
મોહમ્મદ ઝુબેરને મોટો ફટકો, કોર્ટે જામીન અરજી ફગાવી 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો
દિલ્હી:Alt ન્યૂઝના પત્રકાર મોહમ્મદ ઝુબેરને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે ઝુબેરની જામીન અરજી ફગાવી દીધી છે.ઉપરાંત, મોહમ્મદ ઝુબેરને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે દિલ્હી પોલીસ દ્વારા 14 દિવસની ન્યાયિક કસ્ટડીની માંગણી અને ઝુબેરે દાખલ કરેલી જામીન અરજી પર પોતાનો ચુકાદો આપ્યો હતો.બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે બપોરના ભોજન પહેલા પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો, ત્યારબાદ હવે ચુકાદો સંભળાવવામાં આવ્યો છે.
સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટને કહ્યું હતું કે,કંપનીએ FCRAની કલમ 35નું ઉલ્લંઘન કરીને પાકિસ્તાન સહિત ઘણા દેશોમાંથી ફંડ લીધું છે, દિલ્હી પોલીસને તેની તપાસ માટે ફરીથી ઝુબેરની કસ્ટડીની જરૂર પડી શકે છે.
આ ઉપરાંત, 2018માં દિલ્હી પોલીસે ધાર્મિક લાગણીઓને ભડકાવવા સંબંધિત ટ્વિટ્સની તપાસ સાથે પુરાવાનો નાશ કરવા, ગુનાહિત કાવતરું અને મંજૂરી વિના વિદેશી ભંડોળ મેળવવાની કલમો પણ સામેલ કરી હતી.