
રમેશ તન્ના
અમદાવાદ: 19મી ડિસેમ્બર, 2021, રવિવારની સાંજ યાદગાર બની. હરીન્દ્ર દવે મેમોરિઅલ ટ્રસ્ટ દ્વારા, મુંબઈના શ્રેષ્ઠ કલા-ધન અને શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં પૂજ્ય મોરારી બાપુના વરદ્ હસ્તે 2020ના વર્ષનું, પત્રકારત્વનું, હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક મળ્યું.
હરીન્દ્ર દવેની કલમ એટલે ઘીના દીવાનો ઉજાસ. સજ્જ, સંવેદનશીલ, સૌમ્ય અને નિસબતી શબ્દકર્મી. જેટલા મોટા ગજાના સર્જક એટલા જ ઉચ્ચ સ્તરના પત્રકાર અને તંત્રી. ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, ભગવતીકુમાર શર્મા, હરીન્દ્ર દવે.. જેમણે સાહિત્ય અને પત્રકારત્વ બન્નેને ધન્ય કર્યાં.
હરીન્દ્ર દવેના નામ સાથેનું પારિતોષિક હોય, અર્પણ કરનારા પૂજ્ય મોરારી બાપુ હોય અને સામે વિવિધ ક્ષેત્રના દિગ્ગજો હોય… ઘટે તો શું ઘટે બોલો ? આનંદ, ગૌરવ અને સંતોષના ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હોય તેવી અનુભૂતિ થઈ.
1989થી મારી પત્રકારત્વની શબ્દસાધના શરૂ થઈ છે. 32 વર્ષ થયાં. સમાજ ઉપયોગી, લોકાભિમુખ અને લોકનિષ્ઠ શબ્દકર્મ કરવું એ સહજ રીતે નક્કી થયું છે. સમયાંતરે સમાજ દ્વારા તેની નોંધ લેવાતી રહી છે અને પહોંચ પણ મળતી રહી છે. એનો આનંદ જ હોય. ઉત્સાહ વધે, ઊર્જા મળે અને જવાબદારી-પ્રતિબદ્ધતા ઘૂટાતી રહે.
(તસવીર સૌજન્ય – જિતન મોદી)
હરીન્દ્રભાઈની સ્મૃતિમાં સાહિત્ય, પત્રકારત્વ અને કળા ક્ષેત્રે, દર વર્ષે એક-એક એવોર્ડ અપાય છે.
2019 અને 2020ના કુલ છ એવોર્ડ અપાયા. સાહિત્યમાં એસ.એસ.રાહી અને કિરીટસિંહ ચૌહાણ, પત્રકારત્વમાં શિરીષ મહેતા અને આ લખનાર, કલા ક્ષેત્રે પ્રવીણ સોલંકી અને હેમા-આશિત દેસાઈને સ્મૃતિ પત્ર અને એકાવન હજારનો ચેક અપાયો.
કોરાનાને કારણે સીમિત લોકો હતા. હૃદયસ્પર્શી અને યાદગાર કાર્યક્રમ હતો. હિતેન આનંદપરાનું સુંદર સંયોજન અને કવિ મુકેશ જોશીનું સહજ-મસ્ત સંચાલન.
આલાપ દેસાઈએ હરીન્દ્રભાઈની રચનાઓથી સોહામણી સાંજને સૂરીલી બનાવી.
સર્વશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય- ચેલના ઉપાધ્યાય, હેમા- આસિત દેસાઈ સપરિવાર, વર્ષાબહેન અડાલજા, હરેશ મહેતા, સ્નેહલભાઈ મઝુમદાર, સુધીર શાહ, લલિત શાહ (ભવન્સ), હેમેન શાહ, હિરેન મહેતા, ડો. કુલીન કોઠારી, ડો. પંકજ પારેખ, કનુભાઈ શાહ આ સર્વેના સાનિધ્યે વાતાવરણ સ્તરીય અને પ્રેમમય બન્યું હતું.
