
દિલ્હીની માફક મુંબઇમાં પણ પ્રદૂષણનું સ્તર વધ્યું, આ વિસ્તારોમાં હવાની ગુણવત્તા કથળી
- દિલ્હીની માફક મુંબઇમાં વધી રહ્યું છે પ્રદૂષણ
- મુંબઇના કેટલાક વિસ્તારોમાં હવાની ગુણવત્તા કથળી
- અનલોક બાદ પ્રદૂષણમાં ફરીથી વધારો થયો
મુંબઇ: દિલ્હીની માફક હવે મુંબઇમાં પણ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. દિલ્હીમાં તો પ્રદૂષણનું કારણ પરાળી બાળવાનું, ઔદ્યોગિકીકરણ, ટ્રાફિક છે પરંતુ મુંબઇમાં તો ગગનચુંબી ઇમારતોના બાંધકામને કારણે હવાની ગુણવત્તા સતત કથળી રહી છે.
મુંબઇમાં ગગનચુંબી ઇમારતોના બાંધકામ ઉપરાંત અનલોક પછી રસ્તાઓ પર ચોવીસ કલાક દોડતા વાહનો પણ છે. આ જ કારણોસર ત્યાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ટૂંક સમયમાં મુંબઇમાં પણ દિલ્હીની જેવું જ ગુંગળાવી નાંખતું પ્રદૂષણ જોવા મળે તો નવાઇ નહીં.
મુંબઇના કોલાબા, મઝાગોન, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને મલાડમાં હવાની ગુણવત્તા ખૂબ જ નબળી નોંધવામાં આવી છે.
મુંબઇમાં અન્ય શહેરોમાંથી રોજગારી માટે આવતા લોકોની સંખ્યા સતત વધી રહી છે જેને કારણે વધતી વસ્તીની જરૂરિયાને પહોંચી વળવા માટે મકાનોનું બાંધકામ કરવા માટે સતત વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. વૃક્ષોના નિકંદનને કારણે પણ હવાની ગુણવત્તા કથળી રહી છે. ઉદ્યોગોને કારણે પણ પ્રદૂષણ વધી રહ્યું છે.
આ કામોમાંથી સતત ધૂળ ઉડે છે. આ ધૂળ સમગ્ર વાતાવરણમાં ફેલાય છે. જેના કારણે હવાની ગુણવત્તા સતત બગડી રહી છે. મુંબઈમાં દરરોજ લાખો વાહનો આવે છે અને જાય છે. આ વાહનો પ્રદુષણ પણ ફેલાવે છે.
ધુમ્મસ, ધૂળ અને ધુમાડો એકસાથે પ્રદૂષણનું સ્તર વધારી રહ્યા છે. જેના કારણે મુંબઈકરોને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
નોંધનીય છે કે, ભારતના 24 મોટા શહેરોની સરખામણીમાં મુંબઈમાં સૌથી વધુ PM-10 છે. PM-10ને પાર્ટિક્યુલેટ મેટર કહેવામાં આવે છે. આ કણોનું કદ 10 માઇક્રોમીટર અથવા તેનાથી ઓછું છે. તેમાં ધૂળ, ગંદકી, ધાતુના સૂક્ષ્મ કણોનો સમાવેશ થાય છે.