
પાલનપુરઃ ઉનાળા દરમિયાન બનાસકાંઠા જિલ્લાએ પાણીની વિકટ સમસ્યાનો સામનો કર્યો હતો, પાણી માટે આંદોલન પણ કરાયા હતા. ત્યારે હવે મેઘરાજાએ પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા વિસ્તારોમાં હેત વરસાવ્યું હતું. જિલ્લામાં ગતરાત્રે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં લાંબી રાહ જોવડાવ્યા બાદ મધરાતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેમાં દિયોદરમાં 24 કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે ડીસામાં 5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેને પગલે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાં હતાં. ડીસામાં ધોધમાર વરસાદને પગલે 50થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી તેમજ દુકાનોમાં 5થી 6 ફૂટ સુધી પાણી ભરાયાં હતાં, જેથી દુકાનદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લાના 14 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેને પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તેમજ શુક્રવારે દિવસ દરમિયાન ભારે ઉકળાટ જેવી સ્થિતિ બની હતી. આ વચ્ચે અષાઢી બીજની મોડી રાત્રે ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેમાં અમીરગઢ 120 MM, કાંકરેજ 73 MM, ડીસા 120 MM, થરાદ 52 MM, દાંતા 59 MM, દાંતીવાડા 40 MM, દિયોદર 190 MM, પાલનપુર 37 MM, ભાભર 73 MM, લાખણી 35 MM, વડગામ 38 MM, વાવ 75 MM અને સુઇગામ 72 MM વરસાદ વરસ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં દિયોદરમાં સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે અમીરગઢ અને ડીસામાં પણ 5- 5 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાલનપુર, ડીસા, અમીરગઢ અને દિયોદરમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં, જેથી વાહનચાલકો સહિત લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લામાં રાત્રે સતત 4થી 5 કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં આ સીઝનમાં પ્રથમવાર વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ત્રણેય જળાશય તળિયાઝાટક જેવી સ્થિતિમાં છે અને પાણીના તળ હજારથી બારસો ફૂટ જેટલા ઊંડા થઈ જતાં સિંચાઈ અને પીવાના પાણીની ગંભીર સ્થિતિ સર્જાવાની શક્યતા હતી. આ વચ્ચે જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદથી ખેડૂતોએ પણ રાહત અનુભવી છે તેમજ હજુ પણ સતત વરસાદ ચાલુ રહે અને પાણીનાં તળ ઊંચાં આવે એવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે.