
- પશ્વિમ બંગાળમાં સતત ત્રીજીવાર TMCની સરકાર બનવા જઇ રહી છે
- મમતા બેનર્જી 5મેના રોજ સતત ત્રીજી વાર રાજ્યના CM તરીકે શપથ ગ્રહણ કરશે
- તેમના મંત્રીમંડળમાં સમાવેશ થનારા મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરશે
કોલકાતા: પશ્વિમ બંગાળમાં સતત ત્રીજી વાર TMCની સરકાર બનવા જઇ રહી છે. 5મી મેના રોજ મમતા બેનર્જી સતત ત્રીજી વખત રાજ્યના મુખ્યપ્રધાન પદે શપથ ગ્રહણ કરશે. આ પહેલા સોમવારે મમતા બેનર્જીને ટીએમસીના ધારાસભ્યોએ વિધાનસભામાં પાર્ટીના નેતા તરીકે પસંદ કર્યા હતા.
પક્ષની યોજાયેલી બેઠક બાદ TMCના નેતા અને શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જીએ કહ્યું હતું કે, બુધવારે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. જેમાં મમતા બેનર્જી સતત ત્રીજી વખત મુખ્યપ્રધાન પદે શપથ ગ્રહણ કરશે. સાથે તેમના મંત્રીમંડળમાં સમાવેશ થનારા મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરશે.
આપને જણાવી દઇએ કે, મમતા બેનર્જી નંદીગ્રામ બેઠક પર હારી ગયા હતા, જેને કારણે તેઓએ ત્યાં ફરીથી મતગણતરીની માંગ કરી હતી. મમતાએ આરોપ લગાવ્યો હતો કે, ચૂંટણી પરિણામો જાહેર થયા તેના એક દિવસ અગાઉ નંદીગ્રામમાં ગડબડ કરાઇ હતી.
નોંધનીય છે કે, પશ્વિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસે ઐતિહાસિક 213 બેઠક મેળવી છે જ્યારે ભાજપને 77 બેઠકો જ મળી હતી. કોંગ્રેસ અને ડાબેરી પક્ષને એક પણ બેઠક પર જીત નહોતી મળી. જેને પગલે મમતા બેનર્જીની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર બનવા જઇ રહી છે.
મમતાએ દાવો કર્યો હતો કે સ્થાનિક પોલિંગ ઓફિસર ફરી મતગણતરીનો આદેશ આપે તો તેમના જીવને જોખમ છે. આત્મહત્યા પણ કરી શકે છે. મમતાએ દાવો કર્યો હતો કે નંદીગ્રામમાં ચાર કલાક સુધી સર્વર ડાઉન હતું, મને તો રાજ્યપાલે પણ જીત બદલ શુભેચ્છા પાઠવી હતી.
બીજી તરફ ભાજપે પશ્ચિમ બંગાળમાં હિંસા બદલ મમતા પર આરોપો લગાવ્યા હતા. સાથે દાવો કર્યો હતો કે ચૂંટણી પરિણામો જાહેર થયા તે બાદ અમારા ચાર કાર્યકર્તાઓની બંગાળમાં હત્યા કરી દેવામાં આવી છે. ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગિયએ દાવો કર્યો હતો કે ચૂંટણી પરિણામો બાદ અમારા ચાર કાર્યકર્તાઓની હત્યા કરી દેવાઇ અને 4000 જેટલા ઘરોમાં તોડફોડ કરાઇ છે.
(સંકેત)