1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં રાજકીય પક્ષોની હાજરીમાં EVM નું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરાશે
લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં રાજકીય પક્ષોની હાજરીમાં EVM નું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરાશે

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં રાજકીય પક્ષોની હાજરીમાં EVM નું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 05 બેઠકો પર પેટાચૂંટણી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આખરી તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યભરમાં નિયુક્ત કરવામાં આવેલા પોલીંગ સ્ટાફના ફર્સ્ટ રેન્ડમાઈઝેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યભરના તમામ પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને પોલીંગ ઑફિસર્સની તાલીમ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-2024 તેમજ ત્યાર બાદ આવેલી અરજીઓ પૈકી 14 લાખથી વધુ ફોટો ઓળખકાર્ડ (EPIC) નું વિતરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

દેશના ગર્વ સમાન ચૂંટણીના આ પર્વમાં મહત્તમ મતદારો સહભાગી થાય તે હેતુથી મતદાન જાગૃતિ માટે કરવામાં આવેલી પ્રવૃત્તિઓ અંગે વાત કરતાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, મહિલાઓની મતદાનની સહભાગિતા વધારવા રાજ્યભરમાં બુથ લેવલે બેઠકો યોજી તેમને મતદાન માટેની આમંત્રણ પત્રિકા આપવામાં આવશે. યુવા મતદારોને પ્રોત્સાહિત કરવા કેમ્પસ એમ્બેસેડર્સ સાથે ઑનલાઈન મીટ યોજવામાં આવી હતી. સાથે જ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ આયોજિત થનાર IPL Match દરમિયાન વિવિધ માધ્યમોથી મતદાન જાગૃતિની બહુવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે.

EVM નું રેન્ડમાઈઝેશનઃ તા.04/04/2024 થી તા.08/04/2024 દરમિયાન રાજ્યના તમામ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં EVM નું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવશે. ફર્સ્ટ રેન્ડમાઇઝેશન બાદ રેન્ડમાઇઝ્ડ EVM ની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવશે. સાથે જ રેન્ડમાઇઝ્ડ EVM જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા તેઓના જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવશે. જ્યાં સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા EVM નો વિધાનસભા મતવિભાગ કક્ષાના સ્ટ્રોંગરૂમમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં નિયત પ્રોટોકૉલ મુજબ સંગ્રહ કરવામાં આવશે.

ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણઃ ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ દ્વારા અત્યાર સુધીમાં 5.72 કરોડ રોકડ રૂ., 9.26 કરોડ રૂ. ની કિંમતનો 2.97 લાખ લીટર કરતાં વધુ દારૂ, 20.13 કરોડ રૂ. ની કિંમતનું 34.59 કિલો સોનું અને ચાંદી, 50 લાખ રૂ.ની કિંમતના 436.98 કિલો પ્રતિબંધિત નશાકારક પદાર્થો તથા મોટરકાર, મોટર સાઈકલ, સીગારેટ, લાઈટર, અખાદ્ય ગોળ અને અરિકા નટ્સ સહિતની 30.47 કરોડ રૂ. ની અન્ય વસ્તુઓ મળી કુલ 66.09 કરોડ રૂ.ની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

કાયદો અને વ્યવસ્થાઃ લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ની જાહેરાતથી આજદિન સુધીમાં રાજ્યભરમાંથી લાયસન્સ વાળા કુલ 47,900 થી વધુ હથિયારો જમા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 27,300 થી વધુ બિન જામીનપાત્ર વોરંટની બજવણી કરવામાં આવી છે.

ફરિયાદ નિવારણઃ c-VIGIL (સી-વીજીલ) મોબાઈલ ઍપ પર તા.16/03/2024 થી તા.01/04/2024 સુધી આદર્શ આચારસંહિતાના ભંગ અંગે કુલ 816 ફરિયાદો મળી છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આ તમામ ફરિયાદોનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે.
National Grievance Services Portal પર તા.16/03/2024 થી તા.01/04/2024 સુધી મતદાર ઓળખપત્ર (EPIC) અંગેની 4,170, મતદાર યાદી સંબંધી 425, મતદાર કાપલી સંબંધી 92 તથા અન્ય 1,138 મળી કુલ 5,825 ફરિયાદો મળી છે. આ ઉપરાંત, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબર ઉપર તા.16/03/2024થી આજદિન સુધીમાં કુલ 50 ફરિયાદો મળી છે, જે તમામનો પણ ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. સાથે સાથે કચેરીમાં ટપાલ અને ઈ-મેઇલ મારફતે મીડીયા સંબંધી 14, રાજકીય પક્ષો લગત 03, ચૂંટણી પંચ સંબંધી 14 તથા અન્ય 229 મળી કુલ 260 ફરિયાદો મળી છે.

મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC) નું વિતરણઃ મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-2024 અંતર્ગત સપ્ટેમ્બર-2023 ના ત્રીજા અઠવાડિયાથી ડિસેમ્બર-2023 ના બીજા અઠવાડિયા દરમિયાન મતદારયાદીમાં સુધારણા માટે મળેલી અરજીઓ પૈકી મંજુર થયેલા 13 લાખથી વધુ મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC) તથા ગત ડિસેમ્બર-2023 ના ત્રીજા અઠવાડિયાથી ફેબ્રુઆરી-2024 ના ત્રીજા અઠવાડિયા દરમિયાન મતદાર યાદીમાં સુધારણા માટે મળેલી અરજીઓ સંદર્ભે મંજુર થયેલી કુલ 4.4 લાખ અરજીઓ પૈકી 1.4 લાખ મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC) નું વિતરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જ્યારે બાકી રહેલા 2.9 લાખ મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC) નું વિતરણ તા.20 એપ્રિલ, 2024 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પોલીંગ સ્ટાફઃ મતદાન સ્ટાફનું પ્રથમ રેન્ડમાઈઝેશન તા.21/03/2024 ના રોજ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. સાથે જ રાજ્યભરના તમામ પ્રિસાઇડિંગ ઓફીસર્સ અને પોલીંગ ઓફીસર્સની તાલીમ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.

મતદાર જાગૃતિ કાર્યક્રમોઃ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં તમામ વર્ગના મતદારોની સહભાગિતા વધે અને વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જાગૃતિ કેળવવા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આગામી ચૂંટણીમાં બૂથ લેવલે મીટીંગનું આયોજન કરી મહિલા મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા મુખ્ય નિર્વાચન અધિકારી વતી સહકુટુમ્બ મતદાન માટે આમંત્રણ પત્રિકા આપવામાં આવશે. યુવા મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા કેમ્પસ એમ્બેસેડર્સ સાથે ફેસબુક લાઇવના માધ્યમથી ઑનલાઇન મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 1,200 કેમ્પસ ઍમ્બેસેડર્સે ભાગ લીધો હતો. આ ઉપરાંત Social Media Influencers, MoU Partner અને District Icons સાથે વર્કશોપ યોજી મહત્તમ સંખ્યામાં મતદારો મતદાન પ્રક્રિયામાં ભાગ લે તે બાબતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ મતદાર જાગૃતિ સંદર્ભે MoU Partner સાથે રાજ્ય કક્ષાએ મીટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના મોટેરા સ્ટેડિયમ આયોજિત થનાર IPL Match દરમિયાન ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલા વીડિયો, હોર્ડિંગ્સ તથા બેનર્સના માધ્યમથી મતદાન જાગૃતિની બહુવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે. વધુમાં, મતદારોને મતદાન પ્રક્રિયાથી અવગત કરાવવાના હેતુથી અંદાજે 1.30 કરોડ ઘરોમાં મતદારો માટેની માર્ગદર્શિકા (Voter Guide) ઘરે ઘરે પહોંચાડવામાં આવશે.

દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારોને સુગમતાઃ દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારોને ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાનમાં સુગમતા રહે તે માટે વિશેષ સવલતો આપવામાં આવે છે. જે અંતર્ગત દરેક જિલ્લા ખાતે તાલીમબદ્ધ PwDs District Nodal Officers ની નિમણૂંક કરવામાં આવી છે. દિવ્યાંગજનો માટે મતદાન મથક ખાતે આવશ્યક સુવિધાઓની ચકાસણી હેતુ 07 જેટલા IAS અધિકારીઓની પણ નિમણૂંક કરવામાં આવી છે.

મતદાનના દિવસે મતદાન મથક ખાતે દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે આવશ્યક રેમ્પ, વ્હીલ ચેર્સ અને સ્વયં સેવકોની વ્યવસ્થા કરવા માટે સર્વે જિલ્લા ચૂંટણી અધિકારીઓને જણાવવામાં આવ્યું છે. સાથે જ દરેક જિલ્લામાં, દિવ્યાંગજનો માટે કાર્યરત સંસ્થાઓની નોડલ સંસ્થા તરીકે નિમણૂંક પણ કરવામાં આવી છે. દિવ્યાંગ મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી રાજ્યમાં 2 PwD State Icons અને ૩ PwD District Icons ની નિમણૂંક કરવામાં આવી છે.

રાજ્યમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારના 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ મતદારો અને 85 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારો માટે મતદાનના દિવસ માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તથા બંદરો અને વાહન વ્યવહાર વિભાગના સંકલનમાં મફત ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવા બાબતે સર્વે જિલ્લા ચૂંટણી અધિકારીઓને જણાવવામાં આવ્યું છે.

દ્રષ્ટીહિન દિવ્યાંગ મતદારો માટે બ્રેઈલ લિપિમાં મતદાનનું સ્થળ, ભાગ નંબર તથા મતદારના ક્રમ નંબર દર્શાવતી Accessible Voter Information Slip (AVIS) તૈયાર કરવામાં આવી રહી છે. સાથે જ મતદાન પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપતી વોટર ગાઈડ પણ બ્રેઈલ લિપિમાં તૈયાર કરવામાં આવી રહી છે. દ્રષ્ટીહિન દિવ્યાંગ મતદારોને મતદાન કરવામાં સરળતા રહે તે માટે મતદાન મથક પર બ્રેઈલ લિપિમાં ડમી બૅલેટ પેપર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મતદાર યાદી અદ્યતન કરવાના ભાગરૂપે રાજ્યભરમાં દિવ્યાંગ મતદારો માટે 51, ત્રીજી જાતિના મતદારો માટે 25, 85 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારો માટે 93 તથા સ્પેશ્યલ ગૃપના મતદારો માટે 42 જેટલા વિશેષ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code