
ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળના વિસ્તરણની વાતો વહેતી થતાં પ્રધાનપદું મેળવવા ધારાસભ્યોનું લોબીંગ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર પૂર્ણ થવાની તૈયારીમાં છે. જ્યારે બીજી બાજુ આગામી એપ્રિલમાં ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળના વિસ્તરણની વાતો વહેતી થતાં ભાજપના કેટલાક ધારાસભ્યોએ તેમના ગોડ ફાધર ગણાતા નેતાઓનો સંપર્ક કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. આમ તો મંત્રી મંડળનું વિસ્તરણ કરવાનું હશે તો એમાં કોને સ્થાન આપવું તે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા આખરી નિર્ણય કરાશે. એવું કહેવાય છે. કે, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવીને ધારાસભ્ય બનેતા કેટલાક યુવા નેતાઓએ પણ લોબિંગ શરૂ કરી દીધુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળનું વિસ્તરણ એપ્રિલમાં કરવામાં આવે તેવી શક્યતાને પગલે કટલાક નેતાઓએ લોબિંગ શરૂ કર્યું છે. કહેવાય છે. કે, પટેલના મંત્રી મંડળમાં છથી સાત મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે. ત્યારે ભાજપના યુવા ચહેરાઓમાં સામેલ હાર્દિક પટેલ અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરને પણ મંત્રીમંડળના વિસ્તરણમાં સ્થાન મળશે એવી અટકળો ચાલી રહી છે. અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણમાંથી જ્યારે હાર્દિક પટેલ અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય બેઠક વિરમગામથી જીત્યા હતા. કેબિનેટ વિસ્તરણની અટકળોને સીએમ ભૂપેન્દ્ર પટેલની દિલ્હી મુલાકાત સાથે જોડવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ગયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. બંને વચ્ચે લાંબી વાતચીત પણ થઈ હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગરથી અલ્પેશ ઠાકોર ચૂંટણી જીત્યા બાદ આસામ ગયા હતા અને ત્યાં મા કામાખ્યાના મંદિરે દર્શન કરવા અને આશીર્વાદ લેવા ગયા હતા. અલ્પેશ ઠાકોર આસામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને પણ મળ્યા હતા. બંને નેતાઓની મુલાકાતની તસવીરો પણ વાયરલ થઈ હતી. અલ્પેશ બાદ હાર્દિક પટેલ પણ હાલમાં જ આસામના પ્રવાસેથી પરત ફર્યો છે. સીએમ હિમંતા બિસ્વા સરમા સાથે તેની તસવીર પણ વાયરલ થઈ છે. આસામના મુખ્ય પ્રધાન સરમાનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ખૂબ જ સારું ટ્યુનિંગ છે. આવી સ્થિતિમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આ નેતાઓને ગુજરાતમાં સરમા જેવી તક મળવાની વાત કહેવામાં આવી રહી છે. સરમા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. આ પછી તેણે સમગ્ર પૂર્વોત્તરમાં કોંગ્રેસનો સફાયો કરી દીધો હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્તમાન ટીમ ઘણી નાની છે. તેમના પ્રથમ કાર્યકાળમાં 24 મંત્રીઓ હતા પરંતુ 156 બેઠકો જીત્યા બાદ પણ માત્ર 16 મંત્રીઓ છે. નિયમો અનુસાર ગુજરાતમાં 27 થી 28 મંત્રીઓ બની શકે છે. આવી સ્થિતિમાં, કેબિનેટ વિસ્તરણની અટકળોએ ઘણી વખત જીતી રહેલા ધારાસભ્યોના મનમાં મંત્રીપદની આશા જાગી છે. જો દાદાની ટીમ વિસ્તરે તો આમાં પ્રાદેશિક સંતુલન સાધવાનો પ્રયાસ થઈ શકે છે. જેમ કે વડોદરા મધ્ય ગુજરાતનું હબ છે. પરંતુ અહીંથી હવે કોઈ મંત્રી નથી. રાવપુરાથી જીતેલા બાલકૃષ્ણ શુક્લાને મંત્રીપદના દાવેદાર માનવામાં આવતા હતા, પરંતુ પાર્ટીએ તેમને ચીફ વ્હીપ (દંડક)નું પદ આપ્યું છે. આવી સ્થિતિમાં ગ્રામીણ વિસ્તારના ધારાસભ્યને મંત્રી બનવાની તક મળી શકે છે. વડોદરા ગ્રામ્યમાં ભાજપનો દેખાવ આ વખતે થોડો નબળો રહ્યો હતો. તેવી જ રીતે કેબિનેટમાં માત્ર 1 મહિલા મંત્રી છે. વિસ્તરણ પર, મહિલા મંત્રીઓની સંખ્યા વધારવાની વાત છે.