1. Home
  2. ગુજરાતી
  3. મોડર્ન ઇન્ડિયા અને ટેક્નૉક્રસી
મોડર્ન ઇન્ડિયા અને ટેક્નૉક્રસી

મોડર્ન ઇન્ડિયા અને ટેક્નૉક્રસી

0
Social Share

(સ્પર્શ હાર્દિક)

વિશ્વમાં અત્યાર સુધી થઈ ગયેલા વિખ્યાત દાર્શનિકો અને ચિંતકોમાં સોક્રેટિસનું નામ ઘણું આગળ પડતું ઉલ્લેખવામાં આવે છે. પરંતુ ઓછાં લોકો જાણે છે કે તેના લોકશાહી વિશેના વિચારો વિવાદાસ્પદ હતા. સ્વસ્થ મનના અને ગંભીર રીતે વિચારી શકનારા માણસ પાસેથી આપણે એવી જ અપેક્ષા રાખી હોય કે તે આ વિષયમાં લોકશાહીનો, લોકોની મરજીનો હિમાયતી હોવો જોઈએ. કિન્તુ સોક્રેટિસનું માનવું હતું કે લોકશાહી જોખમી સાબિત થઈ શકે છે. લોકપ્રિયતાના દમ પર પ્રજા દ્વારા ચૂંટાઈ આવતો માણસ ઘણીવાર રાજ્ય કે તંત્ર ચલાવવા માટે જરૂરી કૌશલ્ય, સમજદારી અને સજ્જતા ધરાવતો ન હોય એવું પણ ક્યાં નથી બનતું? ઇતિહાસમાં ડોકિયું કરીયે ત્યારે દેશવિદેશના આવા ઘણા કિસ્સાઓ નજરે ચડશે જ્યાં સોક્રેટિસે દર્શાવેલો ભયસ્થાન સાચો પડ્યો હોય. સત્તા સાથે આવતી ભિન્ન ભિન્ન પ્રકારની જવાબદારીઓનું વહન કરવાનું જ્ઞાન, સમજ અને ક્ષમતા નેતા પાસે ન હોય ત્યારે લોકશાહી જોખમમાં મુકાઈ જાય. લોકો સમજદારીથી, જે-તે નેતાને ફક્ત ને ફ્ક્ત તેની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતાને આધારે ચૂંટે એવી સજ્જતા કેળવે એ હાલ પૂરતો યૂટોપિયાન યાને આદર્શવાદી ખયાલ જ લાગે છે.

ભારતના રાજ્ય કે સરકારી તંત્ર વિશે થોડુંઘણું પણ જાણતાં વાચકોને બ્યુરૉક્રસી યાને અમલદારશાહી વિશેની સમજ હશે જ. ડેમૉક્રસીમાં પ્રજા દ્વારા વરણી પામેલ નેતાઓના હાથમાં અમુક હદ સુધીની સત્તાઓ હોવા છતાં, સરકારને ચલાવવાનું મહત્વનું શ્રમકાર્ય બ્યુરૉક્રસી કરે છે. આથી, તંત્રના સંચાલનની અને વિધવિધ વિભાગોની બારિકીઓ વિશે સદંતર અજાણ નેતા પણ બ્યુરૉક્રસીના ભરોસે રહીને ભારત જેવા જટિલ પ્રશ્નો ધરાવતા દેશમાં ટકી જાય છે. અલબત્ત, સમય સાથે નેતાઓ અને એમની વિચારવાની દૃષ્ટિ પણ બદલાઈ જ છે અને યુવાન, સમજદાર નેતાઓ રાજકારણમાં પ્રવેશે ત્યારે હકારાત્મક પરિવર્તન આવે જ. પરંતુ ડેમૉક્રસી અને બ્યુરૉક્રસી પછી મોડર્ન પોલિટિક્સમાં એક નવી સંજ્ઞા ચર્ચાતી થઈ છે – ટેક્નૉક્રસી.

