અમદાવાદ, 5 સપ્ટેમ્બર, 2026 : Krishna Janmotsav સમગ્ર ગુજરાતમાં આજે જન્માષ્ટમીનું પાવન પર્વ હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઊજવાયુ હતું. ગામડાંઓથી લઈને શહેરો સુધી લોકો માધવમય બન્યા હતા. ચારેય તરફ ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી’ના નાદ ગુંજ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા, ડાકોર અને શામળાજી સહિતના તમામ ધામોમાં સવારથી જ મંગળા આરતી, ખુલ્લા પડદે પંચામૃત સ્નાન અને વિશેષ શૃંગાર સાથે 5253મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદના એસજી હાઇવે સ્થિત ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણીમાં હજારોની સંખ્યામાં ભાવિકો મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા.

દ્વારકામાં દ્વારકાધિશના જગત મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા. હકડેઠઠ મેદની વચ્ચે ભક્તોએ કાળિયા ઠાકોરના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મધરાતે 12ના ટકોરે ભગવાનનો જન્મ થતાં જ ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ના ગગનભેદી નાદથી વાતાવરણ ગુંજી ઊઠ્યુ હતું. રેન્જ આઈજી નિર્લિપરાય સહિત પોલીસ અધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો, સહિત અનેક ભાવિકો કૃષ્ણ જન્મોત્સવમાં સામેલ થયા હતા.
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમી પર્વની ભક્તિમય અને હર્ષોલ્લાસભરી ઉજવણી કરવામાં આવી હતી. આજે ભગવાન શામળિયાનું ચતુર્ભુજ અવતારનું વિશેષ રૂપ ભક્તોને દર્શનાર્થે ખુલ્લું મુકવામાં આવ્યું હતું, જેને નિહાળવા વહેલી સવારથી જ ભક્તોનો મહાસાગર ઉમટી પડ્યો હતો. ભગવાન શામળિયાને વિશેષ રાજભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ મંદિર પરિસરમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. શામળાજી મંદિર “હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી” ના નાદથી ગુંજી ઊઠ્યુ હતું. રાતે 12 વાગે ભગવાનના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે જન્માષ્ટમીને લઈને રાજાધિરાજ રણછોડરાયજીના દર્શન માટે ભાવિકોનો મહેરામણ ઉમટયો હતો. યાત્રાધામ ડાકોર જય રણછોડ,માખણ ચોરના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીના નાદથી ડાકોર ગુંજી ઊઠયું છે. રાજસ્થાનના સીકર જિલ્લામાંથી 150 જેટલા ભક્તો રાજા રણછોડરાયજીના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. ખાટૂ શ્યામજીના આ ભક્તોએ ડાકોર મંદિર પરિસરમાં શ્રીકૃષ્ણના ભજનોની રમઝટ બોલાવીને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. ભગવાનના જન્મોત્સવ ટાણે ઠાકોરના દર્શન માટે ઉમટી પડ્યા હતા.


