
રાજકોટમાં વિજય રૂપાણીના હસ્તે લોકાપર્ણના અનેક કાર્યક્રમો યોજાવાના હતા તે હવે કેન્સલ કરવા પડશે
રાજકોટઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હવે પૂર્વ મુખ્યમંત્રી બની ગયા છે. રૂપાણીને એકાએક રાજીનામું આપવાની ફરજ પડી હતી. પરંતુ રૂપાણીના હસ્તે વડાપ્રધાન મોદીના જન્મ દિન પ્રસંગે રાજકોટમાં તા. 17 સપ્ટેમ્બરના રોજ 67 સ્થળોએ દિનદયાળ ઔષધાલયો ખુલ્લા મુકવાનો અને 26 ઈલેક્ટ્રિક બસનું લોકાર્પણનો કાર્યક્રમ નક્કી કરાયો હતો. આ ઉપરાંત રાજકોટના ગણેશોત્સવમાં પણ હાજરી આપવાના હતા. રૂપાણી મુખ્યમંત્રી હતા તે પહેલા જ આ કાર્યક્રમો નક્કી થઈ ગયા હતા. હવે રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી બની ગયા હોવાથી તેમના હસ્તે આ કાર્યક્રમો યાજાશે કે કેમ તે એક સવાલ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રીમાંથી પૂર્વ મુખ્યમંત્રી બની ગયેલા વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં રૂપાણીના હસ્તે લોકાર્પણોના આગોતરા કાર્યક્રમો નક્કી કરાયા હતા. હવે રૂપાણી મુખ્યમંત્રી તરીકે નથી એટલે તેઓ કાર્યક્રમમો હાજર રહેશે નહી કે લોકાર્પણ કરશે નહી. રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનેકવિધ વિકાસકામો ઉપરાંત જનસેવાના કાર્યોના આયોજનો ઘડાયા હતા. રૂ. 6 કરોડના ખર્ચે હેમુ ગઢવી નાટયગૃહનું નવીનીકરણ કરાયું છે જે હોલ દોઢ વર્ષ પછી રૂપાણીના હસ્તે ખુલ્લો મુકાશે તેવી જાહેરાત થઈ હતી. આ કાર્યક્રમો હવે રદ થવાના અથવા તો સ્થાનિક નેતાઓ હસ્તે ખુલ્લા મુકાય તેવા નિર્દેશ મળી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટમાં થતા મોટા સાર્વજનિક ગણેશ મહોત્સવના આયોજનમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરી આપી આરતી કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જેની સામે પણ હવે પ્રશ્નાર્થ ઉભો થયો છે.