ટેક્નોક્રૅટ અર્થાત પોતાના ક્ષેત્રમાં તજજ્ઞ હોય એવો માણસ અને ટેક્નૉક્રસી અર્થાત સરકારી તંત્રમાં તજજ્ઞોનું વર્ચસ્વ કે એમનું શાસન. જ્યારે સરકારી તંત્ર ટેક્નૉક્રસી તરફ વધારે ઢળતું હોય ત્યારે તે નીતિ-નિર્માણ અને મહત્વના નિર્ણયોમાં વિદ્વાનોની વાતને વધુ મહત્વ આપતું થઈ જાય છે. દેખીતી વાત છે કે આવું કરવાથી જો જનપ્રતિનિધિ કે અમલદારોનો અવાજ અવગણી દેવામાં આવે તો સરકાર પર જાતભાતના સવાલો ઊઠે. પરંતુ સામે એ હકીકત પણ જોવી પડે કે ઝડપથી બદલાઈ ચૂકેલા અને હજુ પણ બદલાઈ રહેલા વિશ્વમાં જ્યારે સરકારી તંત્રમાં સામેલ લોકો એ બદલાવ સાથે તાલ ન મેળવી શકે ત્યારે કોઈ ત્રીજી વિદ્વાન વ્યક્તિનો અવાજ સાંભળવામાં જ રાષ્ટ્રનું હિત જળવાઈ શકે. ડેમૉક્રસી, બ્યુરૉક્રસી અને ટેક્નૉક્રસી, આ ત્રણમાંથી કોઈ પણ સરકાર કયા ખાનામાં ફિટ બેસે એવું ઝાટકીને કહેવું મુશ્કેલ કાર્ય છે. કોઈ બાબતમાં જનતાનો કે જનપ્રતિનિધિનો મત મોટો ગણવામાં આવે, તો કોઈ બાબતમાં અમલદારોની કુનેહ પર અધિક વિશ્વાસ મૂકીને ચાલવું પડે. આ બંને પછી, શાસનવ્યવસ્થાની એક નવી રીત પ્રમાણે ટેક્નૉક્રસીનું વિશ્વના રાજકારણમાં પ્રભાવી થવું સમયની જરૂરિયાત બની ગયું છે.

ટેક્નૉક્રસીનો વિચાર ખાસ નવો નથી, પરંતુ વિવિધ સ્તરે ડિજિટલ થઈ ચૂકેલી અને જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રે હરણફાળ ભરી રહેલી આજની દુનિયામાં એ વધુ પ્રસ્તુત થયો છે. પશ્ચિમમાં ગુગલ, એમેઝોન અને મેટા જેવી કંપનીઓ એટલી જાયન્ટ બની ગઈ છે કે એમનું પોતાનું અર્થતંત્ર અને એમની સત્તા સામે કોઈ સામાન્ય કદનો દેશ વામણો અને અશક્ત લાગે. ટૅક-ક્ષેત્રના વિકાસ સાથે નવા પડકારો અને પ્રશ્નો પણ વિશ્વની વિવિધ સરકારો સામે આવ્યા છે. એ તમામને પહોંચી વળવા બહારમો માણસો, એટલે કે ટેક્નોક્રૅટ્સની મદદ લેવી અનિવાર્ય બની જાય છે.

એનડીએ ગવર્મેન્ટ વિશે જાણકારોએ નોંધ્યું છે કે આ સરકારનું વલણ બ્યુરૉક્રસી અને ટેક્નૉક્રસી તરફ ઢળવાનું રહ્યું છે. સરકારનો બ્યુરૉક્રસી તરફ વધુ ઝુકાવ જરાક ટીકાઓનું કારણ બન્યો છે, પરંતુ રિઝલ્ટ જોઈએ તો ઇન્ટરનેટ અને સ્માર્ટફોનની ક્રાંતિનો લાભ લઈ સામાન્ય લોકો સુધી આવશ્યક સુવિધાઓ પહોંચાડી આ સરકારે શાસન વ્યવસ્થા સરળ કરી છે એ દેખીતી હકીકત અને નિસંદેહ સરાહના કરવા જેવી સિદ્ધિ છે. જોકે, ટેક્નૉક્રસી ફક્ત આઈ.ટી પૂરતો મર્યાદિત કૉન્સેપ્ટ નથી. એ કોઈ પણ ક્ષેત્રને લાગુ પડી શકે છે. જેમ કે, વિદેશ સચિવ રહી ચૂકેલા યાને કે બ્યુરૉક્રસીમાંથી આવેલા એસ. જયશંકરની આ ક્ષેત્રના જાણકાર હોવાને કારણે વિદેશ મંત્રીના પદે વરણી થવી ટેક્નૉક્રસીનું ઇંગિત છે. કૉમ્પ્યૂટર સાયન્સ ક્ષેત્રનો અભ્યાસ કરીને ઇન્ટેલ જેવી કંપનીમાં કામ કરી ચૂકેલા મંત્રી રાજીવ ચંદ્રશેખર આઈ.ટી. ક્ષેત્રમાં તજજ્ઞતા ધરાવે છે. હરદીપ સિંહ પુરી અને અશ્વિનિ વૈષ્ણવ, જયંત સિન્હા, જેવા મંત્રીઓને બ્યુરૉક્રસી કે પ્રાઇવેટ સેક્ટરમાંથી સરકારમાં જોડવામાં આવેલા છે અને પોતપોતાના ક્ષેત્રના એક્સપર્ટ ગણાતા હોવાથી ટેક્નોક્રૅટ્સ તરીકે ઓળખાવામાં આવ્યા છે. દરેક વખતે એવું નથી બનતું હોતું સૌથી વધુ યોગ્ય માણસો જનપ્રતિનિધિઓ અથવા બ્યુરૉક્રસીમાંથી જ મળી જાય. જેમ કે, યુપીએ ગવર્મેન્ટ વખતે UIDAI – આધાર કાર્ડની યોજનાના ચેરમેન બનેલા નંદન નિલેકણી વિખ્યાત ટૅક-કંપની ઇન્ફોસિસના સહસ્થાપક છે.

