
હેલિકોપ્ટર ક્રેશ બાદ વધુ એક અકસ્માત, બિપિન રાવત સહિત અન્ય મૃતકોના મૃતદેહોને લઇ જતી એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો
- હેલિકોપ્ટર ક્રેશ બાદ વધુ એક અકસ્માત
- CDS બિપિન રાવત સહિતના મૃતકોના પાર્થિવ શરીરને લઇ જતી કાફલામાંથી એક એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો
- એક એમ્બ્યુલન્સે સંતુલન ગુમાવ્યું હતું અને પહાડી સાથે ટકરાઇ હતી
નવી દિલ્હી: બુધવારે હેલિકોપ્ટર ક્રેશ બાદ આજે વધુ એક અકસ્માત થયો છે. CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને 11 અન્ય મૃતકોના પાર્થિવ શરીર લઇ જઇ રહેલી એમ્બ્યુલન્સોમાંથી એકને અકસ્માત નડ્યો હતો. મૃતકોના પાર્થિવ શરીર વેલિંગ્ટનથી મદ્રાસ રેજિમેંટલ સેન્ટર લઇ ગયા હતા. રેજિમેટંલ સેન્ટરથી તેમના પાર્થિવ શરીરને સુલૂર એરબેસ લઇ જવામાં આવી રહ્યો હતો. ત્યારે એક એમ્બ્યુલન્સે સંતુલન ગુમાવ્યું હતું અને તે પહાડ સાથે ટકરાઇ હતી.
જો કે આ અકસ્માતમાં સદનસીબે કોઇ જાનહાનિના સમાચાર નથી. મદ્રાસ રેજિમેંટલ સેન્ટરથી સુલૂર એરબેસના રસ્તામાં મેટ્ટુપલયમ પાસે આ અકસ્માતની ઘટના બની હતી. આજે પાર્થિવ શરીરને દિલ્હી માટે એરલિફ્ટ કરાશે. આજે રાત્રે 9 વાગે પીએમ મોદી દિવંગતોને શ્રદ્વાંજલિ આપશે.
નોંધનીય છે કે, બુધવારે તામિલનાડુના કુન્નૂરમાં વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતા દેશના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત સહિત 11 સૈન્ય અધિકારીઓના નિધન થયા હતા. ઘટના બાદ મૃતકોના મૃતદેહોને વેલિંગ્ટન મિલિટ્રી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.