
ગજબની છેતરપિંડી: ત્રણ લોકોએ સાથે મળીને એસબીઆઈની ડુપ્લિકેટ શાખા ચલાવી
નવી દિલ્હી: ઘણીવાર અપરાધ સાથે જોડાયેલા વિચિત્ર મામલા સામે આવે છે. હવે આવો જ એક મામલો તમિલનાડુમાં સામે આવ્યો છે. જ્યાં ત્રણ લોકોએ સાથે મળીને ભારતીય સ્ટેટ બેંકની બ્રાંચ ખોલી અને આ કોઈ એક-બે દિવસ ડુપ્લિકેટ શાખા ચલાવાય ન હતી. પરંતુ ત્રણ માસથી એસબીઆઈની આ ડુપ્લિકેટ શાખા ચાલતી હતી. જો કે તમિલનાડુ પોલીસે હવે આ લોકોની ધરપકડ કરી લીધી છે.
તમિલનાડુ પોલીસે કહ્યું છે કે આ અસમાન્ય ગુનામાં ભાગ લેવાના આરોપમાં પન્રુતિમાં ત્રણ લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા છે. ત્રણેય લોકો ત્રણ માસથી ભારતીય સ્ટેટ બેંકની ડુપ્લિકેટ શાખા ચલાવી રહ્યા હતા. ધરપકડ કરાયેલા લોકોમાં બેંકના પૂર્વ કર્મચારીનો પુત્ર પણ સામેલ છે.
અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, પોલીસે કહ્યુ છે કે ગુનાહિત ગતિવિધિનો માસ્ટરમાઈન્ડ કમલ બાબુ હતો. કમલબાબુના માતાપિતા બેંકના ભૂતપૂર્વ કર્મચારી હતા. તેના પિતાનું નિધન 10 વર્ષ પહેલા થઈ ગયું હતું. જ્યારે તેના માતા બે વર્ષ પહેલા બેંકમાંથી રિટાયર્ડ થઈ ચુક્યા હતા.તો એક વ્યક્તિ પન્રુતિમાં એક પ્રિન્ટિંગ પ્રેસ ચલાવે છે. ત્રીજો વ્યક્તિ રબર સ્ટેમ્પ છાપવાનું કામ કરતો હતો.