1. Home
  2. ગુજરાતી
  3. દાંડીયાત્રા: મહાત્મા ગાંધીએ એક મુઠ્ઠી મીઠું ઉપાડીને અંગ્રેજી સલ્તનતના પાયા હચમચાવ્યા!
દાંડીયાત્રા: મહાત્મા ગાંધીએ એક મુઠ્ઠી મીઠું ઉપાડીને અંગ્રેજી સલ્તનતના પાયા હચમચાવ્યા!

દાંડીયાત્રા: મહાત્મા ગાંધીએ એક મુઠ્ઠી મીઠું ઉપાડીને અંગ્રેજી સલ્તનતના પાયા હચમચાવ્યા!

0
Social Share

એક દુબળા-પાતળા સાધુ સરીખા મહાત્મા ગાંધીએ પોતાના સત્યાગ્રહના શસ્ત્રથી દુનિયાની તત્કાલિન સૌથી શક્તિશાળી અંગ્રેજી સલ્તનતના પાયા એક મુઠ્ઠી મીઠું ઉચકીને હચમચાવી નાખ્યા હતા. ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં ‘નમક સત્યાગ્રહ’ નામથી જાણીતી દાંડી યાત્રાએ સમગ્ર ચળવળને મોટા નેતાઓની પકડમાંથી મુક્ત કરીને જન-જન સુધી પહોંચાડી દીધી હતી.

ગાંધીજીએ રોલેટ એક્ટના વિરોધમાં 1919માં અસહયોગ આંદોલન કર્યું હતું. ત્યાર બાદ થયેલી હિંસાથી વ્યથિત બનીને ગાંધીજીએ આંદોલન બંધ કરી દીધું હતું. પરંતુ સવિનય કાનૂન ભંગની લડતના ભાગ રૂપે ગાંધીજીએ 12 માર્ચ, 1930ના રોજ માત્ર 78 સ્વયંસેવકો સાથે અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમથી ‘દાંડી યાત્રા’નો પ્રારંભ કર્યો હતો. બ્રિટિશ હુકૂમત માટે આ એક કોયડો હતો કે આ યાત્રા જેનો અંત મીઠું બનાવવાથી થવાનો હતો, તે કેવી રીતે બ્રિટિશ સામ્રાજ્યને પ્રભાવિત કરી શકે છે.

પરંતુ 6 એપ્રિલ, 1930ના રોજ ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે એક મુઠ્ઠી મીઠું પોતાના હાથમાં ઉઠાવ્યું, તેની સાથે જ ભારતીયોના કરોડો હાથમાં વિશ્વાસ આવી ગયો કે પોતાના હક માટે તેઓ બ્રિટિશ કાયદા સામે અહિંસક રીતે પણ ટક્કર લઈ શકે છે.

6 એપ્રિલ, 1930 પહેલા નમક સત્યાગ્રહના આંદોલનને મજાક તરીકે લેવામાં આવતું હતું. તત્કાલિન બ્રિટિશ સરકારે તેની સાથે સંલગ્ન તમામ નેતાઓની ધરપકડ કરી હતી. પરંતુ આ આંદોલન નેતાઓના હાથમાં રહ્યું જ ન હતું. આ એક જનઆંદોલન બની ચુક્યું હતું. મીઠાના કાયદાના ભંગ સાથે જ આખા દેશમાં સવિનય કાનૂન ભંગના આંદોલનનો પ્રારંભ થઈ ગયો હતો.

નેતાજી સુભાષચંદ્ર બોઝે ગાંધીજીની દાંડી યાત્રાની સરખામણી નેપોલિયનની પેરિસ માર્ચ સાથે કરી હતી. આ આંદોલનની સૌથી મોટી સફળતા એ હતી કે તેમાં મહિલાઓની સક્રિય ભાગીદારી હતી. 1919માં રોલેટ એક્ટના વિરોધમાં ગાંધીજીએ અસહયોગનું આંદોલન ચલાવ્યું હતું. પરંતુ ચૌરાચૌરીના કાંડ બાદ આંદોલનને અધવચ્ચે જ પડતું મુકવામાં આવ્યું હતું. ગાંધીજીનો મત હતો કે હિંસાથી કોઈ સમસ્યાનું સમાધાન શક્ય નથી. તેઓ તત્કાલિન ભારતની સમસ્યાઓના સમાધાન માટે અહિંસક રસ્તા પર લોકોને લઈ જવા માંગતા હતા. ગાંધીજીનું દ્રઢપણે માનવું હતું કે દુનિયાની સૌથી મોટી શક્તિ સામે ભારતીયો આત્મવિશ્વાસ સાથે અહિંસક રસ્તે આગળ વધીને આંદોલન કરશે, તો તેનાથી છૂટકારો મેળવી શકાશે.

