
ગાંધીનગરઃ રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના કમિશનરના હસ્તકની માઉન્ટ આબુ ખાતે આવેલી સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા ખાતે આગામી તા. 01-05-2024થી નિ:શુલ્ક એડવેન્ચર, એડવાન્સ અને કોચિંગ રોક ક્લાઈમ્બીંગ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતના યુવાનો માટે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા ખાતે નિ:શુલ્ક એડવેન્ચર કોર્ષ, એડવાન્સ રોક ક્લાઈમ્બીંગ કોર્ષ અને કોચિંગ રોક ક્લાઈમ્બીંગ કોર્ષમાં ભાગ લેવા ઇચ્છુક તાલીમાર્થીઓની પસંદગી કરવામાં આવનાર છે. જેમાં એડવેન્ચર કોર્ષ કે જેની વય મર્યાદા 8 થી 13 વર્ષ છે તેનો સમયગાળો 10 મે 2024થી 16 મે 2024 છે. આ ઉપરાંત એડવાન્સ રોક ક્લાઈમ્બીંગ કોર્ષ માટે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થા તથા પેટા કેન્દ્રો ખાતે બેઝિક ખડક ચઢાણ કોર્ષ કરેલો હોવો જરૂરી છે. આ કોર્ષ માટે વયમર્યાદા 15 થી 45 વર્ષ રાખવામાં આવી છે, જેનો સમયગાળો 18 મે 2024થી 01 જુન 2024 રહેશે. આ સિવાય કોચિંગ રોક ક્લાઈમ્બીંગ કોર્ષ માટે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થા ખાતે એડવાન્સ કોર્ષ પુર્ણ કરેલ હોવો જોઈએ. આ કોર્ષ માટે વયમર્યાદા 18 થી 45 વર્ષ રાખવામાં આવી છે. જેનો સમયગાળો ૦1 મે 2024થી 30 મે 2024 રહેશે. તમામ કોર્ષ માટેની અરજી કરવાની છેલ્લી તા. 25મી માર્ચ 2024 છે. તેમ યાદીમાં જણાવાયુ છે.
આ શિબિરમાં જોડાવા માંગતા ગુજરાતના વતનીએ ગુજરાતી/અંગ્રેજી અરજીનો નિયત નમૂનો વેબસાઈટ http://commi-synca.gujarat.gov.in પરથી મેળવી લેવાનો રહેશે. જેમાં ગુજરાતના વતની હોવાનો આધાર/દાખલો, શારિરીક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર, જન્મ તારીખનો પુરાવો, અકસ્માત/ઈજા વગેરે જોખમ અંગે વાલીનું સંમતિપત્ર તથા પર્વતારોહણ તાલીમ કોર્ષમાં ભાગ લીધો હોય તો તે અંગેના પ્રમાણપત્રની નકલ અવશ્ય જોડવાની રહેશે. તાલીમાર્થી જે કોર્ષમાં જોડાવા માગતા હોય તે કોર્ષનું નામ અરજીના મથાળે સ્પષ્ટ જણાવવું, અધુરી વિગત વાળી અરજીઓ તથા નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહિ. ઉમેદવારોએ સંપૂર્ણ વિગતો સહિતની અરજીઓ આચાર્ય, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, ગૌમુખ રોડ, માઉન્ટ આબુ. પીન-307501 ખાતે મોકલી આપવાની રહેશે.
વધુમાં પસંદગી પામનાર ઉમેદવારોના ભોજન/ નિવાસ અને તાલીમની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા જે તે સ્થળે વિના મુલ્યે કરવામાં આવશે. જ્યારે તાલીમાર્થીઓને વતનથી તાલીમના સ્થળે આવવા-જવાનું સામાન્ય એસ.ટી. બસ/રેલ્વે સેકન્ડ ક્લાસ પ્રવાસ ભાડુ મળવા પાત્ર થશે. પસંદગી પામનારા તાલીમાર્થીને જરૂરી માહિતી અને સૂચનાઓ તાલીમી સંસ્થા દ્વારા ઈ-મેઇલના માધ્યમથી જણાવવામાં આવશે તેમ, યાદીમાં જણાવાયું છે.