તિરુપ્પરનકુંદ્રમ પહાડી પર મુસ્લિમો વર્ષમાં દરરોજ નમાઝ પઢી શકશે
નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: તમિલનાડુની પવિત્ર તિરુપ્પરનકુંદ્રમ પહાડી પર લાંબા સમયથી ચાલી રહેલા ‘કાર્તિગઈ દીપમ’ વિવાદમાં સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, પહાડીના નેલ્લીથોપ્પુ વિસ્તારમાં મુસ્લિમ સમુદાય રમઝાન અને બકરી ઈદના અવસરે નમાઝ પઢી શકે છે, પરંતુ ત્યાં દરરોજ નમાઝ પઢવાની મંજૂરી આપી શકાય નહીં.
જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ પી.બી. વરાલેની ખંડપીઠે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, મદ્રાસ હાઈકોર્ટનો આદેશ અત્યંત સંતુલિત છે અને તેમાં દખલ કરવાની કોઈ જરૂર નથી. ઉલ્લેખનીય છે કે, દરગાહના ઇમામ દ્વારા હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે.
તિરુપ્પરનકુંદ્રમ પહાડી હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયો માટે મહત્વ ધરાવે છે, જેના કારણે અહીં અવારનવાર વિવાદ સર્જાય છે. પહાડીની તળેટીમાં ભગવાન સુબ્રમણ્ય સ્વામીનું પ્રાચીન મંદિર છે. સનાતન ધર્મમાં આ પહાડીને ભગવાન સુબ્રમણ્યનું નિવાસસ્થાન અને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ જ પહાડી પર સિકંદર બાદુશા ઓલિયા દરગાહ આવેલી છે. નેલ્લીથોપ્પુ વિસ્તાર પર આ દરગાહની માલિકી હોવાનો દાવો કરવામાં આવે છે. ગત વર્ષે ઓક્ટોબરમાં મદ્રાસ હાઈકોર્ટે આ વિસ્તારમાં પશુબલિ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો.
ગયા વર્ષે ડિસેમ્બરમાં હાઈકોર્ટે દરગાહ નજીક ‘દીપાથૂન’ સ્થળ પર દીપ પ્રગટાવવાની મંજૂરી આપી હતી. જોકે, રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થા બગડવાનો હવાલો આપીને આ આદેશનો અમલ કર્યો ન હતો. આ મામલે હાઈકોર્ટે સરકાર સામે તિરસ્કારની કાર્યવાહી પણ હાથ ધરી હતી.


