅપની આ મઝાની દુનિયામાં લિપસ્ટિકનું સૌથી મહત્વનું સ્થાન રહ્યું છે. બ્રીટની સ્પીયર્સ, પૈરિસ હિલ્ટન જેવી વિદેશી એકટ્રેસ અને વિદેશી ઢગલાબંધ મોડલ્સ તથા દીપિકા પદુકોણ, આલિયા ભટ્ટ, માધુરી દિક્ષિત જેવી બોલિવુડ એકટ્રેસિસે શાઈન અને ગ્લોને વધુ ઊંચાઈ ઉપર પહોંચાડી દીધા છે. એક સવાલ એ પણ થાય કે મેકઅપ અને એમાં પણ લિપસ્ટિક શું આજના મોડર્ન યુગની દેન છે ? તો એનો જવાબ છે બોસ, લિપસ્ટિકનો સદીયો પુરાણો ઇતિહાસ છે. હાં, એ વાત સાથે સંમત કે આજે જે પેકેજિંગમાં અને જે સ્વરૂપે લિપસ્ટિક માર્કેટમાં મળે છે એવું પેકેજિંગ ન હતું પરંતુ મેકઅપની દુનિયામાં લિપસ્ટિકની ચમક તો સદીઓથી રહી છે. એની પાછળનો ફંડા તો હોઠની સુંદરતા બયાં કરવાનો જ હતો.

ઇતિહાસવીદોના અનુસાર આજથી લગભગ પાંચ હજાર વર્ષો પહેલાથી હોઠ ઉપર લિપસ્ટિક લગાવવાના પ્રમાણો મળે છે. પૌરાણિક સમયમાં ફુલોથી માંડીને કેટલાક કિંમતી પથ્થરોને કુટીને એની પેસ્ટ બનાવી લિપસ્ટિક તરીકે ઉપયોગમાં લેવાતી. કહેવાય છે કે, હજારો વર્ષો પહેલાં મેકઅપને સ્ટેટસ સિંબોલ માનવામાં આવતો હતો. માત્ર મહિલાઓ જ નહીં પુરુષો પણ શ્રૃંગારનો ભરપુર ઉપયોગ કરતા હતા. એ જમાનામાં મેકઅપ માત્ર ખૂબસુરતી વધારવા માટે જ નહીં પણ ઔષધિ રૂપે પણ ઉપયોગમાં કરવામાં આવતો હતો. સુમેરિયન સભ્યતામાં લોકો લિપસ્ટિકનો ઉપયોગ કરતા હતા. ઇતિહાસકારોના મતે સુમેરિયન્સ દ્વારા લિપિસ્ટિકનો પહેલ વહેલો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. સુમેરિયન પ્રજા ફળ, મહેંદી, માટી અને કેટલાક જીવજંતુ જેવી કુદરતી સામગ્રીના ઉપયોગથી લિપસ્ટિક બનાવતા. મિસોપોટેમિયાની મહિલાઓ જમીનમાંથી નીકળતા કેટલાક ઘરેણાઓને પણ લિપસ્ટિક બનાવવા માટે ઉપયોગમાં લેતી હતી.

જો કે આ બધા પૈકી મિસ્ત્રના લોકો લિપસ્ટિકના પહેલા સાચા પ્રેમીજનો હતા. એમણે લિપસ્ટિકના લાલ રંગથી આગળ વધીને જાંબલી, સોનેરી અને કાળા રંગના શેડનો આવિષ્કાર કર્યો. આના માટે મિસ્ત્રના લોકો ઘેટાનો પસીનો, મગરમચ્છના મળ અને જીવજંતુઓનો પણ ઉપયોગ કરતા. મિસ્ત્રમાં શીસુ, બ્રોમીન અને આયોડિન જેવા હાનીકારક પદાર્થોનો લિપસ્ટિક બનાવવામાં ઉપયોગ થવા લાગ્યો હતો. એના પરિણામે ગંભીર રોગ થવાના અને મોતના કિસ્સા પણ જોવા મળ્યા હતા. જાપાનની મહિલાઓ ટાર અને બીવેક્સના કોમ્બિનેશનવાળી લિપસ્ટિકનો ઉપયોગ કરતી. ગ્રીક સામ્રાજ્યમાં પ્રોસ્ટિટ્યુટે તેના હોઠ ઘાટ્ટા રંગથી રંગવાનું કાનુની ફરમાન હતું.

અબુલકાસિસ નામના આરબ વૈજ્ઞાનિકને આજના જમાનાની સોલિડ લિપસ્ટિકના જનક માનવામાં આવે છે. ભારતીય ઉપમહાદ્વિપમાં લિપસ્ટિકની વાત કરીએ તો પૌરાણિક સમયમાં ભારતમાં હોઠને રંગવા માટે પાન ચાવવામાં અવતું હતું. આ ઉપરાંત આયુર્વેદમાં સુકા અને ફાટેલા હોઠ ઉપર ઘીમાં રતનજોતનાં સુકા પાન ભેળવીને લગાવવાની સલાહ આપવામાંમાં આવતી હતી. મધ્યયુગમાં લિપસ્ટિક માટેના વિચારોમાં થોડો બદલાવ ક્રિશ્ચિયન ધર્મગુરુઓ દ્વારા લાવવામાં આવ્યો. એમણે મેકઅપ અને લિપસ્ટિકના ઉપયોગ ઉપર સદંતર પાબંદી લગાવી દીધી. એમણે લાલ રંગ શૈતાનનો રંગ તરીકે ઓળખાવ્યો. પરંતુ ૧૬મી સદીમાં લિપસ્ટિકનો ઉપયોગ ફરી પાછો વધવા લાગ્યો. ઇંગ્લેન્ડમાં મહારાણી એલિઝાબેથના જમાનામાં લિપસ્ટિકને સન્માન મળવા લાગ્યું. ઇંગ્લેન્ડની મહારાણી પણ લિપસ્ટિક લગાવતી.

