
ચક્રવાત તોફાન ‘માઇચોંગ’ ને લઈને હવામાન વિભાગની ચેતવણી -આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં ત્રાટકશે આ ચક્રવાત
દિલ્હી – દેશભરમાં છેલ્લા 3 દિવસથી વાતાવરણ માં પલટો જોવા મળ્યો હતો જેના કારણે અનેક વિસ્તારોમાં કડક ભડાકા સાથે વીજળી અને વરસાદ નોંધાયો હતો ત્યારે હવે ફરી હવામાન વિભાગે ચક્રવાત માઇચોંગને લઈને ચેતવણી જારી કરી છે. ત્યારે હવે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને નજીકના દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું લો પ્રેશર એરિયા હવે સંપૂર્ણપણે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયું છે.
માહિતી મુજબ આ કારણો સર હવે ચક્રવાતી તોફાનનું જોખમ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગએ બુધવારે આ સંબંધમાં ચેતવણી જાહેર કરી છે. જણાવવામાં આવ્યું છે કે બંગાળની ખાડીમાં હવામાનમાં કેવા પ્રકારનો ફેરફાર થવા જઈ રહ્યો છે, જે વાવાઝોડાનું રૂપ પણ લેવા જઈ રહ્યું છે.
આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું છે કે જે પ્રકારની હવામાન પરિસ્થિતિઓ વિકસિત થઈ છે તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની અપેક્ષા છે. આ હવામાન પરિસ્થિતિઓ 30 નવેમ્બર સુધીમાં બંગાળની ખાડીના દક્ષિણમાં ધીમે ધીમે ડીપ ડિપ્રેશનમાં વિકસી જશે.
વધુ માં આશાઓ સેવાઇ રહી છે કે આ ચક્રવાત મજબૂત બનશે અને આગામી 48 કલાકમાં તે દક્ષિણ-પશ્ચિમ અને નજીકના દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન ‘માઇચોંગ’માં ફેરવાઈ જશે.
વધુમાં નિકોબાર ટાપુઓમાં મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. 29 નવેમ્બર અને 1 ડિસેમ્બરની વચ્ચે, નિકોબાર ટાપુઓમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. આંદામાન ટાપુઓમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 30મી નવેમ્બરે પણ ભારે વરસાદ જોવા મળી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું કે ઝડપી પવન પણ ફૂંકાઈ શકે છે IMD અનુસાર, 25-35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાશે, જે 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચવાની પણ આશંકા છે. આ પવનો 29 નવેમ્બરે દક્ષિણ આંદામાન સમુદ્ર અને અડીને આવેલા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ફૂંકાય તેવી શક્યતા છે.
આ સહિત આવતીકાલે 30 નવેમ્બરે બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 1 ડિસેમ્બર સુધીમાં આ પવનોની ઝડપ 50-60 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની ધારણા છે. 2 ડિસેમ્બરે આ પવન 60-70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.