
મધ્યપ્રદેશઃ ભોપાલના બે વિસ્તારના નામ બદલવામાં આવ્યાં
ભોપાલઃ મધ્યપ્રદેશમાં ફરી એકવાર વિસ્તારના નામ બદલવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. ભોપાલ નગરનિગમની બેઠકમાં રાજધાનીના બે વિસ્તારના નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જે બાદ હલાલપુર બસ સ્ટેન્ડનું નામ હનુમાનગઢી અને લાલઘાટીનું નામ મહેન્દ્ર નારાયણ દાસજી મહારાજ સર્વેશ્વર ચોક કરવાના પ્રસ્તાવને મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ બંને પ્રસ્તાવ ભોપાલના સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરએ રજુ કર્યો હતો. સાંસદના પ્રસ્તાવ ઉપર પાલિકાના પ્રમુખ કિશન સૂર્યવંશીએ સમર્થન કરીને બંને પ્રસ્તાવ રજૂ કર્યાં હતા.
પ્રજ્ઞા ઠાકુરે પોતાના પ્રસ્તાવમાં જણાવ્યું હતું કે, હલાલ શબ્દનો અર્થ અશુદ્ધ અને ખરાબ થાય છે, જેથી ગુલામીનું પ્રતિક હટાવીને આપણે ફરીથી ભારતના ઈતિહાસ બદલવાની તાકાત ધરાવીએ છીએ. હલાલ નામ અશુદ્ધ છે જેથી તેને હટાવવું જોઈએ. સાંસદે જણાવ્યું હતું કે, હલાલપુરા બસ સ્ટેન્ડનું નામ હનુમાનગઢી રાખવું જોઈએ. લાલઘાટી ચોકમાં અનેક હત્યા થઈ છે અને અનેક વીર શહીદ થયાં છે. જેથી આવા મહાનુભાવોને આપણે નમન કરી છીએ, જેથી ચોકનું નામ મહેન્દ્રનારાયણ દાસજી મહારાજ સર્વેશ્વર ચોક રાખવું જોઈએ.