
અમદાવાદઃ રાજકિય પદાધિકારીઓ કે કેટલાક સાંસદો, અને ઘારાસભ્યો ચૂંટણીમાં પરાજ્ય મળ્યા બાદ પણ સરકારી આવાસ ખાલી ન કરતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. માત્ર ગુજરાતમાં નહીં પણ અન્ય રાજ્યો અને દેશમાં પણ આવી જ સ્થિતિ છે. હવે કેટલાક અધિકારીઓ પણ નિવૃત થયા બાદ સરકારી મકાનો ખાલી કરતી નથી. ગુજરાતમાં વર્ષોની સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી નોકરી દરમિયાન મળેલું સરકારી ઘર છોડવું ખૂબ જ વસમું લાગતું હશે. રાજ્ય સરકારના આંકડા મુજબ 45 જેટલા નિવૃત્ત બાબુઓ છે જેઓ હજુ પણ પોતાને મળેલું સરકારી ઘર ખાલી નથી કર્યુ. આ ઉપરાંત ઓક્ટોબર 2020 સુધીના સરકારી ડેટા મુજબ બીજી 4195 અરજીઓ સરકાર પાસે પેન્ડિંગ પડી છે, જેમાં સરકારી કર્મચારીઓએ સરકારી મકાન મેળવવા માટે અરજી કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં નિવૃત્તિ પછી સરકારી મકાનમાં રહેલા બાબુઓ પાસેથી ઘર ખાલી કરાવવા માટે 191 જેટલા નિવૃત્ત અધિકારીઓ સામે કોર્ટમાં કાર્યવાહી આરંભી દેવામાં આવી છે અને બાકીના નિવૃત્ત કર્માચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેના કાગળપત્રો તૈયાર થઈ રહ્યા છે. પાટનગર ગાંધીનગરમાં કેટલાક સરકારી બાબુઓ નિવૃત્તિ પછી પણ સરકારી આવાસ ખાલી કરતા નથી. તો બીજી તરફ સરકારી આવાસ મેળવવા માટે ગાંધીનગરમાં અરજીઓના સતત નવા નવા થપ્પા લાગી રહ્યા છે. એક ગણતરી પ્રમાણે સરકાર પાસે હાલ આવી 4000 જેટલી અરજીઓ પેન્ડિંગ પડી છે. સરકારમાં એક પોલિસી છે કે નિવૃત્ત અધિકારી પોતાને ફાળવવામાં આવેલા આવાસમાં વધુ નિવૃત્તિ પછી વધુ સમય રહેવા માટે નિયમસરનું ભાડુ ચૂકવીને રહેવાની અરજી કરી શકે છે. તેવામાં પાછલા ત્રણ વર્ષની વાત કરવમાં આવે તો સરકારે આવા ભાડા પેટા રુ. 1.71 કરોડનું ફંડ એકઠું કર્યું છે. જ્યારે આ જ સમયગાળામાં આશરે રુ. 42.94 લાખ આવા સરકારી આવાસના ભાડા પેટેની રકમ નિવૃત્ત બાબુઓ પાસેથી મેળવવાની બાકી છે. કેટલાક નિવૃત્ત કર્મચારીઓ હાલ પણ સરકારી આવાસમાં રહે છે અને ભાડુ પણ ચૂકતે કરતા નથી. કોંગ્રેસી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભાના ગતબજેટ સત્રમાં આ અંગે પ્રશ્ન પૂછ્યો હતો અને જાણવા માગ્યું હતું કે કેટલા એવા સરકારી અધિકારીઓ છે જે નિવૃત્તિ પછી પણ સરકારી આવાસ ખાલી નથી કરી રહ્યા અને ન તો તેના માટે ભાડું ભરી રહ્યા છે. જેના પ્રત્યુતરમાં નાયબ મુખ્યમંત્રી અને માર્ગ અને મકાન બાંધકામ વિભાગનો હવાલો ધરાવતા નીતિન પટેલે જણાવ્યું કે આશરે 450 જેટલા અધિકારીઓ છે જેમણે હજુ પણ સરકારી આવાસ ખાલી નથી કર્યા.