
ઉત્તરપ્રદેશઃ પોલીસ સ્ટેશન પાસે પડેલી બાઈકમાંથી રોકડ રૂ. 3 લાખ ભરેલી બેગ લઈ કપિરાજ થયા પલાયન
દિલ્હીઃ ઉત્તરપ્રદેશના બરદોઈ જિલ્લામાં એક વિચિત્ર ઘટના બની હતી. જેથી પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. વાત જાણે એમ છે કે, પોલીસ સ્ટેશન બહાર પાર્ડ કરેલા એક બાઈકના સ્ટેયરિંગ ઉપર ભરાવેલી રૂ. 3 લાખની રોકડ ભરેલી બેગ એક કપિરાજ લઈને ફરાર થઈ ગયા હતા. આ દ્રશ્ય જોઈને ફરજ પર હાજર બે હોમગાર્ડ જવાનોએ તેની પાછળ દોડ્યાં હતા. જેથી કપિરાજ એક વૃક્ષ ઉપર ચડી ગયા હતા. બંને હોમગાર્ડ જવાનોએ ભારે જહેમત બાદ તેમની પાસેથી રોકડ ભરેલી બેગ મેળવીને તેના મૂળ માલિકને પરત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર બબલુ નામની વ્યક્તિ રૂ. 3 લાખની રોકડ ભરેલી બેગ લઈને હરદોઈના એક પોલીસ સ્ટેશન પાસે ગયાં હતા. જ્યાં તેમણે પોતાની બાઈક પાર્ક કરીને રોકડ ભરેલી બેગ બાઉક ઉપર રહેવા દઈને કામ અર્થે ગયા હતા. આ દરમિયાન નજીકમાં જ બેઠેલા એક કપિરાજ બાઈક પાસે આવ્યાં હતા. તેમજ રોકડ ભરેલી બેગ ઉઠાવીને ભાગ્યાં હતા. આ દ્રશ્ય જોઈને ફરજ પર તૈનાત બે હોમગાર્ડ જવાન વિકાસ અગ્નિહોત્રી અને અખિલેન્દ્ર અગ્નિહોત્રીએ વાંદરાનો પીછો કર્યો હતો. ઘણા સમય સુધી વાંદરો બંને હોમગાર્ડને દોડાવતો રહ્યો હતો. પરંતુ અંતે બંને હોમગાર્ડે જેમતેમ કરીને વાંદરાના હાથમાંથી થેલો છીનવી લેવામાં સફળ રહ્યા હતા. રોકડ ભરેલી બેગ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં તેના માલિક બબલુને આ બેગ પરત કરી હતી. આ સમગ્ર ઘટનાને પગલે લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી. પોલીસ સ્ટેશનના વડા વીરેન્દ્રસિંહ તોમરે બંને જવાનોની પ્રશંસા કરી હતી.