1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય સેનાના જવાનોની શારીરિક ફિટનેસના ધોરણોમાં મોટા ફેરફાર કરાયાં
ભારતીય સેનાના જવાનોની શારીરિક ફિટનેસના ધોરણોમાં મોટા ફેરફાર કરાયાં

ભારતીય સેનાના જવાનોની શારીરિક ફિટનેસના ધોરણોમાં મોટા ફેરફાર કરાયાં

0
Social Share

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ જવાનોના શારીરિક ફિટનેસના ધોરણોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી શરૂ કરી છે. યુદ્ધ ક્ષમતા અને ઓપરેશનલ તૈયારીને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સિપાઈથી લઈને ટોચના અધિકારીઓ સુધી સૌને દર છ મહિને એકીકૃત શારીરિક પરીક્ષણ (Integrated Physical Test) કરાવવુ પડશે અને તેને પાસ કરવું ફરજિયાત રહેશે. હાલ સુધી 50 વર્ષની ઉંમર સુધીના અધિકારીઓ અને સૈનિકોને દર વર્ષે અલગ-અલગ યુદ્ધ શારીરિક દક્ષતા પરીક્ષણ (BPET) અને શારીરિક દક્ષતા પરીક્ષણ (PPT) પાસ કરવું પડતું હતું. જ્યારે વરિષ્ઠ અધિકારીઓને ઉંમર આધારે છૂટ આપવામાં આવતી હતી. પરંતુ હવે 1 એપ્રિલ, 2026થી લાગુ થનારા નવા નિયમો અનુસાર આ ઉંમર મર્યાદા વધારીને 60 વર્ષ કરવામાં આવી છે.

નવા નિયમો અમલમાં આવ્યા બાદ અગ્નિવીરો થી લઈ થ્રી-સ્ટાર કમાન્ડર સુધી તમામ પર આ નિયમ લાગુ પડશે. અગાઉ વ્યક્તિગત સ્તરે યોજાતા બે અલગ પરીક્ષણોના બદલે હવે સંયુક્ત શારીરિક પરીક્ષણ દર છ મહિને લેવામાં આવશે. એક અધિકૃત દસ્તાવેજમાં જણાવાયું છે કે, “શારીરિક તંદુરસ્તી સૈનિકો માટે અત્યંત આવશ્યક છે, જેથી તેઓ સૈન્ય તાલીમ અને વિવિધ અભિયાનોની કઠોર પરિસ્થિતિઓનો સામનો કરી શકે. શક્તિ, સહનશક્તિ અને ચપળતા યુદ્ધ તૈયારી માટે અનિવાર્ય તત્વો છે.” આધુનિક યુદ્ધ ભલે ડિજિટલ સ્વરૂપ ધારણ કરી રહ્યું હોય, પરંતુ મેદાનમાં સૈનિકો હજી પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. દરેક કમાન્ડરે પોતાની યુનિટ માટે આદર્શ અને નેતૃત્વ ક્ષમતા ધરાવનાર બનવું જોઈએ.

સેનાએ સ્પષ્ટ કર્યું છે કે 31 ડિસેમ્બર, 2025 સુધી હાલની પરીક્ષા પદ્ધતિ ચાલુ રહેશે, ત્યારબાદ નવી સિસ્ટમ અમલમાં આવશે. નવી પરીક્ષા પદ્ધતિમાં વિવિધ ઉંમર જૂથો અને પુરુષ-મહિલાઓ માટે અલગ ધોરણો નક્કી કરાયા છે.

  • 35 વર્ષ સુધીના પુરુષ અને મહિલા સૈનિકો માટે આડા અને ઊભા દોરડા ચઢવાની કસરત ફરજિયાત રહેશે, પરંતુ 45 વર્ષથી વધુ ઉંમર માટે તે લાગુ નહીં પડે.
  • 35 થી 50 વર્ષની વય જૂથ માટે કોમ્બેટ ડ્રેસમાં પુશ-અપ્સ અને સિટ-અપ્સ શામેલ રહેશે.
  • 50 થી 60 વર્ષની વય જૂથ માટે 3.2 કિમી ઝડપી ચાલ, પુશ-અપ્સ અને સિટ-અપ્સ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવશે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code