
કચ્છમાં માંડવી રાવળપીર બીચ ટુરિઝમનું હબ બનશે, બ્લુ-ફ્લેગ ટેગ માટે GEC દ્વારા પ્રયાસો
ભૂજઃ છેલ્લા એક દાયકાથી કચ્છનો પ્રવાસનક્ષેત્રે પણ સારોએવો વિકાસ થયો છે. કચ્છના ઘોરડો તેમજ ધાળાવીરા, કાળો ડુંગર, વગેરે સ્થળોએ પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે માંડવીના રાવળપીર બીચને પણ વિકસાવવામાં આવી રહ્યો છે. માંડવી રાવળપીર બીચને ‘બ્લુ-ફલેગ’ ટેગ માટેની તૈયારીઓ શરૂ થઇ છે. જેમાં માંડવી ટુરીઝમનું હબ બનશે. માંડવી તાલુકાના રાવળપીર દાદા બીચ સુંદર અને મનોરમ્ય દરિયા કિનારો બને અને આવનારા સમયમાં તેને આંતરરાષ્ટ્રિય બહુમાન ‘બ્લુ ફ્લેગ’ ટેગ પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો પહેલા 33 માપદંડ ધ્યાને રાખીને 6.50 કરોડના ખર્ચે ગુજરાત ઇકોલોજી કમિશન (GEC)દ્વારા પ્રવાસીઓ માટે આધુનિક સુવિધા વિસાવવા માટેનું કાર્ય પુરજોશમાં ચાલુ કરી દેવાયું છે.
માંડવી તાલુકાના રાવળપીર દાદા બીચ સુંદર અને મનોરમ્ય બીચ બનાવાશે, આ કૂદરતી બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ટૂંક સમયમાં સહેલાણીઓ સમુદ્રની મોજ મસ્તી માણી શકશે. બીચ પર ચિલ્ડ્રન પાર્ક, જીમ, કાફે, ગુજરાત ઈકોલોજી કમિશન ઓફિસ બનાવવામાં આવશે. રાવળપીર દાદા બીચ પર ચાલતા કરોડોના ખર્ચે નિર્માણમાં સાતથી આઠ જેટલા ચેન્જરૂમ, વોશરૂમ, બહારથી બાંબુનો દેખાવ અંદરથી સ્ટીલ કન્ટેનર બનાવવામાં આવ્યાં છે. ઉપરાંત વાહન પાર્કિંગ, આવવા જવા માટે અનોખો વોક વે, ઘન કચરાના રિસાયક્લિંગ સહિત પ્રથમ ફેઝનું કામ નિયત સમયમાં 15 ફેબ્રુઆરી સુઘી પુર્ણ કરવા માટેના પ્રયાસો પુરજોશમાં ચાલી રહ્યા છે
સૂત્રોના જણાવ્યા મુજબ માંડવીના રાવળપીર બીચ પર બીજા ફેઝના કામમાં પ્રવાસીઓને આકર્ષવા માટે ચિલ્ડ્રન પાર્ક, જીમ, કાફે, ગુજરાત ઈકોલોજી કમિશન ઓફિસ બનાવવામાં આવશે. આવી રીતે સમુદ્રની ગુણવત્તા પ્રવાસીઓની સલામતી વ્યવસ્થાને ધ્યાનમાં રાખી રાવળપીર દાદા વાળી જગ્યાએ નવો બીચ ખુલ્લો મુકતા પહેલા સ્થાનિક સમુદ્રના પાણીનો ત્રણ વખત લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. 33 માપદંડ ધ્યાને રાખ્યા બાદ કોપન હેગન ડેનમાર્કની સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન ઇન ડેનમાર્ક સંસ્થા દ્વારા ‘બ્લુ ફ્લેગ’ ટેગ એટલે કે, આંતરરાષ્ટ્રીય બહુમાન મેળવવા માટે માંડવી વિસ્તારના ધારાસભ્ય અનિરૂધ્ધ દવેના પ્રયત્નોથી પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પર્યાવરણ વન અને પર્યાવરણ ક્લાઈમેન્ટ ચેન્જના મંત્રી મુળુભાઈ બેરા સાથે પરામર્શ બેઠકમાં અગત્યનો નિર્ણય લેવાયો છે. બ્લુ ફ્લેગ ટેગ મળતાં જ પર્યટન ઉદ્યોગને સારા એવા પ્રમાણમાં વેગ મળશે.