નવીનભાઈ દવેએ મીઠો આવકારો આપ્યો. રમેશ પુરોહિતે સાહિત્યના એવોર્ડી, કુંદન વ્યાસે પત્રકારત્વના એવોર્ડી અને મુકેશ જોશીએ કલાના એવોર્ડીનો ટૂંકમાં સુંદર પરિચય આપ્યો. હિતેનભાઈની ક્ષણે ક્ષણની સક્રિયતા અને ચોકસાઈ ઊડીને આંખે વળગતી હતી.
દરેકને પ્રતિસાદ આપવાની તક અપાઈ એ મોટી વાત કહેવાય. એવોર્ડ મેળવનારે હૃદય ભાવ વ્યકત કર્યો.
મેં ત્રણેક મિનિટ વાત કરી જે શ્રોતાઓના હૃદય સુધી પહોંચી તેનો આનંદ આનંદ. મેં ત્રણ માતાઓ પ્રભાબહેન તન્ના, શબરી માતા અને અમરાપુરનાં નાવી બહેનનું સ્મરણ કર્યું.
પૂજ્ય મોરારી બાપુનું પ્રવચન મનનીય રહ્યું. તેમણે ઘણી નવી અને સુંદર વાતો કરી.
સમારંભ પછી પણ સમારંભ ચાલતો રહ્યો સ્નેહ-મિલનનો.
છુટા પાડવા પડે એવી પ્રેમાળ સ્થિતિ.
એક બનાવની વાત હળવી રીતે કહું. હું, હિતેન આનંદપરા અને મુકેશ જોશી, લોકલ ટ્રેન પકડવા માટે ટેક્ષી પકડવા બહાર ઊભા હતા. હિતેનભાઈને કશુંક યાદ આવ્યું તો તેઓ પાછા સભાસ્થળે ગયા. હું અને મુકેશભાઈ, કશું છુપાવ્યા વિના વાત કરવાના મૂડમાં હતા તેથી માસ્કને નાકવટો આપ્યો હતો. ત્યાં મુંબઈ મહાનગરપાલિકાવાળો એક સ્વજન બાઈક પર ચાંદલો લેવા, મારતે બાઈકે આવી ચડ્યો. એનો પ્રેમ જુઓ તો ગદ્ ગદ્ થઈ જવાય. અમે ના પાડતા જ રહ્યા તોય 200-200 રૃપિયા લખીને જ રહ્યો. સરસ્વતી અને લક્ષ્મી હળ્યાં-મળ્યાં.
એક કવિ અને એક લેખક-પત્રકારે, ફૂટપાથ પર, સમૃદ્ધ ગણાતી મુંબઈ મહાનગરપાલિકાને 200-200નો ચાંદલો કર્યો.
શુભ પ્રસંગે ચાંદલો લખાવવાનો રિવાજ આ રીતે જળવાઈ રહ્યો એનો આનંદ.
પાછળથી, પૂરા માસ્ક પરિધાન સાથે આવેલા હિતેન આનંદપરા ચાંદલામાંથી બચી ગયા.
આ તો બે ઘડીની ગમ્મત, બાકી જ્યારે રાત્રે હું ગુજરાત મેઈલમાં બેઠો ત્યારે નવો ઉત્સાહ, નવી ઉર્જા, નવો આનંદ લઈને બેઠો હતો. ટ્રેન ઉપડી ત્યારે કોઈ બારી પાસે, મને સાદ કરતું, ઈશારા કરતું ઊભું હતું. મને ખૂબ નવાઈ લાગી કે જતી વખતે કોણ આવજો કહેવા આવ્યું ? જોઉં તો હરીન્દ્ભાઈ દવે પોતે. એક શબ્દ પણ ના બોલ્યા. બસ, થોડું હસ્યા. એમને જે કહેવાનું હતું તે તેમણે બોલ્યા વિના મને કહી દીધું અને મારે જે સમજવાનું હતું તે મેં સાંભળ્યા વિના સમજી લીધું…
દરેકને જય શબ્દેશ્વર..