વર્ષ ૧૮૮૪માં ફ્રાન્સની ગુરલેઈન નામની પરફ્યુમ કંપનીએ પહેલી વાર લિપસ્ટિકનું માર્કેટમાં વેચાણ કરવા માટે પધ્ધતિસરનુ ઉત્પાદન શરૂ કર્યું. એણે કાગળમાં વિટીને લિપસ્ટિક બજારમાં મૂકી, એના ત્રીસેક વર્ષ પછી મોરિસ લેવીએ સિલિંડ્રિકલ પેકિંગમાં લિપસ્ટિક માર્કેટમાં મુકી. ૧૯૨૦ આવતા સુધીમાં તો લિપસ્ટિકને વિશ્વની તમામ મહિલાઓની જિંદગીમાં કાયમી અને મોભાદાર સ્થાન મળી ગયું. વર્ષ ૧૯૫૦માં મેરલિન મોનરો, ઑર્ડે હેપબર્ન અને એલિઝાબેથ ટેલર જેવી હોલિુડની અદાકારાઓ ગ્લેમર આઈકોન બની. આ અદાકારાઓએ દુનિયાભરમાં મેકઅપનો નવો ટ્રેન્ડ ઉભો કર્યો. આ સમયમં લિપસ્ટિક પહેલાથી અનેકગણી વધુ લોકપ્રિય અને આકર્ષણનુ કેન્દ્ર બની.

વર્ષ ૧૯૫૨માં પોતાના રાજતિલક સમારોહ માટે એલિઝાબેથે ક્લારિન્સ બ્રાન્ડ પાસે પોતાનો અલગ લિપસ્ટિક શેડ તૈયાર કરાવ્યો હતો. આ લિપસ્ટિકનું નામ હતુ ‘ધ બાલ મરોલ.’ એના થોડા સમય પછી રેવલોન કંપની સ્મજ પ્રુફ લિપસ્ટિક લઈને બજારમાં ઉતરી. અને પછી તો વિવિધ બ્રાન્ડ વચ્ચે લિપસ્ટિક મેકિંગનુ રીતસરનું વોર જામ્યું. વર્ષ ૧૯૬૦ અને ૧૯૭૦ના દશકમાં લિપસ્ટિકને આર્ટ અને કલ્ચર તરફથી વિશેષ પ્રેરણા મળવાની શરૂ થઈ ગઈ. આ પછી ફેશન ઈન્ડસ્ટ્રીનું લિપ્સિટક મહત્વનું અંગ બની ગઈ. મેબલીન અને ઓરેન્જ લિપસ્ટિકનું ચલણ આ સમયમાં વધુ રહ્યું. ૮૦ના દાયકામાં શિમર અને ગ્લોસ પણ સામેલ થયા. બોલ્ડ રેડ લિપ એક વાર ફરી સ્ટેટમેન્ટ લુક બની છે. ત્યાર બાદ ૯૦ના દશકમાં સિમ્પલ મેકઅપની ફેશન આવી. આજે ૨૧મી સદીમાં લિપસ્ટિક વગર મેકઅપની કલ્પના પણ મહિલાઓ નથી કરી શકતી.

મહિલાઓ લિપસ્ટિક અને મેક-અપ કેમ કરે છે એ વિષય ઉપર બેશુમાર ચર્ચાઓ જગતમાં થઈ છે અને થઇ રહી છે અને ભવિષ્યમાં થતી રહેશે. ચર્ચાઓના અંતે એના પાંચ મહત્વના તારણો બહર આવ્યા છે એક તો લિપસ્ટિક મહિલાઓના આત્મવિશ્વાસને વધારે છે. બીજુ કિશોરાવસ્થાને વધારી તરૂણાવસ્થા બતાવવામાં ઉપયોગી થાય છે એ જ રીતે ત્રીજુ વધતી વયની કરચલીઓ દબાવી યુવાન દેખાવામાં મદદ કરે છે. ચોથું સુંદર દેખાવા માટે અને પાંચમું મેક-અપની મઝા માણવા માટેનુ છે. શણગાર અને શ્રૃંગાર જીવનની નવી તાજગી છે. શણગાર માત્ર સ્થૂળ અર્થમાં સજવામાં આવે ત્યારે એ બોજારૂપ બની જાય છે. શણગારની પાછળ વૈજ્ઞાનિક અને તાર્કિક કારણો છે. અતિ સર્વદા વર્જયતેના સિદ્ધાંત મુજબ પ્રમાણસરનો શણગાર આંખોમાં વસે છે, મનમાં થઇને હદયમાં ઉતરે છે પરંતુ વધારે પડતી ભડકીલી શ્રૃંગાર શૈલી આંખોને કઠે અને ભદ્દી લાગે છે. ‘મુસ્કુરાયે બગૈર ભી વો હોઠ નજર આતે હૈ મુસ્કુરાયે હુએ…’ – અનવર શઉર

(પુલક ત્રિવેદી)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code