રેસીપી, 05 સપ્ટેમ્બર 2026: ગુજરાતી ઘરોમાં ખીચું એ સાંજના નાસ્તા માટે કે હળવા ભોજન માટે એક અત્યંત પ્રિય અને કમ્ફર્ટ ફૂડ છે. સામાન્ય રીતે ચોખાના લોટનું પાપડી લોટ કે ખીચું બનાવાય છે, પરંતુ બાફેલી મકાઈના કણ અને ચોખાના લોટના મિશ્રણથી બનતું મકાઈનું ખીચું સ્વાદમાં એકદમ અનોખું અને સુપર ટેસ્ટી લાગે છે.
મકાઈની કુદરતી મીઠાશ, અજમો, જીરું અને લીલા મરચાંની ચટપટી તીખાશ તથા ઉપરથી ઉમેરેલું કાચું મગફળીનું તેલ આ ડીશને રોયલ ફ્લેવર આપે છે. ચોમાસામાં માટે આ વાનગી બેસ્ટ ઓપ્શન છે.
મકાઈ ખીચું રેસીપી
સામગ્રી
1 કપ મકાઈ (બાફેલી મકાઈ) બરછટ પીસેલ
2.5 કપ પાણી
1 ચમચી જીરું
1 ચમચી અજમા
1 ચમચી તલ
7-8 મીઠો લીમડો
મીઠું- સ્વાદ મુજબ
થોડા લીલા મરચાં
1/4 ઇંચ આદુની પેસ્ટ
કોથમીર
2 ચમચી મગફળીનું તેલ
1/4 ચમચી ખાવાનો સોડા
1/4 કપ ચોખાનો લોટ
(પીરસવા માટે) : ઘી, લાલ મરચું પાવડર, કોથમીર, સીંગ તેલ
અને લીંબુનો રસ
મકાઈ ખીચું બનાવવાની રીત
એક ઊંડા વાસણ કે કડાઈમાં 2.5 કપ પાણી રેડી ગેસ પર ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું, 1 ચમચી અજમો (હાથથી મસળીને) નાખો.
1 ચમચી તલ, 7-8 મીઠા લીમડાના પાન, સ્વાદ મુજબ મીઠું, ઝીણા સમારેલા લીલા મરચાં, 1/4 ઈંચ આદુની પેસ્ટ અને 1/4 ચમચી ખાવાનો સોડા ઉમેરો.
પાણીને મધ્યમ તાપે 5 મિનિટ માટે સરસ ઉકળવા દો જેથી બધા મસાલાનો સ્વાદ પાણીમાં ભળી જાય. પાણી બરાબર ઉકળે એટલે તેમાં બરછટ પીસેલી 1 કપ બાફેલી મકાઈ ઉમેરી મિક્સ કરી લો.
હવે ગેસની ફ્લેમ ધીમી કરો અને ચમચા કે વેલણ વડે સતત હલાવતા રહીને થોડો-થોડો કરીને 1/4 કપ ચોખાનો લોટ ઉમેરો. (સતત હલાવતા રહેવું જેથી લોટની ગાંઠો ન પડે).
મિશ્રણ ઘાટું થઈ જાય અને વાસણની કિનારી છોડવા લાગે એટલે વાસણ પર ઢાંકણ ઢાંકી દો. ધીમા તાપે 5 મિનિટ માટે ખીચું વરાળમાં બરાબર પાકવા દો.
ખીચું બરાબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ઉપરથી તાજી બારીક સમારેલી કોથમીર ઉમેરો.
ગરમાગરમ મકાઈના ખીચાને પ્લેટમાં કાઢી ઉપરથી 2 ચમચી કાચું મગફળીનું તેલ અને ઈચ્છો તો લાલ મરચું પાવડર કે મેથીયો મસાલો નાખીને સર્વ કરો!


