
- ભારત સરકાર બ્લોકચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રજૂ કરવા માટે તૈયાર છે
- તેનાથી હેલ્થકેર, સાયબર સિક્યોરિટી, ગવર્નન્સ જેવા ક્ષેત્રે ક્રાંતિ આવશે
- સરકાર હજી પણ આ મુદ્દે લોકોનો અભિપ્રાય એકઠી કરી રહી છે
ભારત સરકારે 10 વર્ષ પહેલા પોતાના ડેટાબેઝને પ્રાઇવેટ કંપનીઓ માટે ખોલ્યા હતા જેથી તે આના પર પ્રોડક્ટ બનાવી શકે. ત્યારબાદ જ્યારે ભારત આધાર સિસ્ટમ અને UPIને લાવ્યું તો આધુનિક ટેક્નોલોજી સાથે જોડાયેલી કંપનીઓના અગ્રણીઓએ તેની પ્રશંસા કરી હતી. તેમાં બિલ ગેટ્સ, સત્ય નડેલા અને સુંદર પીચાઇ પણ સામેલ છે. હવે વધુ એક વાર ભારત ટેક્નોલોજીની દુનિયામાં એક પગલું આગળ વધવા જઇ રહ્યું છે. ભારત બ્લોકચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રજૂ કરવા માટે તૈયાર છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, બ્લોકચેઇન પર નેશનલ સ્ટ્રેટેજી ડ્રાફ્ટ પ્રમાણે, એપ્લિકેશન્સ બનાવવા માટે પ્રાઇવેટ ડેવલપર્સ માટે સરકાર દ્વારા સમર્થિત બ્લોકચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક હબ બની શકે છે. જો ઇન્ડિયાન સ્ટેક ડેવલપર્સને બ્લોકચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરતા પેમેન્ટ્સ પ્રોડક્ટ્સ બનાવવાની મંજૂરી આપી દે તો આ હેલ્થકેર, સાયબર સિક્યોરિટી, ગવર્નન્સ, મીડિયા, લોજિસ્ટિક્સ અને હોસ્પિટાલિટી, એજ્યુકેશન, કાયદો, એનર્જી, સ્માર્ટ સિટીઝ વગેરે સેક્ટર્સમાં ઉત્પાદનો તેમજ સેવાઓમાં ક્રાંતિ લાવી શકે છે.
બ્લોકચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારત સરકારના ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે, બ્લોકચેનનો ઉપયોગ વિવિધ સરકારી વિભાગો દ્વારા ઉત્પન્ન થયેલ તમામ વ્યવહારો અને ડેટાના પ્રમાણીકરણ અને ચકાસણી માટે સત્યતાના એક સ્રોત તરીકે થઈ શકે છે. સરકાર હજી પણ આ મુદ્દે લોકોનો અભિપ્રાય એકઠી કરી રહી છે. નાગરિકો 16 ફેબ્રુઆરી સુધી MyGov પ્લેટફોર્મ દ્વારા સરકાર સુધી પહોંચી શકશે.
શું છે બ્લોકચેઈન
બ્લોકચેઈન એ ડેટાબેસ છે જ્યાં માહિતી/ઈન્ફર્મેશન બ્લોક્સમાં સંગ્રહિત થાય છે. આ બ્લોક્સ ચેઈન દ્વારા જોડાયેલા છે. ઉદાહરણ તરીકે બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીઝ ડિસેન્ટ્રલાઇઝ્ડ બ્લોકચેઈન પર આધારિત છે. દરેક વ્યવહાર આમાં નોંધાયેલ છે પરંતુ વ્યક્તિ ડેટાને નિયંત્રિત કરી શકતો નથી. માહિતી ઘણા કમ્પ્યુટર પર સેવ રહે છે. આ ડિટેલ્સમાં ફેરફાર કરવો, હેક કરવા અથવા સિસ્ટમ સાથે ફ્રોડ અસંભવ છે.
(સંકેત)