ટૂંકમાં, ટેક્નોક્રૅટ્સની આધુનિક શાસન વ્યવસ્થામાં હાજરી નવી વાત નથી. ઉપરાંત, એ.આઈ., રોબોટિક્સ, એરોસ્પેસ, ડિફૅન્સ, એનર્જી, હ્યુમન કેપિટલ મેનેજમેન્ટ, ઇત્યાદિ વિષયો અને ક્ષેત્રોમાં આગળ જતાં મુશ્કેલ નિર્ણયો લેવાના કે નવી નીતિઓ ઘડવાનું થાય ત્યારે નેતાઓ કે અમલદારોને બદલે સંબંધિત ક્ષેત્રના વિદ્વાનો દોરવણી કરવા માટે વધુ યોગ્ય સાબિત થાય. આ વિદ્વાનોનું મહત્તમ ધ્યાન પોતાના ક્ષેત્રમાં, એને લગતા વિષયોમાં રહેતું હોય, નહીં કે જનમત ઊભો કરવામાં કે પ્રજાલક્ષી કાર્યો કરવામાં. આ દલીલથી પણ સમજી શકાય કે ટેક્નોક્રૅટ્સ જે-તે ક્ષેત્રની નિર્ણાયક બાબતોમાં શા માટે વધુ કારગર પુરવાર થઈ શકે. અલબત્ત, નિર્ણયો લેવા અને નીતિઓ ઘડવાનું સંપૂર્ણ નિયંત્રણ ટેક્નોક્રૅટ્સ પર જ રહે એવું ન હોવું જોઈએ. જમીની વાસ્તવિકતા અને જનમાનસને બરાબર સમજી શકતા નેતાઓ અને અમલદારોનો સહયોગ પણ જરૂરી બને છે.

ભારત આજે કેટલા પ્રમાણમાં ટેક્નૉક્રેટિક છે, આગળ જઈને કેટલી હદ સુધી ટેક્નૉક્રેટિક થવું જોઈએ, ટેક્નૉક્રેટિક બનવામાં શું લાભ-અલાભ છે, એના વિશે ધીમા સૂરમાં ચર્ચાઓ થતી રહે છે. બેન્કિંગ, ફાયનાન્સ, વેપાર અને ઉદ્યોગોને લગતી નીતિનું ઘડતર અને નિર્ણયોમાં બહારથી આ ક્ષેત્રના જાણકારોને લાવી સરકારી તંત્રમાં ઇન્વોલ્વ કરવા જોઈએ એવો મત પણ પ્રગટ થતો રહ્યો છે. ચીનની પ્રગતિનું ઉદાહરણ સામે રાખીને તજજ્ઞો સૂચન કરતાં રહે છે કે ભારતે હજુ વધારે ટેક્નૉક્રેટ્સને ગવર્મેન્ટમાં કિ-પૉઝિશન આપવી જોઈએ. જ્યારે ઘણાંને આ વિચાર એક લિમિટ પછી લોકશાહીને હાનીકારક લાગે એવું પણ શક્ય છે. વિશ્વના અન્ય વિકસિત અને ઝડપથી વિકસી રહેલાં દેશોની સરખામણીમાં ભારત ઓછું ટેક્નૉક્રેટિક હોવાની છાપ પડેલી છે. આ માટે બ્રૅઇન ડ્રેઇન જેવું કારણ તો ખરું જ, જે અહીંનું શ્રેષ્ઠ ટેલેન્ટ વિદેશમાં ઘસડી જાય છે, પણ એ સાથે હજુ પણ બ્રિટિશ તંત્રના ઘણા દુર્ગુણો ધરાવતું સરકારી તંત્ર પણ એક મોટું કારણ ખરું જ, જે આ દેશના તેજસ્વી યુવાનોને એમાં જોડાવાનું આકર્ષણ પૂરું પાડતું નથી. દેશના નાગરિકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હ્યુમન રિસોર્સ ગણાય અને આ રિસોર્સમાંના શ્રેષ્ઠ માણસો દેશને આગળ વધારવા સરકારમાં જોડાઈને યોગદાન આપવા ઇચ્છે તો એ પ્રકારની ટેક્નૉક્રેટિક ગવર્મેન્ટને આવકાર જ હોય. પરંતુ એ સાથે, ડેમોક્રસીનો પાયો પણ મજબૂત રહે એ અનિવાર્ય શરત છે.

hardik.sparsh@gmail.com

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code