- ટેક્સટાઈલ માર્કેટની 20 દુકાનોમાં આગ પ્રસરી
- ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાં લાગેલી આગ સાતમાં માળ સુધી પહોંચી
- ફાયરના જવાનોએ આગને કાબુમાં લેવા ભારે જહેમત ઉઠાવી
સુરતઃ શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઈલ માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લાર પર લિફ્ટમાં લાગેલી આગ જોતજોતામાં બિલ્ડિંગના સાતમા માળ સુધી પ્રસરી હતી. આગે 20થી વધુ દુકાનોને લપેટમાં લીધી હતી. આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગનો કાફડો દોડી ગયો હતો. અને આગનું વિકરાળરૂપ જોતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. શહેરના 9 ફાયર સ્ટેશનોની 15 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આજે 11 વાગ્યાના અરસામાં આગ પર કાબૂ મેળવી કુલિંગની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ બે દુકાનમાં ફરી આગ ચાલુ થતા ફાયરે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઈલ માર્કેટમાં આજે સવારે 7 વાગ્યાના અરસામાં લાગેલી આગ કાબૂમાં આવ્યા બાદ ફરી લાગતા વેપારીઓમાં દોડધામ મચી છે. ટેક્સટાઈલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાં આગ લાગ્યા બાદ સાતમા માળ સુધી ફેલાઈ હતી. જેના કારણે ફાયરે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. 11 વાગ્યાના અરસામાં આગ પર કાબૂ મેળવી કુલિંગની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ બે દુકાનમાં ફરી આગ ચાલુ થતા ફાયરે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
આગને કાબૂમાં લેવાની કામગીરી દરમિયાન બે ફાયર જવાનોને ગૂંગળામણ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે એક માર્શલ પણ ઈજાગ્રસ્ત થયા છે. આગમાં વેપારીઓના લાખો રૂપિયાના માલનું નુકસાન થયાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. જો કે, નુકસાનીનો ચોક્કસ આંક તો આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયા બાદ જ સામે આવી શકશે.
રાજ ટેક્સટાઇલ માર્કેટ 2020માં બની હતી અને 2021માં BU પરમિશન પાલિકા દ્વારા આપવામાં આવ્યું હતું. રાજ ટેક્સટાઇલ માર્કેટની ત્રણ બિલ્ડીંગ આવેલી છે. જેમાં એક બિલ્ડિંગમાં 126થી વધુ દુકાન આવેલી છે. જે પૈકીની 20થી વધુ દુકાનોમાં આગ લાગી છે. ગ્રાઉન્ડ ફ્લોરથી શરૂ થયેલી આગ સાત માળ સુધી પ્રસરી હતી. જેમાં અલગ અલગ ફ્લોર પર દુકાનોને ઝપેટમાં લીધી હતી.


