1. Home
  2. ગુજરાતી
  3. કચ્છના અબડાસા તાલુકાના ઐતિહાસિક તેરા ગામના પૌરાણિક સ્થળો ખંડેર બની ગયા
કચ્છના અબડાસા તાલુકાના ઐતિહાસિક તેરા ગામના પૌરાણિક સ્થળો ખંડેર બની ગયા

કચ્છના અબડાસા તાલુકાના ઐતિહાસિક તેરા ગામના પૌરાણિક સ્થળો ખંડેર બની ગયા

0
Social Share

ભૂજ :  કચ્છના અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. જેમાં અબડાસા તાલુકાનાં ઐતિહાસિક તેરા ગામનો સમાવેશ હેરિટેજ વિલેજ તરીકે થયો છે, પણ કમનસીબી એ છે કે, તેરા ગામમાં આવેલી ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે કોઇ વ્યવસ્થા ન હોવાને કારણે  પુરાતત્ત્વીય’ સ્થળો વેરણ-છેરણ થઇ ગયા છે. એટલું જ નહીં પ્રવાસીઓ’ માટે કોઇ સગવડ ન હોવાથી ભાગ્યે જ કોઇ પ્રવાસી તેરા ગામ નિહાળવા આવે છે.

જૈન પંચતીર્થી પૈકીનાં એક એવા પૌરાણિક આ ગામે જૈન દેરાસર આવેલું છે. જૈન યાત્રિકોની અવર-જવર હોય છે. તે સિવાય પ્રવાસીઓને હેરિટેજ વિલેજ તેરાનું કોઇ આકર્ષણ નથી. વર્ષ 2003/04 દરમિયાન તેરાને હેરિટેજ વિલેજ તરીકે ઘોષિત કરાયું અને જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક સમિતિ રચાઇ હતી. તેરાનાં પુરાતત્ત્વીય અને ઐતિહાસિક સ્થળોની પ્રાચીનતા જાળવી રાખવા રૂા. 54 લાખની ગ્રાન્ટ ફાળવાઇ ત્યારબાદ  આ ઐતિહાસિક સ્થળની જાળવણી માટે કોઈએ રસ દાખવ્યો નથી.

`સૂત્રોના જણાવ્યા મુજબ એક એન.જી.ઓ.અને તેમનાં સંયોજન હેઠળ હેરિટેજ વિલેજનાં પ્રાચીન સ્થળોની જાળવણીનું કામ શરૂ થયું. કવયિત્રી રતનબાઇનું રહેઠાણ અને તેમની સમાધિ પ્રાચીન શિલોર વાવની પ્રાચીનતા જળવાય તેવો ટચ આપવામાં આવ્યો. અશોક સ્તંભની મરાંમત, તળાવની પાળ ઉપર વ્યૂ પોઇન્ટ, ગામમાં સોલાર લાઇટો, પૌરાણિક મકાનોનું થોડું ઘણું રિપેરિંગ, શીતળા માતાજીનાં મંદિંરનું રિનેવેશન, એક રૂમનું બાંધકામ, વિ. હેરિટેજને લાગતા કામો તો કરાયા પણ ત્યારબાદ તેની જાળવણી ન થતાં બિસ્માર બની રહ્યા છે. આમ તો હેરિટેજ વિલેજનો પ્રોજેકટ સાતેક કરોડનો હતો, પણ ચોપન લાખના કામો પછી કોઇ કામો હાથ ન ધરાતાં તેરા ગામ તેની ઓળખ ગુમાવી રહ્યું છે.

ગામમાં પ્રવાસીઓ આકર્ષાય તે માટે કોઇ સુવિધા નથી. કેન્ટીન, લોજ કે હોટલ નથી. ગામમાં તમામ માર્ગો પાકા બનાવવાની મૂળ યોજના હતી પણ ગ્રાન્ટની ફાળવણી ન થતાં ગ્રા.પં. જ્યાં પહોંચી શકે ત્યાં પાકા માર્ગો બનાવ્યા છે. આમ તો ગામ નવ કિ.મી.માં પથરાયેલું છે. ગામને સાંકળતી ગટર યોજનાનું બે-બે વખત ખાતમુહૂર્ત થયું પણ ગટર યોજનાનો કોઇ પત્તો નથી.

જૈન સમાજ દ્વારા ભોજનાલય અને અતિથિગૃહની વ્યવસ્થા છે. પણ ખાસ કિસ્સા સિવાય જૈનોને જ અગ્રતા અપાય છે. સ્થાનિકે અન્ય વર્ગના પ્રવાસીઓ માટે નિવાસ અને ભોજનની વ્યવસ્થા ન હોવાથી લોકો ગામની મુલાકાત લેવાનું ટાળે છે. કવયિત્રી રતનબાઇની સમાધિ, નિવાસસ્થાનને પૌરાણિક ટચ આપવાને બદલે નિવાસસ્થાન પર વિલાયતી નળિયાનો ઉપયોગ થયો છે, જે હેરિટેજને અણછાજતું છે. છતાસર, સુમરાસર, ચતાસર ઐતિહાસિક તળાવો માટે તેરા ગામ જાણીતું છે.

ઘર-ઘર નળ યોજના તો છે, પણ લોકો તળાવનાં પાણીનો પીવાના પાણી તરીકે ઉપયોગ કરે છે. ગામ બાંધણી કળા માટે પણ જાણીતું છે. અહીંના કારીગરોએ રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે. 3200ની વસ્તીવાળા આ ગામે 450 વ્યક્તિ બાંધણી કળા સાથે સંકળાયેલી છે અને તેના દ્વારા રોજગારી મેળવી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code