
આગામી વિધાનસભા ચૂંટણીમાં ફરજ પરના ઇલેક્શન કર્મીઓ માટે આરોગ્ય મંત્રાલયે કર્યું આ મહત્વનું એલાન
નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોનનો ફફડાટ દિન પ્રતિદીન વધી રહ્યો છે. તેને કારણે સરકારની ચિંતા પણ સતત વધી રહી છે. આગામી 5 વિધાનસભાની ચૂંટણી આવી રહી છે જે પણ એક ચિંતાનો વિષય બન્યો છે. આ વચ્ચે હવે સ્વાસ્થ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ, સફાઇ કર્મીઓ બાદ ફ્રન્ટલાઇન વર્કર્સમાં ચૂંટણી કર્મચારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, જે રાજ્યોમાં ચૂંટણી છે ત્યાં ચૂંટણીની ફરજમાં રહેલા લોકોને હવે ફ્રન્ટલાઇન વર્કર્સની શ્રેણીમાં સામેલ કરવામાં આવશે.
ચૂંટણીની ફરજમાં સામેલ થનારા ચૂંટણી કર્મચારીઓને પ્રીકૉશન ડોઝ પણ આપવામાં આવશે.
હવે વૃદ્વોએ પ્રીકોશનરી ડોઝ માટે ડોક્ટરોનું સર્ટિફિકેટ કે પ્રિસ્ક્રીપ્શન દેખાડવાની આવશ્યકતા નથી. કેન્દ્ર સરકારે 10 જાન્યુઆરીથી પ્રીકોશન ડોઝનું જે અભિયાન શરૂ કર્યું છે તેમાં ગંભીર બીમારીથી પીડિત વરિષ્ઠ નાગરિકોને પ્રીકોશન ડોઝનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
વૃદ્ધો માટે 10 જાન્યુઆરીથી પ્રીકોશન ડોઝની વ્યવસ્થા શરુ થઈ રહી છે. નેશનલ હેલ્થ ઓથોરીટીના સીઇઓ ડો. આર એસ શર્માએ કહ્યું હતું કે પ્રિકોશનરી ડોઝ માટે ‘કોમોરબીડિટી સર્ટિફિકેટ’ જરૂરી હશે. જો તમને ડાયાબિટીસ, કેન્સર, શ્વાસ લેવામાં તકલીફ અને હ્રદયના રોગો જેવી ગંભીર બીમારી હોય તો જ તમને ત્રીજો ડોઝ મળશે.
અત્રે જણાવવાનું કે, દુનિયાભરના વૈજ્ઞાનિકોએ ચેતવી દીધા છે કે કોરોનાની વેક્સિનથી બનેલી ઇમ્યુનિટી થોડા સમય પછી ઓછી થઈ જાય છે. એવામાં વેક્સિનના બુસ્ટર ડોઝની જરૂર બધાંને પડી શકે છે. કોરોનાનો નવો ઓમિક્રોન વેરિયન્ટ વધારે શક્તિશાળી હોવાથી તેની જરૂર વધી ગઈ હતી.