1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચોટીલા તાલુકાની 34થી વધુ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની સુવિધા નથી
ચોટીલા તાલુકાની 34થી વધુ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની સુવિધા નથી

ચોટીલા તાલુકાની 34થી વધુ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની સુવિધા નથી

0
Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે ચોટીલા તાલુકાની 34થી વધુ પ્રાથમિક શાળાઓના બાળકો માટે શાળામાં પીવાના પાણીની સુવિધા જ ઉપલબ્ધ નથી. જેના કારણે આ બાળકોને ઘેરથી સાથે પીવાનું પાણી લાવવુ પડે છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આઝાદી સમયથી પીવાના પાણીની સમસ્યા દર ઉનાળે વિકરાળ બને છે. ત્યારે ચોટીલા તાલુકાની 34 શાળાઓમાં પણ અહીં અભ્યાસ કરતા ભુલકાઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા જ નથી. તાલુકાના ઝુંપડા(બા), મેવાસા(શે), નાવા વાદી વસાહત શાળા, નાના પાળિયાદ, જાની-વડલા, ગોલીડા, સાંડવા (ઢોકળવા ), ચોબારી, મેવાસા, સુખસર, મોટા હરણીયા, અકાળા, રેશમિયા, કુંઢડા, ચાણપા, રાજપરા, ડાકવડલા , સાલખડા, ફુલઝર, કાબરણ, ગુંદા, જીવાપર (આ), મહીદડ સહિતની ચોટીલા તાલુકાની 34 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા માસુમ ભુલકાઓને દફતરના ભાર સાથે ઘેરથી પીવાના પાણીની બોટલનો ભાર પણ સાથે ઉંચકીને શાળામાં લઇ જવો પડે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ચોટિલા તાલુકાની 34 જેટલી પ્રાથમિક શાળાઓમાં બાળકોએ સ્કુલબેગ સાથે પાણીની બોટલની સલામત રાખવી પડે છે અને શાળા સમય દરમિયાન બે ત્રણ વખત આજુબાજુના ઘરોમાં પાણી ભરવા પણ જવું પડે છે. આ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની 34થી વધુ શાળાઓમાં ઘણાં જ વર્ષોથી આ હાલત છે. તાલુકાની કુલ 132 શાળાઓમાંથી 34 શાળાઓના 4100 જેટલા વિદ્યાર્થીઓ માટે પાણી જ નથી

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ચોટીલા તાલુકાના 82 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 132 સરકારી પ્રાથમિક શાળામાં છે. આ શાળાઓમાં કુલ 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. પણ આ પૈકીની 34 જેટલી શાળાઓના 4100થી વધુ વિદ્યાર્થીઓ માટે શાળામાં પીવાના પાણીની વ્યવસ્થા જ નથી. ચોટીલાના જે 34 સરકારી પ્રાથમિક શાળાઓની પાણી સમસ્યા હલ કરવા બે ઉપાય વાલીઓએ સુચવ્યા છે. જેમાં જે ગામોમાં નર્મદાના પાણીની લાઇન પસાર થાય છે. તેમાંથી શાળાઓને પાણીના કનેક્શન આપવાની જરૂર છે અને જે ગામોમાં નર્મદાની લાઇન જ નથી તેવા ગામોની શાળાઓમાં ટેન્કર દ્વારા જે તે શાળાઓના ટાંકાઓમાં પાણી ભરવામાં આવે તો પણ આ સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ આવી શકે તેમ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code