મોઢામાં પાણી લાવી દે એવી ખાટી મીઠી કેરી ચટણી, જાણો રેસીપી
રેસીપી, 10 એપ્રિલ 2026: ઉનાળો શરૂ થઇ ગયો છે, ખાસ કરીને એપ્રિલ અને મહિનામાં અસહ્ય ગરમી પડે છે, ત્યારે ઘણા લોકોને લૂ પણ લાગી જતી હોય છે, એવામાં તમે લૂથી બચવા ઘરેલુ ઉપચાર કરી શકો છો, તમારા ડાયટમાં પણ એવા નેચરલ સીઝનલ ફૂડનો સમાવેશ કરવો જોઈએ જે તમને ગરમીથી રક્ષણ આપવામાં મદદ કરે.
અસહ્ય ગરમીમાં લૂથી રક્ષણ મેળવવા ખાટી મીઠી કેરીની ચટણી ચોક્કસ ટ્રાય કરજો. ચટણી પૂરી, પરાઠા, થેપલા કે રોટલી સાથે જોરદાર લાગે છે.
કેરી ચટણી રેસીપી
સામગ્રી
500 ગ્રામ (છોલીને મધ્યમ ટુકડા કરેલી) કાચી કેરી
2 ચમચી તેલ
વરિયાળી, રાઈ, મેથી દાણા, અજમો અને કલોંજી : 2 ચમચી વઘાર માટે
ચપટી હિંગ
મીઠું સ્વાદ મુજબ
1/4 કપ પાણી
2 ચમચી ગોળ
1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું 1 મોટી ચમચી (તમારા સ્વાદ મુજબ વધ-ઘટ કરી શકાય)
1 ચમચી સંચળ
કેરી ચટણી બનાવવાની રીત
સૌથી પહેલા 500 ગ્રામ કાચી કેરી છોલીને તેના મધ્યમ ટુકડા કરી લો. હવે એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી વરિયાળી, રાઈ, મેથી, અજમો અને કલોંજી ઉમેરો.
તેમાં ચપટી હિંગ નાખીને કેરીના ટુકડા અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. હવે 1/4 કપ પાણી નાખો અને ઢાંકણ બંધ કરી કેરી અડધી ચડી જાય ત્યાં સુધી (લગભગ 10 મિનિટ) પકાવો. ત્યારબાદ તેમાં 2 ચમચી ગોળ અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરો.
મધ્યમ આંચ પર ત્યાં સુધી પકાવો જ્યાં સુધી ગોળ ઓગળી જાય અને ગ્રેવી ઘટ્ટ થઈ જાય, છેલ્લે ગેસ બંધ કરી 1 ચમચી સંચળ (કાળું મીઠું) નાખીને બરાબર હલાવી લો એટલે તમારી ચટણી તૈયાર છે.


