મહેસાણા, 26 ડિસેમ્બર 2025: જિલ્લાના સતલાસણા તાલુકાના ગોરિયાપુર ખાતે આવેલી મોડેલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા 20થી વધુ વિદ્યાર્થીઓને રાત્રિનું ભોજન લીધા બાદ અચાનક ઝાડા, ઉલ્ટી અને ગભરામણ જેવી તકલીફો શરૂ થતા શાળા વહીવટીતંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
- ભોજન બાદ તબિયત બગડી
મળતી માહિતી મુજબ, ગોરિયાપુર મોડેલ સ્કૂલની હોસ્ટેલમાં રાત્રે જમ્યાના થોડા સમય બાદ એક પછી એક વિદ્યાર્થીઓની તબિયત બગડવા લાગી હતી. 20થી વધુ બાળકોને અશક્તિ અને ઉલ્ટીની ફરિયાદ થતા તાત્કાલિક સ્થાનિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ આસપાસના વિસ્તારના વાલીઓ પણ ચિંતાતુર થઈ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
આ પણ વાંચોઃ NTCA દ્વારા ગુજરાતને સત્તાવાર રીતે ટાઇગર સ્ટેટ જાહેર કરાયું
આ ઘટનાની જાણ થતા જ આરોગ્ય વિભાગની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને બાળકોની સારવાર શરૂ કરાવી હતી. આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, “બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે, પરંતુ હાલ તમામ વિદ્યાર્થીઓની સ્થિતિ સ્થિર અને સુધારા પર છે. ભોજનના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.”
આ ઘટનાને પગલે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે તપાસ શરૂ કરી છે. હોસ્ટેલના રસોડામાં વપરાતી સામગ્રી, પાણીની શુદ્ધતા અને ભોજન બનાવવામાં રાખવામાં આવતી સ્વચ્છતા અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. જો વહીવટીતંત્રની બેદરકારી જણાશે તો જવાબદારો સામે કડક કાર્યવાહીના સંકેત પણ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ લુધિયાણાના ઉદ્યોગપતિને ડિજિટલ એરેસ્ટ કરી 7 કરોડ પડાવનાર ગેંગ પર EDની ત્રાટક: એક મહિલાની ધરપકડ


