
જેતપુરઃ GSTમાં વધારાને પગલે 1400થી વધારે કાપડના એકમોએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો
અમદાવાદઃ કેન્દ્ર સરકારે કાપડ ઉદ્યોગો ઉપર વસુલવામાં આવતા પાંચ ટકાના જીએસટીને વધારીને જાન્યુઆરી 2022થી 12 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કાપડાના વેપારીઓમાં નારાજગી ફેલાઈ છે. જેના વિરોધમાં આજે જેતપુરમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા લગભગ 1400થી વધારે એકમોએ સજ્જડ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં સાડીના કારખાનાના માલિકોએ વિશાળ રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ રજૂઆત કરી હતી કે, જીએસટીમાં વધારાને પગલે જેતપુરમાં સાડી ઉઘોગને મરણતોલ ફટકો પડવાની સાથે એક સાડી આશરે રૂ. 50 જેટલી મોંધીની આશંકા વ્યક્ત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રો-મટીરીયલ્સ, કોલસો અને પેકેજીંગ મટીરીયલ્સમાં 20 ટકાનો ભાવ વધારો આવ્યો છે જેના કારણે સાડીના પ્રતિનંગના ભાવમાં રૂ. 35નો વધારો થયો છે હવે જીએસટી 1ર ટકા કરવામાં આવતા સાડી પર વધારોનો રૂ. 15નો વધારાનો બોજ પ્રજા ઉપર આવશે. જીએસટીના વધારાના વિરોધમાં આજે જેતપુર ડ્રાઇગ એન્ડ પ્રિન્ટીંગ એસોસીએશન દ્વારા જેતપુર અને નવાગઢના તમામ ટેકસ્ટાઇલ પ્રિન્ટીંગ અને પ્રોસેસીંગ એકમો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી આજે જેતપુરમાં સાડી ઉઘોગ સાથે સંકળાયેલા 1400 જેટલા એકમો બંધ રહ્યો હતા. સવારે એસોસીએશનની ઓફીસ ખાતે મોટી સંખ્યામાં સાડીના કારખાનાના માલીકો અને કર્મચારી ત્રણ એકત્રીત થયા હતા જયાંથી તેમણે મામલતદાર કચેરી સુધી પગપાળા રેલી યોજી હતી.