
સાહીન મુલતાની-
- આજે વિશ્વ માતૃભાષા દિવસ
- જેટલા ગર્વથી અંગ્રેજી બોલો તેટલા જ ગર્વથી ગુજરાતી પણ બોલો
- ગુજરાતી ભાષા શરમાવાની ભાષા નથી,ગૌરવ લેવાની ભાષા
આજ રોજ માતૃભાષા દિવસ મનાવાઈ રહ્યો છે, મને ગર્વ છે કે હું ગુજરાતી છું, આપણી માતૃભાષા ગુજરાતી ખરેખર ગૌરવ લેવાની ભાષા છે, આજે જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે તેવા દેશોમાં થોડી ઘણી પણ ગુજરાતી બોલાતી જોવા મળી રહી છે.
ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે.માતૃભાષામાં વ્યક્તિ વિચારો અને પોતાની જાતને વધુ સારી રીતે સ્પષ્ટ કરી શકે છે.આપણે એક બીજાના સંપર્કમાં બધા જોડાયા છે તો તે માતૃ ભાષાને કારણે જ ..કહેવાય છે કે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ..પરંતુ, જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે ગુજરાતી.
ગુજરાતીમાં કેમ છો કહેવાની પણ એક અલગ મજા હોય છે અને સામે જવાબ મળે એ હો હો મજા જ મજા..તેને સાંભળવાની પણ એક અલગ મજા હોય છે. ખરેખર જોવા જઈએને તો માતૃભાષામાં બોલાયેલા શબ્દોમાં લાગણી હોય,હાવ આર યુ? અને કેમ છો? આ બન્ને શબ્દોનો અર્થ તો એક જ થાય છે પરંતુ બોલવામાં ખુબ જ અલગ તરી આવે છે.
વર્ષ ૧૯૯૯ નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા દિવસને ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, ૨૦૦૦થી લઈને આજ દીન સુધી દર વર્ષે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા માતૃભાષાને જાળવી રાખવાનો છે.
આપણી ગુજરાતી માતૃભાષાની જાળવણી આવનારી પેઢીઓ માટે એક મહત્વનું સકારાત્મક પગલું છે.આજે સાચવેલી ભાષા આપણી આવનાર પેઢીને એક અનોખી ભેટ હશે,કારણ કે આજે અંગ્રેજી શીખવામાંને શીખવામાં લોકો ગુજરાતીથી દુર થતા જાય છે,અને ગુજરાતીમાં વાત કરવી તો ઘણા લોકો માટે જાણે શરમ જનક હોય તેમ જોવા મળે છે,અનેક મોટી કંપનીઓ કે ક્ષેત્રમાં કાર્ય કરતા ગુજરાતી લોકો જ્યારે ગુજરાતી-ગુજરાતી હોવા છત્તા પણ અંગ્રેજીમાં બોલે છે ત્યારે તેમના બાળકો પણ માતૃભાષાથી વંચિત રહી જતા હોય છે.
માતા-પિતામાં બાળકોને અંગ્રેજી શીખવાડવાની ઘેલછા
આજ કાલ દરેક માતા-પિતા ઈચ્છે છે કે પોતાનું બાળક કડકડાટ અંગ્રેજી બોલે અને આગળ નામના મેળવે ત્યારે આવી ઘેલછામાં કેટલાક માતા-પિતા પોતાના સંતાનોને જાણ્યે અજાણ્યે ગુજરાતી ભાષાથી દુર રાખતા થયા છે,અંગ્રેજી આવડવું જ જોઈએ એ સારી વાત છે પરંતુ અંગ્રેજી આવડવાની હોડમાં આપણી માતૃભાષા વિસરાય નહી તેનું ધ્યાન માતા-પિતાએ ખાસ રાખવું જોઈશે.બાળકની પ્રથમ શાળા માતા-પિતા હોય છે જેથી કરીને આ વાતનું ધ્યાન આપણા શીરે એક મોટી જવાબદારી બને છે.
જીવનમાં આગળ વધવા માટે અંગ્રેજી આવડવુ જોઈએ એ વાત બરાબર છે,પરંતુ અંગ્રેજી મીડિયમમાં ભણતા બાળકોને સાથે સાથે ગુજરાતી પણ શીખવાડવું જ જોઈએ જેથી કરીને આપણું બાળક આપણી માતૃભાષાના ભાવ સાથે જોડાયેલું રહે અને આપણો ગુજરાતી વારસો પણ જળવાઈ રહે.
કૂતરું પાછળ પડે તો મોઢામાંથી ગુજરાતીમાં જ હૂડ હૂડ નીકળે છે
આપણી માતૃભાષા ખુબ જ સરસ અને સુંદર છે,અને તેનું જતન કરવું આપણા દરેકની જવાબદારી છે,છેવટે આપણા વિચારો હોય કે આપણે જોયેલા સપનાઓ હોય, જે ક્યારેય અંગ્રેજીમાં નથી આવતા હોતા તે તો આપણી માતૃભાષામાં જ આવતા હોય છે,ગમે તેટલું અંગ્રેજી શિખી લઈએ પરંતુ જ્યારે કુતરુ પાછળ પડે ત્યારે પહેલો શબ્દ આપણા મોઢામાંથી માતૃભાષામાં જ આવતો હોય છે.હુડ હુડ હુડ……ત્યારે ખ્યાલ આવે છે કે, ગુજરાતી જે આપણી માતૃભાષા છે તે આપણા રગેરગમાં સમાયેલી છે,ત્યારે શા માટે ખોટો દંભ,દેખાવ કરવા માટે ગુજરાતી માતા સમાન ભાષાને નાની બનાવવી જોઈએ,માતૃભાષાને પણ એટલી જ ગર્વથી બોલવી જોઈએ જેટલી આજે દેશમાં અંગ્રજી ભાષા ગર્વથી બોલાય છે.