1. Home
  2. ગુજરાતી
  3. વિચાર વલોણું – અંગતની આરપાર – એક કર્મઠ તસવીરકળા સાધકની પ્રેરકગાથા
વિચાર વલોણું – અંગતની આરપાર – એક કર્મઠ તસવીરકળા સાધકની પ્રેરકગાથા

વિચાર વલોણું – અંગતની આરપાર – એક કર્મઠ તસવીરકળા સાધકની પ્રેરકગાથા

0
Social Share

– દધીચિ ઠાકર

શુકદેવ ભચેચ એટલે છબીકલા અને ફોટો જર્નાલિઝમ ક્ષેત્રના આજીવન સાધક. ‘કેમેરા મારો દેવ,મારો આત્મા છે.’ આવું કહેનારા શુકદેવભાઈની વિદાય પછી તેમના પરિવારજનો શ્રદ્ધાંજલિરૂપે એક પુસ્તક અર્પણ કરે છે તે એટલે આ – ‘ અંગતની આરપાર.’


આ પુસ્તકનું સંકલન જાણીતા પત્રકાર અને લેખકશ્રી દિનેશ દેસાઈએ કર્યું છે. આ પુસ્તક અતિવિશિષ્ટ શૈલીમાં તૈયાર થયું છે. તેમાં શુકદેવભાઈની ડાયરીના પાના પણ મૂકાયા છે. તેમની ચૂંટેલી તસવીરો પણ મૂકી છે અને તેમને અંજલિ આપતા પત્રો અને કવિતા પણ છે. ‘ કેમેરાના કસબની કેડીએ’ શીર્ષક અંતર્ગત પોતાના પિતાને અંજલિ આપતા શુકદેવભાઈના પુત્ર અને જાણીતા ફોટો જર્નાલિસ્ટ કલ્પિત ભચેચ નોંધે છે કે,’ મૂળ નમ્ર અને હસમુખા સ્વભાવના શુકદેવભાઈ કેટલાંય લોકોને જીવનમંત્ર આપી ગયા છે. તેમની યાદ ચિરંજીવ રાખવા “અંગતની આરપાર” એક નમ્ર પ્રયાસ છે. ‘
‘મારી ડાયરીના પાનામાં’ શુકદેવભાઈ તેમના જીવનની વાતો નોંધે છે તે વાંચવા અને જાણવા જેવી છે.

તેના શીર્ષકો તરફ નજર ફેરવીએ તો, ‘અમદાવાદના ફોટો પ્રદર્શનને સ્થાયી કરવા અપીલ’, ‘અમદાવાદ – 50 પ્રદર્શન અમદાવાદ મ્યુ. કોર્પોરેશનને ભેટ’, ‘ટાઈમ્સમાં ચાર દાયકાની સેવા’, ‘ફોટો પત્રકારત્વએ સાચું જીવન ઘડતર કર્યું’,’ સરદાર પટેલ સાથે એક અઠવાડિયું’, ‘ 15 ઓગસ્ટે ભેંકાર કોંગ્રેસ હાઉસનો ફોટો : નહેરુ સરકાર હલી ગઈ’, ‘રવિશંકર મહારાજ નૂતનવર્ષે શુકનનો રૂપિયો આપતા’, ‘ અને નહેરુજી ક્રોધે ભરાયા’, ‘ દમણ પર વિજય’, ‘ભાવનગરમાં મને ખૂબ માર્યો’, ‘રાજ્યપાલશ્રી ઘન્ટી પર દળે છે’, ‘1991 માં રાજીવજી અમદાવાદમાં’, ‘ ‘ઇન્દિરા ગાંધીની નમ્રતા’, ‘ આત્મકથા લખવા રાજ્યપાલ આર.કે.ત્રિવેદીએ પ્રેરણા આપી’, ‘ફર્યો હું રચનાત્મક કાર્યની દિશા તરફ’, વગેરે. આ બધા પાનાઓમાંથી પસાર થતાં તેમનો સંઘર્ષ અને તેમનું કળા પ્રત્યેનું સમર્પણ ધ્યાનાકર્ષક બને છે.

‘યાદ,જે દિલમાં વસી છે.’ શીર્ષકથી તેમના પત્ની હંસાબહેને તેમની જીવન સફરને વાગોળી છે. ‘મારું ફોટો આલ્બમ’ શીર્ષક અંતર્ગત તેમની ચૂંટલી તસવીરો અને તેની વિગતો મૂકી છે.

સાચેજ, આ પુસ્તક વાચકો માટે અને સ વિશેષ પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે ઘણું ઉપયોગી બની રહેશે.
(પુસ્તકનું નામ – અંગતની આરપાર
લેખક – શુકદેવ ભચેચ
મૂલ્ય : અમૂલ્ય
પ્રથમ આવૃત્તિ : ઓગસ્ટ – 2002 ; પૃષ્ઠ – 136
પ્રાપ્તિ સ્થાન : – હંસાબહેન ભચેચ, ‘સુફલામ’,ભૈરવનાથ રોડ, મણિનગર અમદાવાદ – 380028)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code