
- આસામના કરીમગંજમાં ગમખ્વાર અકસ્માત
- ટ્રક અને રીક્ષા વચ્ચે થઇ ટક્કર
- આ અકસ્માતના 10 લોકોનાં કરૂર મોત
નવી દિલ્હી: આસામના કરીમગંજમાં એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. અહીંયા એક ટ્રક અને રિક્ષા વચ્ચે ટક્કર લાગતા ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં 10 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
આસામના કરીમગંજમાં રીક્ષા અને ટ્રક ધડાકાભેર એકબીજા સાથે અથડાયા હતા જેના કારણે આ ગમખ્વાર અકસ્માત બન્યો હતો. જ્યારે લોકો છઠ્ઠ પૂજા કરીને પાછા આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. સાથે જ અસમ અને ત્રિપુરા રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો ચા ના બગીચામાં કામ કરતા હતા. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર સીમેન્ટની થેલીઓ ભરેલી ટ્રક પૂરપાટ ઝડપે આવી રહેલી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ટ્રકની સ્પીડ વધુ હોવાને કારણે રીક્ષાને જોરદાર ટક્કર લાગી હતી. રિક્ષામાં બેઠેલા વ્યક્તિઓના મોત થઇ ગયા હતા. આ ઘટના અંગે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વાહનો વચ્ચે ટક્કર બાદ 9 લોકોના ઘટનાસ્થળ પર મોત નિપજ્યા હતા જ્યારે 1 વ્યક્તિએ હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે પોલીસે કહ્યું કે દુર્ઘટનામાં મોટા ભાગના મૃતકો બાળકો અને મહિલાઓ છે જે છઠ પૂજા કર્યા બાદ રિક્ષામાં ઘરે જઈ રહ્યા હતા. સામેથી આવી રહેલા ટ્રકે રિક્ષાને ટક્કર મારી અને લોકોએ જીવ ગુમાવ્યા હતા.