રેસીપી, 30 ઓગસ્ટ 2026: આ ચોમાસાની સિઝનમાં, તમારે મારું પરવળ નું કોકોનટ પીનટ મસાલા વાળું શાક ચોક્કસ ટ્રાય કરવું જોઈએ! ફ્રેશ નાળિયેર અને શેકેલા સીંગદાણાનો મસાલો આ શાકને એકદમ ટેસ્ટી બનાવે છે. ટિફિનમાં લઈ જવા માટે આ બેસ્ટ રેસિપી છે
ફ્રેશ ખમણેલું નાળિયેર શાકને એક મીઠો અને ક્રીમી ટેક્સચર આપે છે, જ્યારે શેકેલા સીંગદાણા અને સફેદ તલ તેનો સ્વાદ બમણો કરી દે છે. આદુ-મરચાંની તીખાશ અને થોડી ખાંડનું કોમ્બિનેશન આ શાકને પરફેક્ટ ખાટો-મીઠો ચટાકો આપે છે.
પરવળનું નાળિયેર શીંગ વાળું શાક રેસીપી
સામગ્રી
500 ગ્રામ પરવળ (છોલીને, બીજ કાઢીને મોટા ટુકડા કરેલા)
1 કપ ફ્રેશ ખમણેલું નાળિયેર
1/2 કપ ફ્રેશ કોથમીર
1/4 કપ શેકેલા સીંગદાણાનો અધકચરો ભૂકો
3 મોટી ચમચી સફેદ તલ
2 નાની ચમચી ધાણા જીરું પાવડર
1/2 નાની ચમચી ગરમ મસાલો
આદુ અને લીલા મરચાની પેસ્ટ
સ્વાદ મુજબ મીઠું
1 નાની ચમચી ખાંડ
2 મોટી ચમચી તેલ
1 નાની ચમચી રાઈ
1/2 નાની ચમચી હિંગ
1/2 નાની ચમચી હળદર
પાણી જરૂર મુજબ
કોથમીર
પરવળનું નાળિયેર શીંગ વાળું શાક બનાવવાની રીત
એક મોટા બાઉલમાં ફ્રેશ ખમણેલું નાળિયેર, શેકેલા સીંગદાણાનો અધકચરો ભૂકો, સફેદ તલ, બારીક સમારેલી કોથમીર, ધાણાજીરું પાવડર, ગરમ મસાલો, આદુ લીલા મરચાંની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું અને 1 ચમચી ખાંડ ઉમેરો.
બધી સામગ્રીને હાથ વડે બરાબર મિક્સ કરી લો. આ ચટપટો મસાલો શાકની ગ્રેવી અને સ્વાદનો મુખ્ય આધાર છે. એક કઢાઈ કે ઊંડા વાસણમાં ૨ મોટી ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે હિંગ અને હળદર પાવડર ઉમેરીને વઘાર કરો.
હવે તેમાં છોલીને, બીજ કાઢીને તૈયાર કરેલા પરવળના મોટા ટુકડા ઉમેરો અને ધીમા તાપે 2 મિનિટ માટે તેલમાં સાંતળી લો. સાંતળેલા પરવળમાં તૈયાર કરેલો નાળિયેર અને સીંગદાણાનો મસાલો ઉમેરો અને હળવા હાથે પરવળ સાથે મિક્સ કરો.
તેમાં અડધો કપ પાણી ઉમેરી બરાબર હલાવી લો. હવે વાસણ પર ઢાંકણ ઢાંકીને ધીમા થી મધ્યમ તાપે 10 મિનિટ સુધી પરવળ સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દો. વચ્ચે-વચ્ચે એક-બે વાર હલાવતા રહેવું જેથી મસાલો તળિયે ચોંટી ના જાય.
પરવળ બરાબર ચડી જાય અને તેલ છૂટું પડવા લાગે એટલે ગેસ બંધ કરી દો. ઉપરથી તાજી બારીક સમારેલી કોથમીર છાંટીને ગરમાગરમ પરવળનું નાળિયેર શીંગ વાળું શાક રોટલી, પૂરી કે પરોઠા સાથે સર્વ કરો!


