
- મોદી સરકારે સ્ટ્રીટ ફૂડ વેન્ડરની મદદ માટે લીધું આ પગલું
- મોદી સરકારે સ્વીગી, ઝોમેટો સાથે આ માટે કર્યા કરાર
- સ્ટ્રીટ ફૂડના શોખીનો હવે ઘરે જ સ્વાદની લિજ્જત માણી શકશે
નવી દિલ્હી: રોડસાઇડ સ્ટ્રીટ ફૂડ વેન્ડરની મદદ કરવાના હેતુસર મોદી સરકારે મોટું પગલું લીધું છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધી એટલે કે પીએમ સ્વનીધિ સ્કીમ હેઠળ શહેરી વિકાસ મંત્રાલયને ઓનલાઇન ફૂડ ઓર્ડર અને હોમ ડિલીવરી કરનારી કંપની ઝોમેટો સાથે કરાર કર્યો છે. ફૂડ એગ્રીગેટર ઝોમેટોએ આ યોજનામાં સાથે કામ કરવા કરાર કર્યો છે. મહત્વનું છે કે સરકાર પહેલા જ સ્વીગી સાથે કરાર કરી ચૂકી છે.
કેન્દ્ર સરકાર તેમજ સ્વીગી, ઝોમેટો વચ્ચે થયેલ કરાર બાદ સ્ટ્રીટ વેન્ડર્સ ખાવા પીવાના સામાનનો ઓનલાઇન ઓર્ડર લીધા બાદ હોમ ડિલીવરી કરી શકશે. એક તરફ મંદીનો માર સહમ કરી રહેલા આ સેક્ટરને જીવનદાન મળશે અને સ્ટ્રીટફૂડના શોખીન ઘરે જ લિજ્જત માણી શકશે.
કોરોના મહામારીને કારણે લાખો સ્ટ્રીટ વેન્ડર્સને ફટકો પડ્યો છે અને ઝોમેટોએ કહ્યું છે કે તે 6 શહેરોમાં 300 ફૂડ વેન્ડર્સને તાલીમ આપીને આ યોજનાનો પ્રારંભ કરશે. આ યોજના શરૂ થવાથી કેટલાક લોકોને રોજગાર મળશે.
આ શહેરોમાં ફૂડની હોમ ડિલીવરી થશે
નાગપુર, ભોપાલ, પટના, વડોદરા તેમજ લુધિયાણા શહેરમાં ફૂડની હોમ ડિલીવરી થશે. પહેલું ચરણ સફળ થશે તો અન્ય 125 શહેરોમાં સ્ટ્રીટ ફૂડ ડિલીવરી શરૂ કરવાનો પ્લાન છે.
સ્વચ્છતાનું રખાશે ધ્યાન
આ કરાર હેઠળ ઝોમેટોએ સ્ટ્રીટ વેન્ડર્સને ફૂડ સેફ્ટી અને હાઇજીન વિશે શીખવાડવાનું પણ નક્કી કર્યું છે. તેમના પાન કાર્ડ, ફૂડ મેનુ તેમજ ફૂડ કિંમતને નિર્ધારિત કરવામાં પણ મદદ કરશે.
(સંકેત)