
લોકસભા ચૂંટણીઃ અમેઠી બેઠક ઉપર 25 વર્ષ પછી કોંગ્રેસમાંથી ગાંધી પરિવાર નહીં લડે ચૂંટણી
નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, દરમિયાન કોંગ્રેસની પરંપરાગત બેઠક મનાતી રાયબરેલી અને અમેઠી બેઠક ઉપર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતા. રાયબરેલી બેઠક ઉપર રાહુલ ગાંધી અને અમેઠી બેઠક ઉપર કિશોરી લાલ શર્માને ઉતારવામાં આવ્યાં છે. રાયબરેલી બેઠક ઉપર વર્ષોથી સોનિય ગાંધી ચૂંટણી લડતા હતા પરંતુ તાજેતરમાં જ તેઓ રાજ્યસભાના સભ્ય બન્યાં છે. જેથી આ બેઠક ઉપર રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. જ્યારે અમેઠી બેઠક ઉપર વર્ષ 2019માં રાહુલ ગાંધીને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ હરાવ્યાં હતા. કોંગ્રેસની બંને પરંપરાગત બેઠક ઉપર ઉમેદવારોની પસંદગીને લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી. જો કે, કોંગ્રેસે પોતાની પરંપરાને તોડીને અમેઠી બેઠક ઉપર ગાંધી પરિવારના કોઈ સભ્યને મેદાનમાં ઉતારવાના બદલે શર્માને ઉમેદવાર બનાવાયાં છે. આમ 25 વર્ષ બાદ અમેઠી બેઠક ઉપર ગાંધી પરિવારનો કોઈ સભ્ય ઉમેદવારી નોંધાવી નથી રહ્યું.
કોંગ્રેસના સિનિય નેતા સોનિયા ગાંધી વર્ષ 1999માં પહેલી ચૂંટણી અમેઠીથી લડ્યાં હતા. બાદમાં સોનિયા ગાંધીએ વર્ષ 2004માં પોતાના પુત્ર માટે આ સીટ છોડી દીધી હતી. રાહુલ ગાંધીએ 2004, 2009, 2014માં ચૂંટણી જીતી હતી પરંતુ, તેઓ 2019માં ભાજપની સ્મૃતિ ઈરાની સામે ચૂંટણી હારી ગયા હતા. 1998માં ગાંધી પરિવારના નજીકના કેપ્ટન સતીશ શર્મા આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ત્યારથી આ સીટ સતત ગાંધી પરિવાર માટે અનામત રહી છે. આ વખતે પણ કોંગ્રેસીઓ રાહુલ ગાંધીને અમેઠીમાં ચૂંટણી લડવાની માંગ કરી રહ્યા હતા. અહીંથી દિલ્હી સુધી લોબિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ શુક્રવારે જાહેર કરવામાં આવેલી યાદીમાં સોનિયા ગાંધીના પ્રતિનિધિ કિશોરી લાલ શર્માના નામની જાહેરાત કરવામાં આવી હતી.
વર્ષ 1976માં ગાંધી પરિવારે અમેઠીમાં દસ્તક આપી હતી. તે સમયે સંજય ગાંધીએ અહીં પહોંચીને પોતાની મહેનતથી રાજકીય મેદાન તૈયાર કર્યું હતું. જોકે, 1977માં પહેલી ચૂંટણીમાં કોંગ્રેસના સંજય ગાંધી ચૂંટણી હારી ગયા હતા. તેમણે 1980માં ચૂંટણી જીતી હતી પરંતુ તે જ વર્ષે વિમાન દુર્ઘટનામાં તેમનું અવસાન થયું હતું. આ પછી રાજીવ ગાંધીએ પેટાચૂંટણીમાં પોતાની રાજકીય ઇનિંગ શરૂ કરી. આ પછી રાજીવ ગાંધી 1984, 1989 અને 1991માં સતત જીત્યા હતા. આ બેઠક ઉપર વર્ષ 1984માં રાજીવ ગાંધીના તેમના નાના ભાઈની પત્ની મેનકા ગાંધી સાથે રાજકીય હરીફાઈ હતી. રાજીવ ગાંધીના નિધન બાદ પેટાચૂંટણીમાં 1991માં કેપ્ટન સતીશ શર્માએ ચૂંટણી લડીને જીત મેળવી હતી. શર્મા રાજીવ ગાંધીના નજીકના મનાતા હતા. વર્ષ 1996માં તેઓ જીત્યાં હતા પરંતુ વર્ષ 1998માં ભાજપના સંજય સિંહે તેમને હરાવ્યાં હતા.
- અમેઠી બેઠક ઉપર જીતેલા નેતાની યાદી
1967- વિદ્યાધર બાજપાઈ (કોંગ્રેસ)
1971- વિદ્યાધર બાજપાઈ (કોંગ્રેસ)
1977- રવીન્દ્ર પ્રતાપ સિંહ (ભારતીય લોક દળ)
1980- સંજય ગાંધી (કોંગ્રેસ)
1981- રાજીવ ગાંધી (કોંગ્રેસ)
1984- રાજીવ ગાંધી (કોંગ્રેસ)
1989- રાજીવ ગાંધી (કોંગ્રેસ)
1991- રાજીવ ગાંધી (કોંગ્રેસ)
1991- સતીશ શર્મા (કોંગ્રેસ)
1996- સતીશ શર્મા (કોંગ્રેસ)
1998- સંજ્યસિંહ (ભાજપા)
1999- સોનિયા ગાંધી (કોંગ્રેસ)
2004- રાહુલ ગાંધી (કોંગ્રેસ)
2009- રાહુલ ગાંધી (કોંગ્રેસ)
2014- રાહુલ ગાંધી (કોંગ્રેસ)
2019- સ્મૃતિ ઈરાની (ભાજપા)