
અમદાવાદ સિવિલ મેડીસીટીની 1200 બેડ હોસ્પિટલમાં કોરોના સંદર્ભે સજ્જતાની મોકડ્રીલ યોજાઈ
દેશમાં વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના સૂચનને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલ્સમાં બે દિવસીય મોકડ્રીલનું આયોજન કરવમાં આવ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ સિવિલ મેડિસીટીની ૧૨૦૦ બેડ સિવિલ હોસ્પિટલ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૦ હજાર લીટર લિક્વિડ ઓક્સિજન, ૬૫૦ થી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર, ૭ જેટલા પીએસએ પ્લાન્ટ ની ઉપલબ્ધતની કોરોના માટેની સજ્જતા સંદર્ભેની તૈયારીઓની ચકાસણી આ મોકડ્રીલમાં કરવામાં આવી હતી.
આ મોકડ્રીલમાં હોસ્પિટલમાં કોરોનાની સંભવિત પરિસ્થિતિઓને પહોંચી વળવા હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી તૈયારી, ઓકિસજન, વેન્ટીલેટર તથા જરૂરી દવાઓની ઉપલબ્ધતા બાબતે માહિતી મેળવી તથા હોસ્પિટલના સ્ટાફને કોવિડની સંભવિત પરિસ્થિતિમાં દર્દીઓને સારી તથા ઉચ્ચકક્ષાની સારવાર મળી રહે તે માટેની સૂચના તેમજ કોવિડ સંક્રમણ બાબતે નિયત થયેલ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું જણાવવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી રાકેશ જોષી તથા હોસ્પિટલનાં ડોક્ટર્સ, નર્સ તથા અન્ય મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાના નેતૃત્વમાં સમગ્ર દેશમાં તારીખ 10 અને 11 એ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રીલમાં કોરોના સામેની સજ્જતાની ચકાસણી કરવામાં આવનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ બે દિવસ દરમિયાન રાજ્યના ગ્રામ્ય સ્તરે આરોગ્ય કેન્દ્રો ઉપરાંત રાજ્યની સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ્સમાં મોકડ્રીલ યોજાશે. આ મોકડ્રીલમાં હોસ્પિટલમાં ઉપલબ્ધ ઓક્સિજન ટેન્કની વ્યવસ્થા, દવાનો જથ્થો, વેન્ટિલેટર, આઇ.સી.યુ. બેડ સહિત માનવબળની ઉપલબ્ધતા અંગેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવશે. આ દરમિયાન કોઇપણ વ્યવસ્થામાં ત્રુટિ જણાશે તો તેને સત્વરે દૂર કરવા માટે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવા માટે રાજ્ય આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી છે.