
- તાલિબાને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને આપી ટ્રેનિંગ
- પ્રશિક્ષણ પામેલા આતંકીઓએ PoKમાં નાખ્યા ધામા
- 38 આતંકીઓએ PoKમાં નાખ્યા ધામા
નવી દિલ્હી: તાલિબાને અફઘાનિસ્તાનને બાનમાં લીધા બાદ જમ્મૂ કાશ્મીરમાં પણ આતંકવાદને લઇને જોખમ વધ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 38 આતંકીઓએ તાલિબાની આતંકીઓ પાસેથી તાલીમ મેળવી છે. અત્યાધુનિક હથિયારો પર પકડ ધરાવતા તેમજ આઇટીમાં પ્રશિક્ષિત આ આતંકીઓ પાક અધિકૃત કાશ્મીરના હજીરા સ્થિત જૈશના તાલિમ અડ્ડા પર પહોંચ્યા હતા.
પુંછ વિસ્તારની વાત કરીએ તો તે આતંકવાદને લઇને ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. ત્યાં કોટલી, હજીરા, બાગ સહિતના વિસ્તારોમાં આતંકીઓના ટ્રેઇનિંગ કેમ્પ ચાલી રહ્યા છે. આ જીલ્લાને અડીને આવેલા LOC પર 20 કરતાં વધારે લોન્ચિંગ પેડ સક્રિય હોવાની સૂચના છે. દરેક લોન્ચિંગ પેડ પર 10-12 આતંકીઓ ઘૂસણખોરી માટે તૈયાર રખાયા છે.
પહેલા આ લોન્ચિંગ પેડ પર આતંકવાદીઓની સંખ્યા વધારે હોતી હતી પરંતુ ભારતની એરસ્ટ્રાઈકના ડરથી હવે ઓછી સંખ્યામાં આતંકવાદીઓને રાખવામાં આવે છે. પીઓકેમાં સેનાની ચોકીઓની આજુબાજુ પણ આતંકવાદીઓની મૂવમેન્ટ જોવા મળી રહી છે. ભૌગોલિક પરિસ્થિતિઓના કારણે પુંછનો એલઓસીને અડીને આવેલો વિસ્તાર ખૂબ સંવેદનશીલ છે.
નોંધનીય છે કે, ઈન્ટેલિજન્સ ગ્રિડને વધુ મજબૂત બનાવવામાં આવી છે. સરહદ પાર અને તાલિબાનની ગતિવિધિઓ પર સંપૂર્ણ નજર રાખવામાં આવી રહી છે.