1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં હવામાન વિભાગની કચેરીમાં તસ્કરો હવા-પ્રદૂષણ માપવાનું યંત્ર ઉઠાવી ગયા
અમદાવાદમાં હવામાન વિભાગની કચેરીમાં તસ્કરો હવા-પ્રદૂષણ માપવાનું યંત્ર ઉઠાવી ગયા

અમદાવાદમાં હવામાન વિભાગની કચેરીમાં તસ્કરો હવા-પ્રદૂષણ માપવાનું યંત્ર ઉઠાવી ગયા

0
Social Share

અમદાવાદ, 4 ફેબ્રુઆરી 2026:  શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી હવામાન વિભાગની કચેરીમાં રાત્રે બારીની ગ્રીલ તોડીને તસ્કરોએ એર ક્વોલોટી મોનીટરીંગ સ્ટેશન પર જઈને મશીન, ચાર્જર સહિતના 4.65 લાખના સામાનની ચોરી કરી છે. ચોરીના આ બનાવની નારણપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચોરીના બનાવ સતત વધુ રહ્યા છે, ત્યારે તસ્કરોએ નારણપુરા વિસ્તારમાં આવેલી હવામાન વિભાગની ઓફિસમાં ચોરી કરી છે.  શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવેલા ‘એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન’ (AQMS)માં ચોરોએ બારીની ગ્રીલ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ચોરોએ કચેરીમાંથી નાઇટ્રોજન સિલિન્ડર, બેટરી, એમજીસી મશીન, પંપ અને યુપીએસ ચાર્જર સહિત કુલ 4.65 લાખ રૂપિયાના કિંમતી સાધનોની ચોરી કરી પલાયન થઈ ગયા છે.

આ અંગે ગાંધીનગર જીલ્લાના ખોરજ ગામમાં રહેતા સુધીર વિશ્વરકર્માએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તે નારણપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવેલા હવામાન વિભાગના એર ક્વોલોટી મોનીટરીંગ સ્ટેશન (એક્યુએમએસ)માં એક્ઝિક્યુટિવ એન્જીનીયર તરીકે નોકરી કરે છે. ઈન્ડિયન ઈન્સ્ટીસ્યુટ ઓફ ટ્રોપીકલ મેટીઓરોલોજી નામના હવામાન વિભાગના જુદી જુદી જગ્યાએ સ્ટેશનો આવેલા છે. સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પણ હવામાન વિભાગનું સ્ટેશન આવેલુ છે જેને એન્જીનીયર નિર્મલ બારીયા સંભાળે છે. થોડા સમય પહેલા સુધીર લાલદરવાજા વિક્ટોરીયા ગાર્ડન ખાતે આવેલા હવામાન વિભાગના સ્ટેશન ખાતે વિઝીટ કરવા માટે ગયા હતાં. ત્યારે નિર્મલ બારીયા સરદાર પટેલ ખાતે તેમના સ્ટેશન પર હાજર હતા. રાતે રાબેદા મુજબ નિર્મલ પોતાના ઘરે જતો રહ્યો હતો ત્યારે સુધીરે સર્વરનો ડેટા ચેક કરવાનું શરૂ કર્યુ હતું. દરમિયાનમાં સુધીરને જાણવાં મળ્યું હતું કે, સરદાર પટેલ સ્ટેડીયમ ખાતેના સ્ટેશનનીં સિસ્ટમ બંઘ છે. પાવર કટ થયો હોવાના કારણે સિસ્ટમ બંધ થઈ હોવાની વિચારીને કોઈ તપાસ કરી નહી. સ્ટેશનની સિસ્ટમ શરુ નહી થતા સુધીરને શંકા ગઈ હતી. જેથી તે તરતજ નિર્મલને લઈને સ્ટેશન પહોચી ગયા હતા. એર ક્વોલોટી મોનીટરીંગ સ્ટેશન પર ગયા ત્યારે એક બારી તુટેલી હાલતમાં હતી. સુધીરે ઓફિસમાં જઈને ચેક કર્યુ તો સામાન વેરવિખેર પડ્યો હતો. સુધીરને શંકા થઈ ગઈ હતી કે તસ્કરોએ ઘુસીને ચોરી કરી છે. નિર્મલે તપાસ કરી તો તેને ખબર પડીકે તસ્કરોએ નાઈટ્રોજન સિલિન્ડર, બેટરી, એમજીસી મશીન, પંપ, યુપીએસ ચાર્જર સહિત કુલ 4.65 લાખના મત્તાની ચોરી થઈ હતી. સુધીરે આ મામલે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરીને ચોરીની ફરિયાદ કરી હતી.પોલીસે સુધીરની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code