
લોકસભા ચૂંટણીઃ ભાજપાએ 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે
નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા લંબાણપૂર્વકના મંથન બાદ આજે શનિવારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 195 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. આ યાદીમાં 34 મંત્રીઓને પડતા મુકવામાં આવ્યાં છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર વારાણસી બેઠક ઉપરથી ચૂંટણી લડશે.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે, 196માં 28 અમારી માતૃ શક્તિ છે, 50થી ઓછી ઉંમરના 47 ઉમેદવાર છે અનુસુચિત જાતિના 27, અનુસુચિત જનજાતિના 18, અને પછાત વર્ગના 57 ઉમેદવાર છે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ તાવડેના જણાવ્યા અનુસાર અમિત શાહ ગુજરાતમાં ગાંધીનગર બેઠક ઉપરથી અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદર બેઠક ઉપરથી ચૂંટણી લડશે. હેમા માલિનીની મથુરા, ડો. મહેશ શર્મા ગૌત્તમ બુદ્ધ બેઠક, મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ વિદિશા બેઠક ઉપરથી, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશના ગુનાથી, વિષ્ણુ પદારે અંડમાન-નિકોબાર, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ અરુણાચર પશ્ચિમ, તાપિર ગાઓ અરુણાચલ પૂર્વ, કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ ડિબ્રુગઢથી ચૂંટણી લડશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અમેઠી, રાજનાથ સિંહ લખનૌ, દિનેશલાલ નિરહુઆ આઝમગઢથી ઉમેદવારી કરશે. દિલ્હીની ચાંદની ચોક બેઠક ઉપરથી પ્રવીણ ખંડલવાલ, અને ઉત્તરપૂર્વી બેઠક પરથી મનોજ તિવારી, બીકાનેરથી અર્જુન રામ મેઘવાલ, રાજસ્થાનના જોધફુરથી ગજેન્દ્ર સિંહ શેખાવત, ચિત્તોડગઢથી સી.પી.જોશીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં છે.
પાર્ટીએ પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશની 80માંથી 51 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ ઉપરાંત, પશ્ચિમ બંગાળમાં 26, મધ્ય પ્રદેશમાં 24, રાજસ્થાનમાં 15, કેરળમાં 12, તેલંગાણામાં 9, આસામમાં 11, ગુજરાતમાં 15, ઝારખંડમાં 11, દિલ્હીમાં 5, જમ્મુ અને કાશ્મીરમાં 2, ઉત્તરાખંડમાં 3, છત્તીસગઢ, ગોવા, આંદામાન અને દમણ દીવમાં 1-1 સીટ પર નામ જાહેર કરવામાં આવ્યા છે.