જો કે અસહયોગ આંદોલનના સમાપ્ત થયા બાદ મહાત્મા ગાંધીએ પોતાને સમાજ સુધારાના કાર્યો સુધી મર્યાદીત રાખ્યા હતા. 1928માં તેમણે ફરીથી રાજકારણામાં પ્રવેશ કરવાનું વિચાર્યું. તે વર્ષે ગોરા સભ્યોવાળા સાઈમન કમિશનને ઉપનિવેશની પરિસ્થિતિઓની તપાસ માટે ઈંગ્લેન્ડથી મોકલવામાં આવ્યું હતું. સાઈમન કમિશન વિરુદ્ધ અખિલ ભારતીય અભિયાનો ચલાવાય રહ્યાં હતા. ગાંધીજીએ સાઈમન કમિશન વિરોધી આંદોલનોમાં ભાગ લીધો ન હતો. પરંતુ તેમણે પોતાના આશિર્વાદ આવા આંદોલનનો આપ્યા હતા. તે વર્ષે ગુજરાતના બારડોલી ખાતે સરદાર પટેલના નેતૃત્વમાં થયેલા ખેડૂતોના સત્યાગ્રહ સંદર્ભે પણ ગાંધીજીએ આવી જ નીતિ અપનાવી હતી.

1929માં ડિસેમ્બરના અંતમાં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન લાહોર શહેરમાં થયું હતું. આ અધિવેશનમાં જવાહરલાલ નેહરુને અધ્યક્ષ તરીકે પસંદ કરીને કોંગ્રેસની કમાન યુવા નેતૃત્વને સોંપવામાં આવી હતી અને પૂર્ણ સ્વરાજની ઉદઘોષણા કરવામાં આવી હતી. તેના કારણે દેશમાં તત્કાલિન રાજકીય ગતિવિધિઓમાં ગરમાવો આવ્યો હતો.

26 ફેબ્રુઆરી, 1930ના દિવસે દેશભરમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને દેશભક્તિના ગીતો ગાઈને સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો હતો. ગાંધીજીએ પોતે સ્પષ્ટ નિર્દેશ આપીને જણાવ્યું હતું કે આ દિવસની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ? તેમણે કહ્યું હતું કે આમા ભાગ લેનારા દ્રઢતાપૂર્વક પ્રતિજ્ઞા કરે કે અન્ય લોકોની જેમ ભારતીય લોકોને પણ સ્વતંત્રતા અને પોતાના કઠિન પરિશ્રમના ફળનો આનંદ લેવાનો અહરણીય અધિકાર છે અને જો કોઈપણ સરકાર લોકોને આવા અધિકારોથી વંચિત રાખે છે અથવા તેનું દમન કરે છે, તો લોકોને તેને બદલવાનો અથવા સમાપ્ત કરવાનો પણ અધિકાર છે.

સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ મહાત્મા ગાંધીએ ઘોષણા કરી કે તેઓ બ્રિટિશ ભારતના સર્વાધિક ધૃણિત કાયદામાંથી એક એવા મીઠાંના ઉત્પાદન અને વેચાણ પર રાજ્યના એકાધિકાર આપનારા કાયદાને તોડવા માટે એક યાત્રાનું નેતૃત્વ કરશે. મીઠાં પર કર અને એકાધિકાર સામે યાત્રાનો જે મુદ્દો ગાંધીજીએ હાથમાં લીધો હતો તે તેમની કુશળ સમજદારીનું અન્ય એક ઉદાહરણ હતું. પ્રત્યેક ભારતીય ઘરમાં મીઠાંનો ઉપયોગ અપરિહાર્ય હતો. પરંતુ બ્રિટિશ સત્તાધીશોએ લોકોને ઘરેલુ ઉપયોગ માટે પણ મીઠું બનાવતા રોક્યા હતા અને તેમને દુકાનોમાંથી ઉંચી કિંમતે મીઠું ખરીદવા પર બાધ્ય કર્યા હતા. મીઠાં પર રાજ્યનો એકાધિકાર ઘણો જ અલોકપ્રિય હતો. તેને નિશાન બનાવીને ગાંધીજીએ અંગ્રેજી શાસન વિરુદ્ધ વ્યાપક અસંતોષને સંગઠિત કરવાનો વિચાર કર્યો હતો.

મોટાભાગના ભારતીયો ગાંધીજીના આ આંદોલનના ગૂઢાર્થો સમજી ગયા હતા, પરંતુ અંગ્રેજી હુકૂમત ઉંઘતી ઝડપાય હતી. જો કે ગાંધીજીએ પોતાની દાંડી યાત્રાની માહિતી યાત્રા પહેલા વાઈસરોય લોર્ડ ઈરવિનને આપી દીધી હતી. પરંતુ ઈરવિન તેમની કાર્યવાહીનું મહત્વ સમજી શક્યો ન હતો.

