
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રિઝની જુદી જુદી કમિટીઓમાં સ્થાન મેળવવા કરાતું લોબિંગ
અમદાવાદઃ પ્રતિષ્ઠિત ગણાતી સંસ્થા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રિઝના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પથિક પટવારી અને વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સંજીવ છાજેડની બિનહરીફ વરણી થયા બાદ તમામ કેટેગરી માટે પણ ઉમેદવારો બિનહરીફ થઇ હતા. હવે ચેમ્બરના સેક્રેટરી બનવા તેમજ ખજાનચી બનવા સભ્યોએ લોબિંગ શરૂ કરી દીધું છે. સાથે સાથે જુદી જુદી કમિટીમાં પોતાનું સ્થાન પાકું થાય તે માટે પણ સભ્યોએ લાગવગ કરાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતના વેપારીઓ અને ઉદ્યોગપતિઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના હોદ્દેદાર હોવું એ ગર્વની બાબત છે માટે જ જુદા જુદા સભ્યો દ્વારા કોઈપણ રીતે ચેમ્બરના હોદ્દેદાર બનવા માટે પ્રયાસ કરવામાં આવતા હોય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રિઝ દ્વારા વેપારી મંડળોના પ્રશ્નો અને ઉદ્યોગોના વિકાસ માટે કાર્યરત રહેતી હોય છે. સરકાર સાથે સંકલન સાધીને પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવતો હોય છે. સરકારમાં પણ ચેમ્બર્સ દ્વારા કરાયેલી રજુઆતોની નોંધ લેવાતી હોય છે. એટલે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં પદાધિકારી બનવું ગૌરવની વાત છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રિઝના આગામી વર્ષ માટેના પ્રેસિડન્ટ વાઇસ પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટ ફાઇનલ છે. હવે સેક્રેટરી તરીકે લોકલ બજારના જાણીતા અગ્રણીનું નામ લગભગ ફાઇનલ છે. તેમ છતાં કેટલાક સભ્યો દ્વારા સેક્રેટરી તરીકે પોતાનું નામ પાક્કું કરાવવા માટે ભરપૂર લાગવગ કરાવવામાં આવી રહી છે. ખજાનચી બનવા માટે બે ગ્રૂપના અગ્રણીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બંને ગ્રૂપ દ્વારા પોતાના માણસને સેક્રેટરી બનાવવા માટે પૂરી તાકાત લગાવવામાં આવી રહી છે. ચેમ્બરની જુદી-જુદી કમિટીમાં પોતાનું સ્થાન પાકું થઈ જાય તો પોતાના ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ યથાવત રહે તે માટે કેટલાક સભ્યો દ્વારા ગમે તે રીતે કમિટીના હોદ્દેદારો બનવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને તેના માટે ચોતરફથી ભલામણો પણ કરાવવામાં આવી રહી છે. ગત વર્ષ દરમિયાન ઘણી બધી કમિટીઓમાં આંતરિક વિખવાદને કારણે જે તે કમિટીના ચેરમેને રિપીટ કરવા કે કેમ તે મુદ્દે હોદ્દેદારો વિચાર કરી રહ્યા છે.