
રાજકોટઃ રાજ્યના ઘણાબધા રોડ-રસ્તાઓ ચોમાસા દરમિયાન તૂટી ગયા હતા તેની હજુ મરામત કરવામાં આવી નથી. જેમાં યાત્રાધામ ઘેલાસોમનાથથી જસદણનો રોડ ઉબડ-ખાબડ હોવાથી વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. જસદણથી ઘેલાસોમનાથનો રોડ 15 કિમીનો છે. જેનું અંતર કાપતા વાહનચાલકોને એક કલાક જેટલો સમય થાય છે. આ અંગે સ્થાનિકોએ અનેકવાર રજુઆતો કરી છે. હવે આ વિસ્તારના ધારાસભ્ય કૂંવરજી બાવળિયા મંત્રી બનતા હવે આ રોડ સત્વરે નવો બનાવાશે તેવી લોકોમાં આશા જાગી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ચોમાસા દરમિયાન અનેક રોડ-રસ્તાઓ પર પડી ગયેલા ગાબડાં વાહનચાલકોની કમર તોડી રહ્યા છે. આવું જ જસદણથી ઘેલા સોમનાથ સુધીના રસ્તા પર જોવા મળી રહ્યું છે. જસદણથી ઘેલા સોમનાથ જવા માટે રસ્તાનું અંતર માત્ર 15 કિમી છે પરંતુ એ જ અંતર કાપતાં વાહનચાલકોને રાહદારીઓની જેમ પુરો એક કલાક લાગે છે, કેમકે રસ્તા પર ગાબડાં અને ખાડાંની ભરમાર છે. આથી વાહનચાલકો ખાડા તારવી તારવીને કંટાળી ગયા છે. વાહનચાલકોએ આ રસ્તો તાબડતોબ રીપેર થાય તેવી માગણી કરી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, જસદણથી સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તીર્થધામ ઘેલા સોમનાથ મંદિર સુધીના માર્ગમાં ઠેક-ઠેકાણે મસમોટા ખાડાઓ પડી ગયા હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડમાં માપી ન શકાય તેટલા મોટા ખાડાઓ પડી ગયા હોવાથી હજારો વાહનચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ રોડ જસદણ અને ગઢડા(સ્વામીના) તાલુકાને જોડતો મુખ્ય માર્ગ હોવાથી અહીંથી દરરોજ હજારો નાનામોટા વાહનો પસાર થઈ રહ્યા છે. આ માર્ગ ચોમાસા દરમિયાન સાવ બિસ્માર થઈ જતા વાહનચાલકોને ક્યાંથી ચાલવું તેવો યજ્ઞ પ્રશ્ન બની ગયો છે. જેથી જેતે જવાબદાર તંત્ર દ્વારા તાકીદે જસદણથી ઘેલા સોમનાથ સુધીના રોડનું નવીનીકરણ કરવામાં આવે તેવું યાત્રાળુઓ ઇચ્છે છે.