12 માર્ચ, 1930ના રોજ ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી સમુદ્ર તરફ ચાલવાનું શરૂ કર્યું હતું. ત્રણ સપ્તાહ બાદ તેઓ પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચ્યા. ત્યાં તેમણે મુઠ્ઠીભર મીઠું બનાવીને સ્વયંને કાયદાની નજરમાં અપરાધી બનાવી દીધા. આ સવિનય કાનૂન ભંગ હતો. તે વખતે દેશના અન્ય ભોગામાં સમાંતર નમક સત્યાગ્રહ ચાલી રહ્યો હતો. નમક સત્યાગ્રહ સંદર્ભે અંગ્રેજોએ લગભગ 60 હજાર લોકોની ધરપકડ કરી હતી. ગાંધીજીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

વસના નામના ગામમાં ગાંધીજીએ ઉંચી જાતિના લોકોને સંબોધિત કરતાં કહ્યું હતું કે જો તમારે સ્વરાજની તરફેણમાં અવાજ ઉઠાવવો છે, તો તમારે અછૂતોની સેવા કરવી પડશે. માત્ર નમક કર અથવા અન્ય કરોના ખાત્માથી સ્વરાજ મળવાનું નથી. સ્વરાજ માટે તમારે પોતાની ભૂલોનું પ્રાયશ્ચિત કરવું પડે જે તમે અછૂતો સાથે કરી છે. સ્વરાજ માટે હિંદુ, મુસ્લિમ, પારસી અને શીખ, સૌએ એકજૂટ થવું પડશે. આ સ્વરાજની સીડીઓ છે. ફ્પુલિસના જાસૂસોએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે ગાંધીજીની સભાઓમાં તમામ જાતિઓના સ્ત્રી-પુરુષો સામેલ થઈ રહ્યાં છે. તેમનું કહેવું હતું કે હજારો સ્વયંસેવકો રાષ્ટ્રવાદી ઉદેશ્યથી સામે આવી રહ્યાં છે. તેમાંથી ઘણાં બધાં એવાં સરકારી અધિકારીઓ હતા કે જેમણે ઉપનિવેશિક શાસનમાં પોતાના પદો પરથી રાજીનામા આપી દીધા હતા.

અમેરિકાના ટાઈમ મેગેઝીનને ગાંધીજીની કદકાઠીથી હસવું આવતું હતું. ટાઈમ મેગેઝીને ગાંધીજીના સૂકલકડી શરીર અને કરોળિયા જેવા પગની ખૂબ મજાક ઉડાડી હતી. આ યાત્રા સંદર્ભે પોતાના પહેલા અહેવાલમાં ટાઈમે દાંડી યાત્રાના તેના મંઝિલ સુધી પહોંચવા પર ઘેરી શંકા વ્યક્ત કરી હતી. તેનો દાવો હતો કે બીજા દિવસે પગપાળા ચાલ્યા બાદ ગાંધીજી જમીન પર ફસડાઈ પડશે. મેગેઝીનને વિશ્વાસ ન હતો કે આ મરિયલ દેખાતા સાધુના શરીરમાં ઘણી વધુ શક્તિ ધરબાયેલી છે. પરંતુ એક જ રાતમાં મેગેઝીનને પોતાનો વિચાર બદલવો પડયો હતો. ટાઈમે લખ્યું છે કે આ યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યું છે અને તેણે અંગ્રેજી શાસકોને બેચેન કરી દીધા છે. તેઓ પણ ગાંધીજીને એવા સાધુ અને જનનેતા કહીને સલામી આપવા લાગ્યા હતા.

દાંડી યાત્રાની ત્રણ ઉપલબ્ધિઓ છે. આ યાત્રાથી મહાત્મા ગાંધીજી દુનિયાની નજરમાં આવ્યા. આ યાત્રાને યૂરોપ અને અમેરિકી પ્રેસમાં મોટું કવરેજ મળ્યું હતું. બીજું, રાષ્ટ્રવાદી પ્રવૃતિઓમાં મહિલાઓને ઉત્સાહપૂર્વક ભાગ લેવાનું શરૂ કર્યું હતું. ત્રીજું, સૌથી મહત્વનું કારણ એ હતું કે નમક સત્યાગ્રહથી અંગ્રેજોને અહેસાસ થયો હતો કે હવે તેમનું રાજ્ય વધારે દિવસો સુધી ટકશે નહીં અને તેમણે ભારતીયોને પણ સત્તામાં હિસ્સો આપવો પડશે.

આમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સફળતા-અસફળતાના દાવા-પ્રતિદાવાઓ તથા વિવાદો છતાં આઝાદીની લડતમાં જનતાને જોડવા માટે 6 એપ્રિલ, 1930ની દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહને યાદ રાખવામાં આવશે.

તમારો અભિપ્રાય

તમને લાગે છે કે દાંડી યાત્રા ભારતીય સ્વતંત્રતા આંદોલનનો ટર્નિંગ પોઈન્ટ હતો? એક મુઠ્ઠી મીઠું ઉંચકીને સૂકલડી દેખાતા અંદરથી મજબૂત મહાત્મા ગાંધીના અંગ્રેજી સત્તાને પડકારથી બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચી ગયા હતા?

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code